- નટખટિયાએ કીધું કે તમારું વજન વધારે છે, તમે કૂદકો ન મારી શકો, તમારાં પગ કૂદવા માટે નથી. નટખટિયાએ એ બીક પણ દેખાડી કે જો તમે પડી જાવ તો, તમારાં વજનને કારણે બહુ વાગે, પીડા થાય
- હેમંત વાળા
ખરેખર, ભોંદુભાઈ એટલે ભોંદુભાઈ. કોઈનું ય ન સાંભળે. એકવાર તેમનાં મનમાં આવ્યું એટલે એમ કરીને જ છૂટે. વાત એમ છે કે બે મિત્રો હતાં. એક મિત્ર 'ભોંદુભાઈ', હાથી દાદાનું બચ્ચું મદનીયું અને બીજો મિત્ર એટલે એક વિશાળ વડ પર રહેતાં વાંદરાનું બચ્ચું 'નટખટિયું'. નટખટીયું વડ પર ઉપર કૂદાકૂદ કરે, એક ડાળીથી બીજી ડાળી એ કૂદકા મારે, વડવાઈ પકડીને હીંચકા ઝૂલે અને વડના ટેટા પણ ખાય. ભોંદુભાઈ આ બધું જોયા કરે. નટખટિયું સાથે સાથે ભોંદુભાઈ જોડે વાતો પણ કરે, અંતાક્ષરી પણ રમે અને વડનાં ટેટા ભોંદુભાઈને ખાવાં પણ આપે. આજે ભોંદુભાઈને જાતે વડ ઉપર ચડવાની અને કૂદાકૂદ કરવાની ઈચ્છા થઈ. ભોંદુભાઈ એ માટે જીદ પકડી. આપણને તો ખબર છે કે ભોંદુભાઈ એટલે ભોંદુભાઈ.
નટખટિયાએ ભોંદુભાઈને સમજાવ્યું કે તમે ધરતી પર ધમધમ ચાલવા માટે છો, તમારે ઝાડ પર ચડવાની અને કૂદાકૂદ કરવાની વાત ન કરાય. નટખટિયાએ કીધું કે તમારું વજન વધારે છે, તમે કૂદકો ન મારી શકો, તમારાં પગ કૂદવા માટે નથી. નટખટિયાએ એ બીક પણ દેખાડી કે જો તમે પડી જાવ તો, તમારાં વજનને કારણે બહુ વાગે, પીડા થાય. ભોંદુભાઈના વખાણ કરતાં તેણે કીધું કે તમે ધરતી પર બહુ સરસ ડોલતાં ડોલતાં ચાલો છો, તે બહુ સરસ લાગે છે. પણ ભોંદુભાઈ એટલે ભોંદુભાઈ. આખરે નટખટિયાએ ભોંદુભાઈને વડના ઝાડ પર ચઢાવવાનું માન્ય રાખ્યું.
હવે ભોંદુભાઈથી કૂદકો ન મરાય. તે કૂદકો મારવાં ગયાં પણ તેમાં સફળતા ન મળ્યું. પછી નટખટિયાએ સૂંઢથી ડાળી પકડી ઉપર ચડવા માટે જોર અજમાવવા કીધું. નીચેની ડાળી એટલી મજબૂત ન હોય અને જેવું ભોંદુભાઈએ જોર લગાવ્યું તેવી જ તે ડાળી તૂટી ગઈ. પછી ભોંદુભાઈએ વડવાઈને પકડીને ઉપર ચડવાનો પ્રયત્ન શરૃ કર્યો. વડવાઈ એટલી મજબૂત ન હોવાથી તેમાં પણ સફળતા ન મળી. વડવાઈથી ચડતાં ચડતાં તો ભોંદુભાઈ ગબડી પડયાં. સૂંઢ પર થોડું છોલાયું પણ ખરું. પણ ભોંદુભાઈએ તો નક્કી કરેલું એ વડના ઝાડ પર ચડવું તો છે જ.
મિત્ર હોવાને કારણે પછી નટખટિયાએ પોતાનાં બીજા કપિ-મિત્રોને બોલાવ્યાં. આઠ-દસ તેની જેવાં વાંદરાના બચ્ચા ભેગાં થઈ ગયાં. બધાએ ભેગાં થઈને ભોંદુભાઈને ઉપર ચઢાવવા ઉપર ધક્કો માર્યો. પરંતુ ભોંદુભાઈનું વજન એટલું બધું હતું કે બધાં જ અંતે થાકીને બેસી ગયાં. ભોંદુભાઈને હવે લાગ્યું કે ઝાડ પર નહીં ચડી શકાય. તેમની નિરાશા દૂર કરવા નટખટિયાએ થોડાંક વડના ટેટા પણ ખાવા આપ્યા. પણ ભોંદુભાઈની નિરાશા દૂર ન થઈ. આ બધો તમાશો નજીકમાં બેઠેલી એક ગાય જોતી હતી.
ભોંદુભાઈને નિરાશ જોઈ ગાયે તેને પોતાની પાસે બોલાવ્યો અને તેને કીધું કે 'હું પણ ઝાડ પર ન ચડી શકું. હું તો બધાંને દૂધ આપું. મારું કામ દૂધ આપવાનું છે, ઝાડ પર ચઢવાનું નથી.' ગાયે આગળ કીધું કે, 'નટખટિયું એ વાંદરાનું બચ્ચું છે તેથી તેનો સંબંધ ઝાડ સાથે છે. તેવી જ રીતે તારો સંબંધ ધરતી સાથે છે'. ગાયે એ સમજાવ્યું કે તું જેટલી લીલોતરી ખાઈ શકે એટલી હું ન ખાઈ શકું. દરેક પ્રાણી અલગ હોય. દરેક પ્રાણી ભિન્ન હોય, અને આ ભિન્નતાના આધારે જ વ્યવહાર કરવો જોઈએ. હાથીએ વાંદરો બનવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને વાંદરાએ હાથી બનવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
ગાયની આ વાત ભોંદુભાઈની સમજમાં આવી ગઈ. મિત્રો તમે પણ આ વાત સમજજો. એ પણ સમજવાની જરૃર છે કે જેમ દરેક પ્રાણી અલગ હોય તેમ દરેક મિત્ર પણ અલગ હોય.


