- જાગૃતિ 'નિર્મોહી'
પેરી નામની દીકરી હતી. તેને કૂતરા પાળવાનો અને રમાડવાનો બહુ શોખ.
પેરીએ જીદ કરી એટલે એક દિવસ ભૂરિયા કૂતરાનો પરિવાર ઘરે લાવવામાં આવ્યો. કૂતરો ભૂરિયો, કૂતરી ભૂરી અને તેમનું બચ્ચું ગલુડિયું ડીગ્ગુ પણ ભૂરું!
થોડા દિવસ તો પેરી આ ત્રણેય સાથે ખૂબ રમે. નવું નવું ખવડાવે, નવડાવે, ફરવા લઈ જાય,ડાન્સ કરાવે. આમ,એ બધા મજા કરે. પેરી એમને તાળી આપતાં, નમસ્કાર કરતાં પણ શીખવતી હતી.
ધીરે ધીરે ભૂરી, ભૂરિયો અને ડીગ્ગુ પેરીના પરિવારથી અને ઘરના એકેએક ખૂણાથી પરિચિત થઈ ગયા હતાં.
ડીગ્ગુ જોકે ક્યારેક ખૂબ અકળાઈ જતું, રડતું અને ક્યારેક તો રાત્રે એવું તોફાને ચડતું કે સાંકળ તૂટી જાય, કેમ કે એને પેરી સાથે રમવું હોય, પણ પેરી ઘરે આવેલા લેપટોપ નામના નવા મહેમાન સાથે રમવામાં વ્યસ્ત રહેતી હતી.
ત્રણેય કૂતરાં ઘરમાં ફરતાં રહે અને પેરીને લેપટોપમાં આંગળીથી ટક... ટક... ટક કરતાં જુએ. ક્યારેક પેરી લેપટોપની સ્ક્રીન પર દેખાતા માણસો સાથે વાતો કરતી હોય, ક્યારેક ગીતો ગાય, ક્યારેક વાર્તા સાંભળતી હોય, એવું તો કેટલુંય કરતી હોય.
એક દિવસ પેરી લેપટોપ બંધ કરવાનું ભૂલી ગઈ. તે કશેક બહાર ગઈ હતી. ભૂરિયો,ભૂરી અને ડીગ્ગુ ત્રણેય પહેલાં એકબીજા સામે જુએ અને પછી લેપટોપ સામે જોવે. પાછાં એકબીજા સામે જુએ ને લેપટોપ સામે જુએ... આવું ચાર-પાંચ વખત ચાલ્યું.
ત્યાં તો ડીગ્ગુ એક છલાંગ મારી લેપટોપ સામે ઊભો રહી ગયો. ભૂરી પણ એની પાસે પહોંચી ગઈ. ભૂરિયાએ તો લેપટોપની બિલકુલ નજીક જઈ તેનો હાથ જ એક બટન પર મૂકી દીધો.
ભૂરિયાએ જેવું ટચ કર્યું કે તરત સ્ક્રીન પર ઘણાં બધાં બોક્સ દેખાવા લાગ્યાં. ભૂરિયો રોજ પેરીને જોતો હતો એટલે એને ઘણી બધી ખબર હતી. એ ટચ કરે ને ફોલ્ડર ખૂલે. પેઈન્ટનું ફોલ્ડર ખૂલ્યું ને ભૂરિયો આડી-અવળી લીટીઓ કરવા લાગ્યો. ભૂરિયાએ તો કલર પર ક્લિક કર્યું એટલે રંગોનો એક ડબ્બો અને પીંછી દેખાવા લાગ્યાં. ભૂરિયો પોતે પેઇન્ટ કરે અને સાથે સાથે ભૂરી અને ડીગ્ગુની આંગળી પકડીને પણ ટચ કરાવે. ત્રણેય વારાફરતી અલગ અલગ જગ્યાએ રંગ ભરતાં જાય. આખી સ્ક્રીન પર રંગોની અજાયબ દુનિયા ખડી થઈ ગઈ. ત્રણેયને મજા આવી ગઈ.
અચાનક ડીગ્ગુથી બીજું ફોલ્ડર ખૂલ્યું. એમાં તો અજબ ગજબ અવાજો અને ડાન્સ કરતાં કેટલાય પશુઓ અને પ્રાણીઓનાં કાર્ટૂન નાચતાં દેખાયાં. એ ત્રણે મજાથી નાચવા લાગ્યાં. ત્યાં પાછું ડીગ્ગુથી બીજું એક ફોલ્ડર ખુલી ગયું ને એમની મજા ઊડી ગઈ, કારણ કે લેપટોપમાંથી ડરામણા અવાજ આવવા લાગ્યા. ડીગ્ગુ તો ભયભીત થઈને લપાઈ ગયું. ભૂરિયો અને ભુરી જીભ બહાર લટકાવી ડરથી ફફડવા લાગ્યાં. ડીગ્ગુએ ભૂલથી હોરર ફિલ્મનું ફોલ્ડર ખોલી નાખ્યું હતું.
ત્યાં તો પેરી દોડતી આવી. ફટાફટ લેપટોપ ઓફ કર્યું. ડીગ્ગુને ખોળામાં લઈ, ભૂરિયા અને ભુરીને નજીક બેસાડી કહ્યું, 'આ જુઓ. આ વિજળીથી ચાલતું યંત્ર છે. એ જેટલું સારું છે એટલું ખતરનાક પણ છે. એનો સમજણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કોઈ જાણકાર સાથે ન હોય કે ન આપણે પૂરું જાણતાં હોઈએ ત્યારે એનાથી દૂર રહેવું જોઈએ.'
ભૂરિયાએ લેપટોપની નજીક જઈ સ્ક્રીન નીચે પાડી. ત્રણેયને પેરીની વાત બરાબર સમજાઈ ગઈ હતી. ત્રણેય કૂરતાં ચુપચાપ લેપટોપથી દૂર ચાલવા લાગ્યાં.


