Get The App

ભૂલકણો ભોલુ .

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
ભૂલકણો ભોલુ                                              . 1 - image

- અચાનક સોનુ શિયાળ તણાવા લાગ્યો. કોઈ સોનુને બચાવી શકે તેમ નહોતું, એક માત્ર ભોલુ હાથી સિવાય.  ભોલુએ પોતાની સૂંઢની મદદથી સોનુને પાણીમાંથી બહાર ખેંચી લીધો અને પોતાની પીઠ ઉપર બેસાડી દીધો.

કિરણબેન પુરોહિત

સુંદરવન જંગલમાં બધાં પ્રાણીઓ હળીમળીને રહેતાં હતાં. બધા હંમેશા એકબીજાને મદદરૂપ થતાં,  એકબીજાની મજાકમસ્તી પણ કરતા.

આ જંગલમાં ભોલુ નામનો હાથી રહેતો હતો. ભોલુ તેના નામ પ્રમાણે ખૂબ જ ભોળો અને ભલો હતો, પણ તેની એક મોટી તકલીફ એ હતી કે તે બહુ ભૂલક્કડ હતો. દરેક વાત ને તે જલ્દીથી ભૂલી જતો.

એક સવારે ભોલુહાથીએ વિચાર્યું, આજે નદીએ સ્નાન કરી આવું.

આમ વિચારીને હાથીભાઈ તો નદીએ ન્હાવા જવા લાગ્યા.

રસ્તામાં મોનુ વાંદરો મળ્યો. મોનુ બોલ્યો, 'ભોલુભાઈ ક્યાં જાવ છો?'

ભોલુએ થોડીવાર વિચારીને જવાબ આપ્યો, 'અરે! એ તો હું ભૂલી જ ગયો, કંઈ યાદ આવતું નથી કે હું ક્યાં જઈ રહ્યો છું?'

મોનુ તેની મજાક ઉડાડવા લાગ્યો અને જોરજોરથી હસવા લાગ્યો. ભોલને ખૂબ દુ-ખ થયું. તે ત્યાં ઉભો રહી ગયો અને મોનુ વાંદરાને કહેવા લાગ્યો, 'મારી ભૂલી જવાની નબળાઈ છે. મોનુ, કોઈની નબળાઈ ની મજાક ના ઉડાડાય.'

મોનુએ ભોલુની માફી માંગતા કહ્યું, 'ભોલુ, તને દુ-ખ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો. હું તો મસ્તી કરતો હતો અને તારે ક્યાં જવું છે તે યાદ કરાવતો હતો.'

ભોલુ કહે, 'તારી વાત સાચી, પણ હું ભૂલી ગયો.'

મોનુ કહે, 'આ બાજુ નદી છે એટલે કદાચ તું પાણી પીવા જતો હોઈશ.'

ભોલુને તરત જ યાદ આવી ગયું કે તે નદીએ ન્હાવા જઈ રહ્યો હતો. મોનુ પણ તેની સાથે નદીએ જવા લાગ્યો. મોનુ વાંદરો નદી કિનારે જમરૂખનું ઝાડ હતું તેના પર ચડી ગયો અને જમરૂખ ખાવા લાગ્યો.

ભોલુ નદી પાસે આવીને પાણી પીવા લાગ્યો. તે ફરી ભૂલી ગયો કે તે ન્હાવા આવ્યો છે.

ભોલુને ચિંકી ચકલી મળી. તે બોલી, 'ભોલુ, તું પાણી પીવે છે તો ભેગાભેગો નદીમાં નાહી પણ લેજે.'

ભોલુને તરત જ યાદ આવી ગયું કે એ તો અહીં ન્હાવા આવ્યો છે. તેણે ચિંકીનો આભાર માન્યો. 

 આમ, જંગલમાં બધાં પ્રાણીઓ અને પક્ષીઓ ભોલુની મદદ કરતા. તે જે ભૂલી જતો તે વાત વારંવાર યાદ કરાવતાં. ભોલુ પણ બધાને ઊંચાં ઝાડ પરથી ફળો તોડી આપતો. તેથી બધાં ખૂબ ખુશ થતાં. 

