માધવી અશરા
- પરીએ કહ્યું,
'તારો ખૂબ ખૂબ આભાર,
કુકુ કોયલ. હું ઘણાં વર્ષોથી
આ વૃક્ષના ફળમાં કેદ હતી.
આ વૃક્ષનાં નકલી ફળોમાંથી
તે સાચું ફળ પસંદ કરીને મને
મુક્ત કરી. એ માટે તારો
ખૂબ આભાર. બોલ,
હું તને શું આપું?'
- એક હતી ચકી.
તેને બધા પ્રેમથી ભોળુડી ચકીરાણી કહે.
ભોળુડી એટલા માટે કે તેને કશાની ગતાગમ ન પડે. બીજા કહે તેમ કરે રાખે. તેને દુનિયાદારીની કશી ખબર ન પડે. કોણ ક્યારે તેને છેતરી જાય તેની પોતાને પણ ખબર ન રહે.
એટલે જ બીજા પક્ષીઓ બિચારી ભોળુડી ચકીરાણીનો ફાયદો ઉઠાવે. તેની પાસે કામ કરાવે, પાણી ભરાવે, સાફ સફાઈ કરાવે... પણ ભોળુડી ચકીરાણી તો પોતાની મસ્તીમાં કામ કરે રાખે. કોઈને ના પણ ન કહે. હોંશેહોંશે બધું કરે.
હવે આ જ ભોળુડી ચકીરાણીની એક ખાસ બહેનપણી. તેનું નામ કુકુ કોયલ. કુકુ કોયલ આમ તો બહુ ડાહી, સમજુ, અને બુદ્ધિશાળી. તે વાતેવાતે ભોળુડી ચકીરાણીને ચેતવે. મુશ્કેલીમાં તેનો સાથ આપે. નાનકડી ચકીરાણીનું હંમેશા ધ્યાન રાખે.
કુકુ કોયલ અને ભોળુડી ચકીરાણીની મિત્રતા પેલા કલ્લુ કાગડાને ન ગમે. કામેકાજે ચકી હોશિયાર તો મીઠા ટહુકામાં કુકુ કોયલ. આથી લોકો પણ ચકીરાણી અને કોયલને જ દાણા નાખે. લોકો તેને પોતાના ઘરમાં માળો બાંધવા માટેની સગવડ પણ કરી દે, જ્યારે કાગડો કા...કા... કરતો આખું વાતાવરણ ગજવી મૂકે. કલ્લુ કાગડાને મનમાં તો ઘણો વેર. બંને બહેનપણીઓને હેરાન-પરેશાન કરવાનો કોઈ મોક્કો ન મૂકે.
એક દિવસની વાત છે. કલ્લુ કાગડાએ નક્કી કર્યું કે મારે એવી યોજના બનાવવી જોઈએ જેથી ચકીરાણી અને કુકુ કોયલ જુદા પડી જાય. જો બંને સાથે હશે તો તેઓ એકબીજાની મદદે આવશે. આથી પહેલાં તો કલ્લુ કાગડાએ નદીને પેલે પર જઈ બધી તપાસ કરી લીધી. ત્યાં તેને એક વિચિત્ર વૃક્ષ દેખાયું. અહી આ વૃક્ષ નીચે એવું માનવામાં આવતું હતું કે જે કોઈ વૃક્ષ નીચે જઈ તેનું ફળ તોડે એટલે તે મરણ પથારીએ પડે. તરત જ કલ્લુ કાગડાના મગજમાં યોજના ઘડાઈ ગઈ.
ભોળુડી ચકીરાણી દાણા ચણી રહી હતી. બરાબર તે સમયે કલ્લુ કાગડો આવ્યો અને કાલુડો થઈને મીઠી મીઠી વાતો કરતા કહે, 'ચકીરાણી... ચકીરાણી... તમને ખબર છે કે નદીને પેલે પાર એક સુંદર મજાનું સોનાનું વૃક્ષ ઉગ્યું છે? તેના પર આવતાં ફળ એકદમ સોના જેવા છે.'
ભોળુડી ચકીરાણી કહે, 'શું સાચે જ?'
