કચ્છનું લોકજીવન જ્યાં ધબકે છે તે ભૂંગા
ક ચ્છના ગામડાનાં વિશિષ્ટ રીતે બનેલા ઘર એટલે ભૂંગા. ભૂંગા ગોળાકાર હોય છે અને ભૂકંપ પ્રતિરોધક હોય છે. એટલે ભૂકંપમાં પણ એ અડીખમ ઊભા રહે છે.
ભૂંગાની દીવાલો માટી અને લીંપણથી તૈયાર થાય છે અને એની શંકુ આકારની છત ઘાસ, ઝાડની ડાળીઓ તથા પાંદડાની બનેલી હોય છે. આ ઘાસ અને પાંદડા એવી રીતે ગૂંથેલા હોય છે કે વરસાદનું પાણી તેમાંથી અંદર ન પ્રવેશે પણ હવા ગળાઈને ઠંડી બનીને આવી શકે. માટી અને ઘાસને કારણે ભૂંગામાં શિયાળામાં હૂંફ અને ઉનાળામાં ઠંડક અનુભવાય છે.
બહારથી સામાન્ય લાગતા ભૂંગા અંદરથી કલામંડિત, આકર્ષક અને એકદમ સ્વચ્છ હોય છે. અંદરની દીવાલ પર માટીકામ, વાસણ મૂકવાની છાજલી, પાણિયારા તથા ગોખલાઓનું સુશોભન આંખ ખસેડવાનું મન ન થાય તેવું હોય છે અને સૌથી ધ્યાન ખેંચે એવી તો એની રંગબેરંગી છત હોય છે.