Get The App

બર્થડે સેલિબ્રેશન .

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
બર્થડે સેલિબ્રેશન                                      . 1 - image

- થોડી વારમાં પચ્ચીસ-ત્રીસ બાળકો અનાથાશ્રમમાંથી આવી ગયાં. જગ્ગુએ તેમને કેક કાપવા બોલાવ્યાં. બધા બાળકો અને જગ્ગુએ મળીને કેક કાપી. પછી તો સંગીત શરૂ થયું. બાળકો મન મૂકીને નાચ્યાં,ગરબા રમ્યાં. બધાએ આનંદિત થઈ ભોજન લીધું - પિઝા, પાસ્તા, ચાઇનીઝ, પંજાબી... 

- રાવલ જાગૃતિ

જ ગ્ગુ અને જેકી બે પાક્કા ભાઈબંધ.બેઉ સુખી ઘરનાં સંતાન. બંનેના વર્તન-વ્યવહારમાં ભરપૂર સાદગી. બન્ને બોલકાં અને મળતાવડા.

જેકીનો જન્મદિવસ આવ્યો.જગ્ગુને આમંત્રણ હતું. જેકીના જન્મદિવસની ઉજવણી હોટેલમાં હતી.

જગ્ગુ હોટલ પર પહોંચ્યો.ત્યાં પ્રવેશતાં એક ભાઈ થાળીમાં ફૂલ અને ચોકલેટ લઈ ઊભા હતાં.જે આવનારા બધા મહેમાનને આપતાં હતા.એ લઈ જગ્ગુ અંદર ગયો.

જગ્ગુ તો જોતો જ રહ્યો.આખા હોલમાં રંગબેરંગી લાઈટો,એક દીવાલ પર જરાય જગ્યા ન દેખાય એવડો મોટો  જેકીનો ફોટો, છતની બરાબર વચ્ચે કાચનું સંગીત અને લાઈટવાળું ફરતું ઝુમ્મર.આકાશમાં વાદળાં ચાલતાં હોય એવું ભોંયતળિયું ચાલતું હતું.

એક બાજુ જેકી લગ્નમાં વરરાજા ફોટા પાડે એમ જુદી જુદી અદાઓ કરતો ઊભો હતો.

જગ્ગુને પહેલાં થયું કે,હું કોઈના લગ્નમાં તો નથી આવી ગયો! જગ્ગુએ જેકી પાસે ગયો.બંને ભાઈબંધ ગળે મળ્યાં. જગ્ગુએ જેકીને વિશ કર્યું.જગ્ગુએ કહ્યું,'જેકી, આજે તારો જન્મદિવસ છે, લગ્ન નહિ.'

જેકી કહે, 'કેમ જગ્ગુ આવું કહે છે?' 

જગ્ગુ કહે, 'જો જેકી, જન્મદિવસની ખુશી ઉજવીએ પણ આટલો... બધો ખર્ચો?'

જેકી કહે, 'પપ્પા-મમ્મીએ આ બધું ગોઠવ્યું. આપણે તો લહેર કરવાની.'

કેક કપાઈ, લોકો નાચ્યા અને ગેમ રમ્યાં. જમવાનો સમય થઈ ગયો.જગ્ગુ તો ફરી આંખો ફાડીને જોવા લાગ્યો. આટલું બધું જમવાનું! તે વિચારવા લાગ્યો - શું ખાવું? ક્યાંથી ખાવું? ક્યો સૂપ પીવું? પાછળથી જેકી આવીને બોલ્યો, 'એ... ચાલ જગ્ગુ, આજે તો આપણે બે બધું ખાવાનું પૂરું કરી નાખીએ.' 

જગ્ગુ તો કંઈ બોલ્યો નહિ.મનમાં વિચારતો રહ્યો કે, આમ જન્મદિવસનો દેખાડો શું કરવાનો હોય... 

જગ્ગુ ઘરે આવ્યો.મમ્મીએ પૂછયું, 'કેવી રહી તારા મિત્રની પાર્ટી?' 

જગ્ગુએ મમ્મીને વિગતે વાત કરી. મમ્મી કહે, 'વાહ! આજે તો ભાઈએ મજા મજા કરી.'

થોડાં જ દિવસોમાં જગ્ગુનો જન્મદિવસ આવ્યો. મમ્મીને જેકીની પાર્ટીની વાત યાદ હતી. એટલે જગ્ગુનાં મમ્મી-પપ્પાએ જગ્ગુને કહ્યા વિના ભવ્ય પાર્ટી ગોઠવી. તેના મિત્રો સાથે સગાવ્હાલાને બોલાવ્યા.

જગ્ગુ આવ્યો. આ બધું જોઈને તેણે ખુશી થઈ, પણ પછી ગુસ્સો આવ્યો. એ મમ્મી-પપ્પાને થેન્ક્યું કહીને કહે, 'પપ્પા, તમે તમારા પેલાં મિત્ર, કે જે અનાથાશ્રમ મેનેજ કરે છે,  એમને જાણ કરો કે આજે અનાથાશ્રમનાં બાળકોને આપણા તરફથી ભોજન કરાવીશું.'

મમ્મી સમજી ગયાં કે જગ્ગુને આ પાર્ટીનું આયોજન ગમ્યું નથી. એ કહે, 'ભલે, તું કહે એમ.' 

પપ્પાએએ નિરાધાર બાળકોને ભોજનનું આમંત્રણ આપી દીધું. જગ્ગુ કહે, 'એ બાળકો અને આપણે બધા સાથે જમીશું.' આવેલા મહેમાનોમાંથી કોઈકને ગમ્યું, કોઈકને ન ગમ્યું.

થોડી વારમાં પચ્ચીસ-ત્રીસ બાળકો અનાથાશ્રમમાંથી આવી ગયાં. જગ્ગુએ તેમને કેક કાપવા બોલાવ્યાં. બધા બાળકો અને જગ્ગુએ મળીને કેક કાપી. પછી તો સંગીત શરૂ થયું. બાળકો મન મૂકીને નાચ્યાં,ગરબા રમ્યાં. બધાએ આનંદિત થઈ ભોજન લીધું - પિઝા, પાસ્તા, ચાઇનીઝ, પંજાબી... 

કેટલાય મહેમાનોએ જગ્ગુનાં મમ્મી-પપ્પાને કહેવા લાગ્યાં, 'વાહ! તમારા જગ્ગુમાં કેટલી બધી સમજણ છે. આન કહેવાય બર્થડે સેલિબ્રેશન...'

પાર્ટીમાં જેકી પણ આવ્યો હતો. એણે કહ્યું, 'જગ્ગુ, હવેથી હું પણ આ જ રીતે જન્મદિવસ ઉજવીશ.'

જગ્ગુએ ખુશ થઈને કહ્યું, 'વાહ જેકી, આ જ મારી બર્થડે ગિફ્ટ છે.'