- અચાનક નાના મોટા પચાસેક આકાર પ્રગટયા. કોઈનું મોઢું લોહીવાળું તો કોઈના આંખમાંથી આગ નીકળતી. કોઈના દાંત વિકરાળ તો કોઈનું માથું જ ગાયબ!
- જતીન ભટ્ટ 'નિજ'
પૂનમની રાત હતી. બાર વાગવા આવ્યા હતા. દૂરથી ચીબરીનો અવાજ આવી રહ્યો હતો. વરસાદ સાંબેલાધાર પડી રહ્યો હતો. જોરથી હવા વહેતી હતી, જે ફાર્મહાઉસના બેન્ક્વેટના બારણાની ફાટમાંથી અંદર જઈ ચીસો પાડતી હતી. પાસે કૃત્રિમ તળાવ બનાવેલું હતું. એમાંથી ડ્રાઉં ડ્રાઉં અવાજ આવી રહ્યો હતો. તમરાંનો અવાજ પૂનમના અંધારાને વધારે ડરામણું બનાવતો હતો. પીપળાની ડાળીઓ પુષ્કળ હલતી હતી અને કોઈ વિચિત્ર આકાર ધારણ કરી રહી હતી. ઘડીમાં માણસ જેવો આકાર તો ઘડીમાં કોઈ ખૂંખાર પ્રાણી જેવો આકાર.
અચાનક નાના મોટા પચાસેક આકાર પ્રગટયા. કોઈનું મોઢું લોહીવાળું તો કોઈના આંખમાંથી આગ નીકળતી. કોઈના દાંત વિકરાળ તો કોઈનું માથું જ ગાયબ. કોઈની જીભ લબકારા મારતી તો કોઈના કાનમાંથી રસી નીકળતી દેખાતી. કોઈનું કપાળ કપાયેલું તો કોઈના હોઠ ચિરાયેલા. જાતજાતના ભૂત જ વળી. આ પચાસે-પચાસ ભયાનક લાગતા હતા.
ધીમે ધીમે ફાર્મહાઉસમાં બાંધેલા બંગલા ભણી જવા લાગ્યા.
'ચ ર ર ર...' ભયંકર અવાજ સાથે મેઈન ગેટ બંધ થઈ ગયો.
બંગલાનાં બારણાં ખુલ્લાં જ હતાં. આકારો આગળ વધ્યા. બહાર પૂનમની ચાંદની ખીલી હતી પણ બંગલાની અંદર પુષ્કળ અંધારું. ઈટાલિયન ઝુમ્મર અચાનક ઝૂલવા માંડયું. બલ્બ ચાલુ બંધ થવા માંડયા. બારણાં ઉઘાડબંધ થવા લાગ્યાં.બંગલામાં ભરાઈ ગયેલા ચામાચીડિયાનો ફફડાટ ડરામણો લાગતો હતો. કોઈ લાંબી ચીસ પણ પડી. બંગલામાં ભયાનક વાતાવરણ છવાયેલું હતું.
બધા ચોક્કસ જગ્યાએ અટકી ગયા. લાલ લાલ આંખોએ સામેની તરફ જોવા લાગ્યા. મોઢામાંથી લાળ નીકળવા લાગી.
અચાનક ફુલ લાઈટ ચાલુ થઈ. ચારે બાજુ ધોધમાર પ્રકાશ ફેલાઈ ગયો. સામે જ અર્ણવ અને આરતીનો બાર વર્ષીય પુત્ર બીટ્ટુ ટેબલ સજાવીને ઊભો હતો.
'હેપ્પી બર્થડે બીટ્ટુ...!' જોરથી ચિચિયારીઓ પડી.
પેલાં નાનામોટાં પેલાં પચાસ 'ભૂત'માં બીટ્ટુનાં મમ્મી-પપ્પાની સાથે એનાં મિત્રો પણ હતાં. સૌ ગાતા ગાતા નાચવા માંડયા-
'બાર બાર દિન યે આયે... બાર બાર દિલ યે ગાએ, તુમ જીઓ હજારો સાલ... હેપ્પી બર્થડે બીટ્ટુ...'
આજે અર્ણવ આરતીના પુત્ર બીટ્ટુની બારમી વર્ષગાંઠ હતી. તેમણે પોતાના ફાર્મહાઉસમાં સરપ્રાઇઝ પાર્ટીનો પ્લાન કર્યો હતો. સૌએ હોરર માસ્ક પહેરી ભૂત બનીને આવવાનું હતું.
બીટ્ટુ ખુશમખુશ થઈ ગયો આ સરપ્રાઈઝથી! એને તો બહુ જ મજા પડી ગઈ. કેક કપાઇ. ગિફ્ટ્સ અપાઈ. પપ્પા-મમ્મી બીટ્ટુ માટે પણ કોઈક વિચિત્ર આકારવાળું માસ્ક લાવ્યાં હતાં. એણે એ માસ્ક પહેર્યું અને સૌ સંગીતની સાથે નાચવા લાગ્યા.


