For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શ્વાસ એ જ વિશ્વાસ .

Updated: Jan 20th, 2023

Article Content Image 


- નિર્દયી શત્રુઓની વચમાં સૈનિક સજાગ રહે...

-  ઠંડો પવન સૂસવાટા સાથે ગાતો હતો

- કમાન્ડરનો હુકમ હતો: 'નહીં અમર, હવે આગળ ના જઈશ. મોત છે ત્યાં. જાત સાચવી લે તો ફતેહ સાથે જીત મેળવીશું.'

સરહદનો સૈનિક સહુથી ચઢિયાતો છે. તેનું સ્થાન વડાપ્રધાનથી ય ઊંચું છે.

તેનું આત્મબળ એકદમ ચઢિયાતું છે. તેના દેશાભિમાનની તોલે કોઈ જ આવી શકે નહીં. કોઈ સંત નહીં, કોઈ નેતા નહીં, કોઈ પ્રધાન નહીં, કોઈ વિદ્વાન નહીં, કોઈ રાજયપાલ નહીં, કોઈ રાષ્ટ્રપતિ નહીં. તેના સ્વાભિમાન સંઘર્ષો એટલા દ્રઢ અને ઊંચા હોય છે કે ત્યાં સુધી કોઈ પહોંચી શકે નહીં.

ન ટાઢ, ન તડકો.

ન શિયાળો, ન ઉનાળો.

ન તોફાન, ન ધરતીકંપ.

ન ઊંચાઈ, ન નીચાઈ.

ન હિમ, ન હિમશિલા.

ન પાત, ન પ્રપાત.

ન ભૂખ, ન તરસ.

ન નીંદ, ન નીંદા.

એક જ લક્ષ. દેશની શાન. દેશની સુરક્ષા.

આકાશની ય ઊંચાઈ આંબતો તિરંગો ફરફરતાં રહે. ફરકતો રહે, આપણાં કાળજાં ને સીમા-સુરક્ષણ માટે ફફડાવતો રહે. એ જ દક્ષ, એ જ લક્ષ! બરફથી છવાયેલાં હિમાલયનાં શિખરો એટલે હિમ-મહેલ, હિમ-ગુફા, હિમ-ભૂલભૂલામણી, હિમની કરામત, હિમની મરામત, હિમની ચાલાકી, હિમની ચાલબાજી. ઠંડુ મોત જ કહોને! મોત આપે, જીવન આપે.

એક તો ધસમસતી હિમશિલાઓ મારે, દાટી દે, ઊંડાણે પહોંચાડી દે, ક્યાં છૂપાવી દે તેની ય ખબર ન પડે. ઉપરથી આતંકવાદીનો આતંક. પરદેશી પ્રલયકારીઓ સમૂહમાં આવે, એકલ દોકલ આવે, ટોળકી જમાવીને આવે, સાપની જેમ બરફની તિરાડોમાંથી સરકીને આવે.

આ બે નિર્દયી શત્રુઓની વચમાં સૈનિક સજાગ રહે, જાગૃત રહે, ખબરદાર રહે, ચોંકેલો રહે, સાવધાન રહે!

તો પણ ક્યારેક દસ્યૂઓ ફાવી જ જાય. કોઈક એવા પ્લાનિંગ સાથે તૂટી પડે, એટલી મોટી સંખ્યામાં આક્રમણ કરે કે રાયફલો સતત ધણધણતા રહે : ધણણણણ!!

કમાન્ડરનો હુકમ હતો : 'નહીં અમર, હવે આગળ ના જઈશ. મોત છે ત્યાં. જાત સાચવી લે તો ફતેહ સાથે જીત મેળવીશું.'

'સર,' અમર કહે : 'આપણો એક સાથી એ તરફ ધસી ગયો છે.'

'સિકંદર યુક્તિ સમજ્યો જ નહીં,' કેપ્ટને કહ્યું : 'મેં એને વાર્યો હતો, પણ એ ધસી જ ગયો. હું નથી ધારતો કે તે...'

'મારે એટલે જ જવું રહ્યું,' અમરે કહ્યું. 

'નો. નહીં. આઈ ઓર્ડર યુ ટુ...ટુ...ટુ...'

અમર પહોંચી ગયો. પહોંચી જ ગયો. કોઈ કોઈ ખૂણેથી આવતી ગોળીબારી છકાવતો તે ઠેઠ સુધી જઈ પહોંચ્યો. શોધતાં, સરકતાં જાતને બચાવતાં વાર લાગી. એથી જ કદાચ મોડું થયું.

સિકંદર લગભગ દટાયો હતો. રાયફલ ઊંચી હતી. મૌન સ્વરમાં ગાન હતું : યે સર જાવે તો જાવે... તેની અંતિમ પ્રાર્થનાઓ શરૂ થઈ ગઈ હતી : યે આન ન ઉનકી જાને પાયે, યે શાન ન ઉનકી જાને પાયે, યે બાન... બાન...

'ચિંતા ન કરે સિકંદર,' અમરે કહ્યું : 'હું આવી પહોંચ્યો છું.'

શહાદત પણ આવી જ પહોંચી હતી. ભારે પોપચાંને સહેજ ઊંચા કરતાં સિકંદર કહે : 'મને વિશ્વાસ હતો દોસ્ત, તું આવશે જ, તું આવશે...'

અમરે સાથીને ખભે ઉપાડયો. સરહદની સલામત સીમામાં તેને લઈ આવ્યો. કેપ્ટન ગર્જી ઉઠયો. તે કહે : 'મેં તને કહ્યું જ હતું. અમર કે એ...એ...એ...' 'સાચું જ કહ્યું હતું, સર...' અમરે ફૂલના તારાં ગુલદસ્તાની જેમ સિકંદરને હિમવનની પોચ્ચી શ્વેત શૈયા પર ગોઠવતાં કહ્યું : 'પણ સર, એના અંતિમ વેણ શા હતા, જાણો છો? મને વિશ્વાસ હતો દોસ્ત, તું આવશે જ. તું આ-વ-શે-જ!'


Gujarat