બિલ્લીબેને ખોલી દુકાન .
- મેહુલ સુતરિયા
એક ખૂબ મોટું જંગલ હતું. જંગલમાં બધાં પશુ-પંખીઓ હળીમળીને રહેતાં હતાં.
એ જંગલમાં એક બિલ્લીબેન પણ વસતાં હતાં. બિલ્લીબેન તો ખૂબ રમતિયાળ. જંગલમાં આખો દિવસ ફરવું એ જ એમનું કામ.
બિલ્લીબેનને એક દિવસ વિચાર આવ્યો કે જંગલના બધાં પશુ-પંખીઓને કોઈ વસ્તુ ખરીદવી હોય તો બહુ દૂર શહેરમાં જવું પડે છે. જો હું જંગલમાં દુકાન ખોલું તો કોઈને દૂર સુધી જવું ન પડે.
બિલ્લીબેને તો જંગલમાં દુકાન ખોલી. બિલ્લીબેન દૂર શહેરમાંથી ઘણીબધી વસ્તુઓ લઈ આવ્યાં. જંગલના બધાં પશુ-પંખીઓ ખુશ થઈ ગયાં કે હવે બિલ્લીબેનની દુકાનમાંથી જ આપણને બધી વસ્તુઓ મળી રહેશે ને આપણે દૂર શહેરમાં જવું નહીં પડે.
બિલ્લીબેન તો રોજ સવારે વહેલા ઉઠીને દુકાન ખોલી દે અને કોઈ પશુ-પંખી તેમની દુકાન આગળથી પસાર થાય તો તરત ગાવા માંડે:
બિલ્લીબેને ખોલી દુકાન,
જંગલની તો એ છે શાન...!
બિલ્લીબેન બધી વસ્તુઓ પડતર કિંમતે જ વેચતા જેથી બધાં પશુ-પંખીઓ પણ જરૂરિયાત પ્રમાણની બધી વસ્તુઓ બિલ્લીબેનની દુકાનમાંથી જ લેવા લાગ્યાં. આમ, બિલ્લીબેનની દુકાન તો ખૂબ સરસ ચાલવા લાગી.
આ જંગલમાં એક શિયાળભાઈ પણ રહેતા હતા. બધાં પશુ-પંખીઓ બિલ્લીબેનના વખાણ કરે એ શિયાળભાઈને બિલકુલ ન ગમે. એકવાર શિયાળભાઈ બિલ્લીબેનની દુકાને ગયા. શિયાળભાઈને જોઈને બિલ્લીબેન બોલ્યા,'આવો આવો, શિયાળભાઈ! બોલો શું જોઈએ? શિયાળભાઈ બોલ્યા, 'બિલ્લીબેન, હું તો તમને એક ફાયદાની વાત કહેવા આવ્યો છું! બિલ્લીબેન બોલ્યાં, 'કયા ફાયદાની વાત?' શિયાળભાઈ બોલ્યા, 'બિલ્લીબેન, તમે દરેક વસ્તુ લગભગ પડતર કિંમતે વેચો છો તો એનાથી તમને શું ફાયદો થાય છે? તમે શહેરમાંથી વસ્તુઓ લાવીને અહીં વેચો છો તો જંગલનાં બધાં પશુ-પંખીઓને છેક શહેરનો ધક્કો બચે છે. તમે બધી વસ્તુઓમાં જોરદાર ભાવવધારો કરી દો જેથી તમને વધારે પૈસા મળે અને તમને ખૂબ ફાયદો થાય.'
બિલ્લીબેને તો વિચાર્યાં વગર શિયાળભાઈની વાત માની લીધી. બીજા જ દિવસે બિલ્લીબેને દુકાનમાં દરેક વસ્તુનો ભાવ એકદમ વધારી દીધો. શિયાળભાઈની યુક્તિ કામ કરી ગઈ. જે ગ્રાહકો બિલ્લીબેનની દુકાનમાં ખરીદી કરવા આવતા હતા તે બધા આ ભાવવધારો જોઈને ખરીદી કર્યા વગર પાછા જવા લાગ્યા. બિલ્લીબેન તો દુકાનમાં બેસીને કોઈને જુએ એટલે તરત ગાય કે-
બિલ્લીબેને ખોલી દુકાન,
જંગલની તો એ છે શાન...!
પરંતુ બિલ્લીબેનને ગાતાં સાંભળીને પણ કોઈ તેમની દુકાને આવતું નહીં. બિલ્લીબેન તો બહુ નિરાશ થઈ ગયાં.
આ જ જંગલમાં બિલ્લીબેનની એક ખાસ બહેનપણી ખિસકોલીબેન રહેતાં હતાં. તેમણે બિલ્લીબેનને નિરાશ જોઈને તેનું કારણ પૂછ્યું. બિલ્લીબેન ખિસકોલીબેનને બધી વાત કરી. આ વાત સાંભળી ખિસકોલીબેન બોલ્યાં, 'આ બધી કરામત શિયાળભાઈની છે. તેમણે તમારી દુકાન ન ચાલે તે માટે આ ઉપાય સૂચવ્યો હતો.' બિલ્લીબેનને તેમની ભૂલ સમજાઈ ગઈ. તેમણે ખિસકોલીબેનનો બહુ આભાર માન્યો અને બીજા જ દિવસે દુકાનની બહાર બોર્ડ માર્યું કે અહીં તમામ ચીજવસ્તુઓ ઓછી કિંમતે જ મળશે.
હવે બિલ્લીબેનની દુકાન પહેલાંની જેમ ચાલવા લાગી. જંગલનાં બધાં પશુ-પંખીઓ ફરી પાછાં બિલ્લીબેનની દુકાનમાંથી જ ખરીદી કરવાં લાગ્યાં.
બિલ્લીબેન તો જે ગ્રાહક આવે તેની માફી માંગે. બધાં પશુ-પંખીઓએ બિલ્લીબેનને માફ કરી દીધાં અને તેમની સાથે ગાવાં લાગ્યાં,
બિલ્લીબેને ખોલી દુકાન, અમારા જંગલની તો એ છે શાન...!
તો બાળમિત્રો, આપણે પણ કોઈપણ કામ સમજી વિચારીને જ કરવું જોઈએ. ઉતાવળમાં સમજ્યા વિના લીધેલો કોઈપણ નિર્ણય આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે.