- તે રાત્રે ભોલુને સપનું આવ્યું કે તે રોકેટમાં બેસીને બધા તારાઓને જોવા ગયો છે. તેણે ખરતા તારા પાસે એક માગણી કરી કે મારાંં બધાં સપનાં પૂરાં થાય. સવારે ઉઠીને તેણે દાદાજીને પોતાનાં સપનાની વાત કરી.
- કરણબેન પુરોહિત 'કૃતિ'
ભોલુને સપનાં જોવાની ટેવ હતી. તે રાત્રે તો સપનાં જોતો જ, પણ ક્યારેક દિવસે પણ સપનાં જોવા લાગતો. ભોલુને તેના દાદાજી અવનવી વાર્તાઓ કહેતા - જાદુઈ નગરીની, પરીની, રાજાની અને જાદુઈ ચિરાગની. ભોલુને આ બધી વાર્તાઓ બહુ જ ગમતી.
એક દિવસ રાત્રે ઘરની બહાર ખાટલો પાથરી ભોલુ અને તેના દાદાજી સૂતા હતા. ભોલુ આકાશના તારાઓ વિશે દાદાજીને પૂછવા લાગ્યો. ભોલુએ દાદાને કહ્યું, 'મારે એક દિવસ આ તારા પાસે જવું છે.' દાદાએ કહ્યું, 'બેટા, ત્યાં જવું અઘરું છે.' દાદાજીએ ખરતા તારા વિશે કહ્યું, 'તેની પાસે આંખ બંધ કરીને આપણી જે ઈચ્છા હોય તે માંગીએ તો આપણને મળી જાય છે, તેવું કહેવાય છે.'
ભોલુએ પૂછયું, 'દાદાજી, હું રોકેટમાં બેસીને તારા સુધી ના જઈ શકું?'
દાદાજીએ કહ્યું, 'બેટા, ત્યાં જવું ખૂબ અઘરું છે.'
તે રાત્રે ભોલુને સપનું આવ્યું કે તે રોકેટમાં બેસીને બધા તારાઓને જોવા ગયો છે. તેણે ખરતા તારા પાસે એક માગણી કરી કે મારાંં બધાં સપનાં પૂરાં થાય. સવારે ઉઠીને તેણે દાદાજીને પોતાનાં સપનાની વાત કરી.
ભોલુના પપ્પા એક કારખાનામાં મજૂર હતા. તેની મમ્મી બંગલામાં કામ કરવા જતી. આમ ભોલુનો પરિવાર ગરીબ હતો. એક દિવસ ભોલુ તેની મમ્મી સાથે એક શેઠાણીના બંગલામાં આવ્યો. આજે તેમના છોકરા પિન્ટુનો જન્મદિવસ હતો. ભોલુની મમ્મી ત્યાં કામ કરતી હતી એટલે તેને પણ જન્મદિવસમાં આવવા કહ્યું હતું. શેઠાણીના છોકરાએ નવાં કપડાં પહેર્યાં હતાં. બધા તેના માટે ઘણી ભેટ લઈને આવતા હતા. મોટી કેક, અવનવી ચોકલેટો અને આઈસ્ક્રીમ જોઈને ભોલુને થયું કે, 'મારો જન્મદિવસ તો ક્યારેય ઉજવ્યો નથી. મારો જન્મદિવસ પણ ઉજવાય તો કેવી મજા આવે!'
તે રાત્રે ભોલુ સપનાં જોવા લાગ્યો. તે કોઈ જાદુઈ નગરીમાં પહોંચી ગયો હતો. મોટા મહેલ જેવું તેનું ઘર હતું. મહેલની બાજુમાં મોટો બગીચો હતો. ત્યાં બધા તેના જન્મદિવસની તૈયારી કરતા હતા. તેના માટે મમ્મી-પપ્પા ઘણાં બધાં નવાં કપડાં અને કેક લઈ આવ્યાં હતાં. બગીચામાં ચારેબાજુ અવનવી ચોકલેટનાં ઝાડવાં હતાં. જુદા જુદા રંગના આઈસ્ક્રીમના પર્વતો હતા. તેના માટે બધા મહેમાનો સરસ ભેટ લઈ આવ્યા હતા.
સવાર પડતાં જ મમ્મીએ ભોલુને ઉઠાડી દીધો. ભોલુનું સપનું અધૂરું રહી ગયું. ભોલુએ મમ્મી પાસે જીદ કરી, 'મારે પણ જન્મદિવસ ઉજવવો છે.'
થોડા દિવસ પછી ભોલુનો જન્મદિવસ આવ્યો. બંગલાવાળા પાસેથી પગારના પૈસા વહેલા માંગીને ભોલુની મમ્મીએ જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું. ભોલુ માટે નવાં કપડાં અને ચોકલેટ લીધી. ભોલુને તો કેક ખાવી હતી. તેની મમ્મીએ તેને સમજાવ્યું કે, 'આપણે આટલી મોંઘી કેક ના લાવી શકીએ.'
ભોલુની મમ્મી તેને સમજાવતી હતી ત્યાં જ શેઠાણી પિન્ટુ અને તેના મિત્રોને લઈને આવ્યા. તેઓ ભોલુ માટે મોટી કેક, નવાં કપડાં, જાતજાતની ચોકલેટ, આઈસ્ક્રીમ અને બધા માટે નાસ્તો લઈને આવ્યા હતા. પિન્ટુ અને તેના મિત્રો ભોલુ માટે ઘણી ભેટ લાવ્યા. ભોલુ ખૂબ ખુશ થયો. ભોલુ દોડીને દાદાજી પાસે ગયો અને બધી ભેટ બતાવી. તેણે દાદાને પગે લાગીને કહ્યું, 'ખરતા તારાએ મારી ઈચ્છા પૂરી કરી. જન્મદિવસ ઉજવવાનું મારું સપનું આજે સાચું પડયું!'


