- રોમી ખૂબ મહેનત કરે છે, પણ મારી સામે એ ટકી નહીં શકે. રોમીનો નંબર નહીં આવે તો એ નિરાશ થઈ જશે! શું કરું જ જેથી રોમીનો પ્રથમ નંબર આવે?
- ગીતા પોપટ
આનંદ વનમાં હર વર્ષે સાઇકલ-સ્પર્ધા યોજાતી. આ વર્ષે પણ રાજા શેરસિંહે સાયકલ સ્પર્ધાની તારીખ જાહેર કરી.
કાલુ કાગડો, રીમઝીમ મોર, જેરી ઉંદર, ટોમ બિલાડો, પોન્કી શિયાળ બધાં ઉત્સાહમા આવી ગયા. બધા પોતાની સાઇકલ બહાર કાઢી સાફ કરવા લાગ્યા. કોઈએ તો વળી પોતાની સાઇકલને કલર પણ કર્યો. કોઈ સાયકલ લઈને પ્રેક્ટિસ કરવા નીકળી પડયા. બધાને પ્રથમ નંબર જોઈતો હતો. બધાને રાજા શેરસિંહના હાથે મેડલ પહેરવું હતું!
જોકે અંદરથી બધા જાણતા હતા કે મોન્ટી વાંદરા સિવાય કોઈનો નંબર નહીં આવે. દર વર્ષે સાયકલ રેસમાં પ્રથમ નંબર મોન્ટી જ આવતો. કારણ? કેમ કે મોન્ટી આખું વર્ષ સાયકલ લઈને રોજ પ્રેક્ટિસ કરતો.
સવારે આનંદવનના બધાં જ પ્રાણીઓ આળસ કરીને સુતા હોય ત્યારે તે વહેલો ઉઠી, એક્સરસાઇઝ કરી, જંગલમાં પંદર કિલોમીટર સાયકલ ફેરવતો. રોજની પ્રેક્ટિસના કારણે એ ખૂબ ઝડપથી સાયકલને પેડલ મારી શકતો.
મોન્ટી વાંદરાનો એક મિત્ર હતો - રોમી સસલો. પોચો પોચો દૂધ જેવો સફેદ. તેણે નવી સાયકલ ખરીદી હતી. તે સાઇકલ ફેરવતો જાય ને બોલતો જાય:
'સાઈકલ મારી સરરર જાય
ટ્રીન ટ્રીન ઘંટડી વગાડતી જાય
સાઈકલ મારી એવી ચાલે,
સ્પર્ધામાં પ્રથમ નંબર લાવે...'
રોજ આ રીતે રોમી સાઇકલ ચલાવે અને આ ગીત ગાય. મોન્ટીએ રોમીનો ઉત્સાહ જોયો. મોન્ટીને લાગ્યું કે રોમી પણ મહેનત કરે છે, પણ મારી સામે એ ટકી નહીં શકે. રોમીનો નંબર નહીં આવે તો એ નિરાશ થઈ જશે! શું કરું જ જેથી રોમીનો પ્રથમ નંબર આવે?
મોન્ટીએ એક ઉપાય વિચારી રાખ્યો.
સ્પર્ધાના દિવસે તેણે એક પગ ઉપર સફેદ પાટો બાંધી લીધો. બધાને કહ્યું: મને પગે લાગી ગયું છે. હું સાયકલ-સ્પર્ધામાં આ વખતે ભાગ નહીં
લઈ શકું.
પછી તો શું?
સ્પર્ધા શરૂ થઈ. ગ્રાઉન્ડમાં બેઠા બેઠા મોન્ટીએ રોમીનો ઉત્સવ વધાર્યો. રોમીએ પૂરઝડપે સાઇકલ ચલાવી અને એનો પ્રથમ નંબર આવ્યો! શેરસિંહે રોમીને મેડલ પહેરાવ્યું. બધાં પ્રાણીઓએ ખૂબ તાળી પાડી. રોમી તો ખુશ ખુશ થઈ ગયો. એ ગાવા લાગ્યો-
'સાયકલ મારી સરરર જાય,
ટ્રીન ટ્રીન ઘંટી વગાડતી જાય,
સાઈકલ મારી એવી ચાલી,
સ્પર્ધામાં પ્રથમ નંબર લાવી...!'
પોતાના મિત્રને ખુશ જોઈ મોન્ટી વાંદરો પણ ખુશ ખુશ થઈ ગયો. મજા જુઓ. રોમીને હજુ સુધી ખબર પડી નહોતી કે સાયકલ-સ્પર્ધામાં એનો પહેલો નંબર કેવી રીતે આવ્યો!


