Get The App

બિલ્લીબેન તો ભૂખ્યાં રહ્યાં ! .

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
બિલ્લીબેન તો ભૂખ્યાં રહ્યાં !                               . 1 - image

- કિરીટ ગોસ્વામી

એક દિવસ બિલ્લીને એક ઘીવાળી રોટલી મળી.

એ તો ખૂબ રાજી થઇ ગઇ!

એણે મનોમન વિચાર્યું- 'ચાલો,આ રોટલી હું ગામની બહાર જઈને કોઇ ન દેખે તેમ ખાઉં!

ઘીવાળી રોટલી, ગરમાગરમ રોટલી!

દૂર ભાગી જાઉં, એકલી-એકલી ખાઉં!'

રોટલી મોંમાં લઈને ચૂપચાપ બિલ્લી તો ગામની બહાર આવી ગઇ.

રોટલી નીચે મૂકીને બિલ્લી તો ખૂબ હરખાવા લાગી- 'વાહ! આજે તો ઘીવાળી રોટલી ખાવાની ખૂબ મજા પડશે! ઘણા દિવસે આવી મજાની રોટલી મળી છે!'

એવામાં ત્યાંથી એક દૂધવાળો નીકળ્યો.

દૂધનું વાસણ મૂકીને દૂધવાળો પાણી પીવા ગયો.

દૂધ ભરેલું વાસણ જોઇને બિલ્લીનાં મોંમાં તો પાણી આવ્યું. એકલી રોટલી ખાવા કરતાં આ દૂધને રોટલી ખાધી હોય તો કેવી મજા પડે!

'રોટલી સાથે દૂધ મળે...

તો-તો કેવી મજા પડે!

આજ ભાવતું ભોજન મળે...

તો-તો કેવી મજા પડે!'

રેઢું પડેલું દૂધનું વાસણ જોઇ તકનો લાભ લેતાં બિલ્લી તો રોટલી મૂકીને દૂધ લેવા દોડી.

હજી તે દૂધના વાસણ પાસે પહોંચી ન પહોંચી ત્યાં તો પાણી પીને દૂધવાળો પાછો આવી ગયો!

દૂધ તો મળ્યું નહીં! બિલ્લી દૂધવાળાથી ડરીને ત્યાંથી ભાગી!

પાછી જ્યાં એણે ઘીવાળી રોટલી મૂકી હતી ત્યાં એ દોડતી પહોંચી, પણ એટલી વારમાં તો એની રોટલી એક કાગડો ઉપાડી ગયો હતો!

બિલ્લી તો નિરાશ થઈ ઢફ્ દઇને બેસી પડી!

દૂધ અને રોટલી બંને ગયાં...

બિલ્લીબેન તો ભૂખ્યાં રહ્યાં!