જન્મદિવસ .
- ભગવાનને મીઠાઈનો ભોગ ચઢાવીને ઘંટડીઓના મીઠા અવાજ સાથે આરતી કરીશું તો મને ગમશે. આરતી ઉતારીને તાળીઓ પાડવાને બદલે ઘંટડીઓ વગાડીને 'હેપી બર્થડે'નું ગીત ગાઈશું.
- રોહિત ખીમચંદ કાપડિયા
રા જુને સૂવાડવા એનાં માથામાં હાથ ફેરવતાં એના પપ્પાએ કીટુ અને બિટુની વાર્તા શરૂ કરી.
કીટુ અને બિટુ જોડિયાં ભાઈ-બેન હતાં એ તો તને ખબર છેને? બોલ, જોડિયાં એટલે શું?
રાજુએ તરત જ કહ્યું : 'મમ્મીનાં પેટમાંથી એક સાથે જન્મેલાં બાળકો. એમનો જન્મદિવસ એક જ હોય.'
પપ્પાએ કહ્યું : આજે મારે તને એમનાં જન્મદિવસની જ વાત કરવી છે. કીટુ અને બિટુનો બે દિવસ પછી જન્મદિવસ હતો.
પપ્પાએ પૂછયું કે તમારે જન્મદિવસે શું કરવું છે?
કીટુએ કહ્યું : પપ્પા, આપણે કેક નથી લાવવી. કેક કાપીને બધાં મોંઢા પર લગાવે એ મને નથી ગમતું.
બિટુએ પણ કહ્યું કે આપણે કેક નહીં લાવીએ પણ ગુલાબજાંબુ લાવીશું.
કીટુએ તરત જ કહ્યું : ના, આપણે રસગુલ્લા લાવીશું.
પછી તો બંને ગુલાબજાંબુ અને રસગુલ્લા લાવવાની વાતને લઈને લડી પડયાં.
પપ્પાએ કહ્યું : આપણે રસગુલ્લા અને ગુલાબજાંબુ બંને લાવીશું. હવે તો ખુશને?
બંનેએ રાજી થઈને પૂછયું : આપણે કોને કોને બોલાવીશું?
પપ્પાએ કહ્યું : તમે બંને તમારાં મિત્રો તેમજ બહેનપણીઓને બોલાવજો. આપણે ત્યાં કામ કરવાં આવતાં બેનનાં દીકરા ગોપાલને, સોસાયટીમાં સફાઈકામ કરતાં બેનના છોકરા કિશનને અને આપણા ઘરથી થોડે દૂર આવેલા અનાથાશ્રમમાં ભણતાં તમારાં જેવાં જ પંદર છોકરાં-છોકરીઓને પણ બોલાવીશું. તમે બધાં સાથે મળીને મીઠાઈ ખાજો ને નાસ્તો કરજો. બધાને ગમે તેવી રમતો રમજો. ખૂબ મજા કરજો. મેં આપણી સોસાયટીનો હોલ ચાર કલાક માટે લઈ લીધો છે. હા, આપણે મીણબત્તીઓ ફૂંક મારીને ઓલવી નાખવાને બદલે દીવડા પ્રગટાવીશું. બિટુએ તરત જ કહ્યું : અરે! વાહ, તો તો દિવાળી જેવું લાગશે. મઝા પડી જશે.
કીટુએ કહ્યું : પણ આપણે ફુગ્ગા ફોડીને અવાજ તો કરીશુંને?
પપ્પાએ કહ્યું : તમારે ફૂગ્ગા ફોડવા હોય તો જરૂરથી ફોડજો, પણ એનાં કરતાં ભગવાનને મીઠાઈનો ભોગ ચઢાવીને ઘંટડીઓના મીઠા અવાજ સાથે આરતી કરીશું તો મને ગમશે.
કીટુએ કહ્યું : આરતી ઉતારીને તાળીઓ પાડવાને બદલે ઘંટડીઓ વગાડીને 'હેપી બર્થડે' નું ગીત ગાઈશું. ફૂગ્ગા ફોડવાના ડરામણા અવાજ કરતાં ઘંટડીનો અવાજ બધાં ને ખૂબ ગમશે.
ત્યાં જ બિટુએ કહ્યું : પપ્પા, બધા અમારા માટે ભેટ લાવશે. તો આપણે એ બધાં જાય ત્યારે એમને રીટર્ન ગિફ્ટ્સ ભેટ આપીશું કે નહીં?
પપ્પાએ કહ્યું : ચોક્કસ આપીશું. તમને બંનેને વાર્તાઓ ખૂબ ગમે છેને? આપણે નાની નાની પણ જુદી જુદી વાર્તાઓની સુંદર રંગબેરંગી ચિત્રોવાળી દરેકને આપીશું. તમે બધા વાર્તા વાંચીને એકબીજાને કહેજો. એટલે ઘણી બધી વાર્તાઓનો ખજાનો તમારી પાસે થઈ જશે.
બિટુ તો આ સાંભળીને નાચવા લાગ્યો. અચાનક જ એ નાચતાં નાચતાં અટકી ગયો. એણે પપ્પાને પૂછયું : પેલાં અનાથાશ્રમ માંથી આવેલાં બાળકો સાથે અમે કેવી રીતે વાર્તાની અદલાબદલી કરીશું?
પપ્પાએ કહ્યું : મહિનામાં એકાદ રવિવાર આપણે ત્યાં જઈશું. તમારી વાર્તાની અદલાબદલી થઈ જશે અને તમારી દોસ્તી પણ વધશે.
બંને રાજી રાજી થઈને જન્મદિવસના વિચારોમાં ખોવાઈ ગયા.
'ચાલ, રાજુ હવે તું પણ સૂઈ જા,' પપ્પાએ વાર્તા પૂરી કરીને કહ્યું.
'હા, પપ્પા! હું સૂઈ જાવું છું, પણ આપણે મારો જન્મદિવસ પણ આવી રીતે જ ઉજવીશું,' પપ્પાએ પ્રેમથી હા પાડી ને રાજુને ફરી વ્હાલ કરી લીધું.