કલ્લુ કાગડો કહે, 'હા સાચે જ, અને તમને તો ખબર છે કે તમારી બહેનપણી કુકુ કોયલને સોનું બહુ ગમે છે. તમે જલદીથી જઈને સોનું લઈ આવો. પછી તેમાંથી કુકુ કોયલ માટે સોનાનો હાર બનાવી ભેટ આપજો.'
બિચારી ભોળુડી ચકીરાણી તો કલ્લુ કાગડાની મીઠી વાણીમાં ફસાઈ ગઈ. તેણે કહ્યું, 'સારું. હું કુકુ કોયલને કહી નદીને પેલે પાર જાઉં.'
કલ્લુ કાગડો કહે, 'અરે, તેમાં કહેવાની શી જરૂર છે? તું એકલી ત્યાં જા અને સોનું લઈને આવ ત્યારે કહેજે.'
ભોળુડી ચકીરાણી તો કલ્લુ કાગડાની વાતમાં ભોળવાઈ ગઈ. એ તો ફટાફટ ઊડીને નદીને પેલે પાર પહોંચી ગઈ.
આ બાજુ કલ્લુ કાગડો અને ભોળુડી ચકીરાણીની વાત પીન્ટુ પોપટ સાંભળી રહ્યો હતો. તેણે તરત જ બધી વાત કુકુ કોયલને કહી. કુકુ કોયલને તો ચકીરાણીની ચિંતા થતી હતી. એટલે એ પણ ફટાફટ નદીને પેલે પાર જવા નીકળી પડી.
ચકીરાણી આમતેમ નજર કરે. સોનાનું વૃક્ષ ક્યાય દેખાય નહીં. ઘણી મહેનત પછી તેને એક વિશાળ વૃક્ષ દેખાયું. વૃક્ષ ખૂબ જ સુંદર હતું. એકદમ સોનાની જેમ ચમકી રહ્યું હતું. તેનાં ફળ પણ દૂર દૂર સુધી પ્રકાશ ફેલાવી રહ્યાં હતાં. ચકીરાણી તેની પાસે ગઈ. જેવો તેણે ફળ તોડવાનો પ્રયત્ન કર્યો તેવી જ તે જમીન પર ઢળી પડી.
બીજા વૃક્ષ પર બેઠેલો કલ્લુ કાગડો રાજી થયો. કા..કા... કરતો ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય પછી કુકુ કોયલ ત્યાં આવી પહોંચી. તેણે ચકીરાણીને જમીન પર પડેલી જોઈ. વૃક્ષ પણ જોયું. વૃક્ષની સુંદરતા જોઈ ઘડીક તો તે પણ ચોકી ગઈ. તે મનમાં જ બોલી, 'જો આ વૃક્ષના ફળને અડવાથી જ ચકીરાણીની આવી દશા થઈ છે તો મારે પહેલા સાવધાનીથી તેની તપાસ કરવી જોઈએ.'
કુકુ કોયલે આમતેમ આટા માર્યા. અચાનક તેનું ધ્યાન એક ફળ પર પડયું. તે બીજા ફળ કરતાં અલગ હતું. તેમાં ચમક ન હતી. સામાન્ય ફળ જેવું જ એ દેખાઈ રહ્યું હતું. કુકુ કોયલે તે ફળ તોડયું પણ તેને કશું ન થયું.
...અચાનક ફળમાંથી એક પરી બહાર આવી!
પરીએ કહ્યું, 'તારો ખૂબ ખૂબ આભાર, કુકુ કોયલ. હું ઘણાં વર્ષોથી આ વૃક્ષના ફળમાં કેદ હતી. આ વૃક્ષનાં નકલી ફળોમાંથી તે સાચું ફળ પસંદ કરીને મને મુક્ત કરી. એ માટે તારો ખૂબ આભાર. બોલ, હું તને શું આપું?'
કુકુ કોયલ કહે, 'મારી પ્રિય બહેનપણી ભોળુડી ચકીરાણીને જીવિત કરી દો.'
પરી કહે, 'સારું.'
તરત જ પરીએ પોતાની છડી વડે ચકીરાણીને જીવિત કરી. ચીં...ચીં... કરતી ચકીરાણી ઊડવા લાગી. બંને બહેનપણીઓ એકબીજાને મળીને ખુશ થઈ. પછી તો કલ્લુ કાગડો બળી-બળીને ખાક થઈ ગયો. હ