જંગલમાં બધાએ ભોલુની ભૂલવાની નાબળાઈને સ્વીકારીને તેણે મદદ કરતા તે સોનુ શિયાળને ના ગમતું સોનુ ખૂબ લુચ્ચો અને હોશિયાર હતો. તે ભોલુને વાત વાતમાં મજાક કરીને ઉતારી પાડતો અને હેરાન કરતો. 

એક દિવસ બધાં વડના ઝાડ નીચે બેઠા બેઠા વાતો કતાં હતાં. મોનુ વાંદરો બોલ્યો, 'કાલે આપણે બધા નદીએ નહાવા જઈએ, ત્યાં જમીને આપણે રમતો રમીશું. પિકનીકમાં ગયાં હોઈએ તેવું લાગશે.'

બધાએ મોનુની વાતમાં સંમતિ આપી દીધી. સોનું શિયાળે ભોલુની મશ્કરી કરતા કહ્યું, 'કાલે નદીએ જવાનુ છે, તે આપણે બધાને તો યાદ રહેશે પણ ભોલુને કેવી રીતે યાદ રહેશે? તેનું ભારે શરીર છે તે પ્રમાણે મગજ કામ નથી કરતું.' આમ કહીને તે જોરજોરથી હસવા લાગ્યો.

 ભોલુને ખૂબ દુ-ખ થયું. તે ચૂપ થઈ ગયો. આ જોઈને મોનુ વાંદરો સોનુ શિયાળ પર ખિજાઈ ગયો. તેણે કહ્યું, 'સોનુ, કોઈની નબળાઈ પર આટલી બધી મજાક ના ઉડાડાય કે તેને દુ-ખ થાય. ભગવાને દરેકને કોઈને કોઈ આવડત આપી હોય છે. ભોલુ આપણા બધાં કરતાં વધારે શક્તિશાળી છે.'

 બીજે દિવસે બધાં નદીએ નાસ્તો લઈને પિકનિક માટે ગયાં. બપોર સુધી અવનવી રમતો રમ્યા. ત્યારબાદ બધાં નદીમાં ન્હાવા લાગ્યાં. ચકીબેન, ખિસખોલી, કોયલ, કાગડા ભાઇ નાનાં નાનાં પક્ષીઓ નદીકિનારે ઓછા પાણીમાં ન્હાવાનો આનંદ લેવા લાગ્યા. 

સોનુ શિયાય ખૂબ અભિમાની હતો. તે તો નદીના ઊંડા પાણીમાં ન્હાવા માટે જવા લાગ્યો. અચાનક સોનુ શિયાળ તણાવા લાગ્યો. કોઈ સોનુને બચાવી શકે તેમ નહોતું, એક માત્ર ભોલુ હાથી સિવાય.  ભોલુએ પોતાની સૂંઢની મદદથી સોનુને પાણીમાંથી બહાર ખેંચી લીધો અને પોતાની પીઠ ઉપર બેસાડી દીધો. તેને કિનારા સુધી સહીસલામત પહોંચાડી દીધો. સોનુનો જીવ બચી ગયો. તેણે ભોલુનો આભાર માન્યો. પોતે ભોલુની મજાક ઉડાડી હતી એ બદલ તેને ખૂબ પસ્તાવો થતો હતો. 

બધા પ્રાણીઓ અને પક્ષીઓએ તાળી પાડી ને ભોલુનું સન્માન કર્યું.

  મોનુ વાંદરાએ કહ્યું, 'મિત્રો, ક્યારેય કોઈની નબળાઈ પર મજાક ના ઉડાડવી. ભગવાને બધાને કંઈક અનોખી શક્તિ અને આવડત આપી જ હોય છે. આપણે કોઈ સોનુને ન બચાવી શક્યાં, પણ ભોલુએ સોનુને બચાવી લીધો. આજથી આપણે બધા ભોલુની ભૂલવાની આદત ઓછી થાય તેવા પ્રયત્નો કરશું અને તેને સહકાર આપીશું.'

 બધાએ ફરીથી તાળી ઓ પાડી અને મોનુની વાતને વધાવી લીધી.