- એક દિવસ મહેમાન આવવાના હતા. સસ્સીરાણીએ ઢોકળા લાવવાનું કહ્યું. સસ્સાજી કહે,'તું ચિંતા ના કર. મહેમાન આવે તે પહેલાં હું ઢોકળા લઈને આવી જઈશ.'
ડો. પ્રીતિબેન ત્રિભોવનદાસ કોટેચા
એક ગાઢ જંગલ હતું. તેમાં સિંહ, શિયાળ રીંછ બધાં સંપીને રહે. આ બધામાં એક ભુલક્કડ સસ્સારાણા પણ ખરા. તેને કોઈ કામ સોંપો તો બીજાં જ કામ કરીને આવે એવા ભૂલક્કડ.
એક દિવસ તેના ઘરે મહેમાન આવવાના હતા. એટલે સસ્સીરાણીએ સસ્સારાણાને ઢોકળા લાવવાનું કહ્યું, સસ્સાજી કહે, 'તું ચિંતા ના કર. મહેમાન આવે તે પહેલાં હું ઢોકળા લઈને આવી જઈશ.'
એ તો ઉપડયા ઢોકળા લેવા. ચાલતા જાય અને બોલતા જાય...
'ઢોકળા, ઢોકળા, ઢોકળા,
મારે લેવા ઢોકળા.
એક, બે, ત્રણ, ચાર,
પૂરા કિલો પાંચ.'
આગળ ચાલતા હતા ત્યાં જ શિયાળભાઈ સામે મળ્યા. બંને વાતોએ વળગ્યા. શિયાળ કહે, 'ક્યાં ચાલ્યા, સસ્સારાણા?'
સસ્સારાણા કહે, 'મહેમાન આવવાના છે એટલે ઢોકળા લેવા જાઉં છું.'
શિયાળ કહે, 'જોને, મારા પાડોશમાં લગ્ન ગોઠવાયાં છે. જાનૈયાઓ માટે ગોદડાની જરૂર છે એટલે હું ગોદડા લેવા જાઉં છું.'
બંને વાતો કરીને છુટા પડયા. પણ સસ્સારાણા 'ઢોકળા' શબ્દ ભૂલી ગયા! એ તો હાલતા જાય ને બોલતા જાય....
'ગોદડા, ગોદડા, ગોદડા,
મારે લેવા ગોદડા,
એક, બે, ત્રણ, ચાર,
પુરા કિલો પાંચ.'
ત્યાં એને સિંહભાઈ મળ્યા. સિંહ કહે, 'એ સસ્સારાણા, ક્યાં જાવ છો?' સસ્સારાણા કહે, 'મહેમાન આવવાના છે, તેથી ગોદડા લેવા જાઉં છું.'
સિંહ ભાઈ કહે, 'હું નવા ઘરે શિફ્ટ થઈ રહ્યો છું એટલે હું તો કોથળા લેવા જાઉં છું.'
બંને વાતો કરી છુટા પડયા. હવે સસ્સારાણા 'ગોદડા' શબ્દ ભૂલી ગયા! એ તો આગળ ચાલતા જાય અને બોલતા જાય...
'કોથળા, કોથળા, કોથળા,
મારે લેવા કોથળા,
એક, બે, ત્રણ, ચાર,
પુરા કિલો પાંચ.'
ત્યાં જ આગળ જતાં સસ્સારાણાએ કોથળા વેચનારની દુકાન જોઈ. ભાવ પૂછ્યો. પાંચ કિલો કોથળા લીધા. પછી સસ્સારાણા તો કોથળાં માથે ઊંચકીને ચાલ્યા ઘર તરફ. મનમાં બોલતા જાય: મહેમાન આવવાના છે, તો સસ્સીરાણીએ કોથળા શું કામ મંગાવ્યા હશે? સારું, કંઈક કામ હશે!
સસ્સારાણા તો ઘરે પહોંચ્યા. સસ્સીરાણી કોથળા જોઈને સમજી ગયા કે લો, ભૂલક્કડ સસ્સાજીએ પાછી ગરબડ કરી! કોથળાનું મારે શું કરવું? કોથળા તો મેં પહેલેથી જ ઢોકળા મગાવી લીધા હતા. સસ્સીરાણી પછી ખુદ બજારમાં જઈને ઢોકળા ખરીદી લાવ્યાં.
મહેમાન આવ્યા. બધા જમવા બેઠા. સસ્સીરાણીએ થાળીમાં ઢોકળા પીરસ્યા. ઢોકળા જોઈને સસ્સાજીને એકદમ યાદ આવ્યું: ઓત્તારી! સસ્સીરાણીએ તો મનેે તો ઢોકળા લેવા મોકલ્યો હતો. સસ્સારાણાથી જોરથી બોલાઈ ગયું: 'ઢોકળા! મારે તો ઢોકળા લાવવાના હતાને!'
તરત સસ્સીરાણી બોલી ઉઠયાં, 'પણ તમે લાવ્યા કોથળા!'
સસ્સાજીને ખૂબ સંકોચ થયો. તેઓ નીચું જોઈ ગયા. સસ્સીરાણીની વાત સાંભળીને બધા ખૂબ હસ્યા.


