Get The App

ભાઈની બેની લાડકી .

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
ભાઈની બેની લાડકી                         . 1 - image


- બટાકાભાઈએ બધી શાકભાજીને ક્હ્યું, 'મારી લાડકવાઈ  બહેનો ! આજથી હું તમારો ભાઈ... તમને ક્યારેય એકલાં નહીં પાડવા દઉં. તમે એકલાં પડશો  એવું તરત હું હાજર થઈ જઈશ. મારા વગર તમે ફિક્કા નહીં પડો...'

- ડો. પારુલ અમિત 'પંખુડી' 

એક હતી વાડી. વાડીમાં જાતજાતનાં શાકભાજી. 

બધાં શાકભાજી લીલાછમ.

બપોરે વરસાદનું  એક ઝાપટું પડયું અને  દૂધીબેનની વેલ તો ડરી ગઈ. 

એને ડરેલી જોઈને  ગવાર, ચોળી, ડુંગળી પણ ડરવા લાગ્યાં. 

ફુલાવર બોલ્યું, 'અરેરે.... ધ્યાન રાખો, જુઓ મને ધક્કો લાગ્યો, હું  હમણાં પડી જાત...'

ફુલાવર  જેવું ડગમગ્યું કે એના પર બેસેલી  ઈયળો બીજાં શાકભાજી પર  પડવા લાગી. 

ઝીણકા ટામેટાએ લીલી ઇયળ ને ધારીને જોઈને ક્હ્યું, 'જોતી નથી? હું કેટલું નાનું છું. મારા પર બેસીશ  નહીં.' 

છતાં ઈયળબેન તો સરકતી સરકતી  ચાલી...

ટામેટુ  તો  જોરજોરથી રડવા લાગ્યું. 

ડુંગળીબેન  એને ચૂપ કરવા આવ્યાં પણ ત્યાં જ વીજળીનો ચમકારો થયો. 

...ને પડયાં સીધા પાણીમાં!

આ જોઈ  જમીનમાં રહેલાં બીજા કીટકો  પણ બહાર આવ્યા અને જોર જોરથી  હસવા લાગ્યાં. 

બગલો, કાબર ને ચકલી પણ એમનો મજાક ઉડાવી રહ્યાં હતાં. 

ચોળીબેન  બોલ્યાં, 'અમારા પરિવારમાં અમે બધી બહેનો છીએ એટલે તમે આવું કરી રહ્યાં છોને?'

ગવારની  સિંગ બોલી, 'એ બતકડા...એ ચીચી ચકલી...  

હવે અમારી જોડે  રમવા આવતાં નહીં!'

ચાર ફૂટની ચકલી હવે આવતી નહીં 

બટકું ભરે મને એ ઈયળ ખાતી નહીં.' 

ડુંગળીબેન તો મસમોટા પથ્થર પર ચડીને બોલ્યાં, 'પગ થર થર કાપે છે, આ  જીવડાઓ... આ કીટકો અમને બગાડી મુકશે.

કીડાઓની આખી આખી ટોળી 

અમારી પાછળ દોડી ..

 રહો દૂર અમારાથી , 

અમારી વાડી અમને ખૂબ ગમતી...

અમારી રક્ષા કરો.. કોઈક તો આવો...'

એટલામાં  કીડીબેન બોલ્યાં, 'બહેનની રક્ષા ભાઈ કરે...

બોલાવો તમારા ભાઈને...

બોલાવી જુઓ...

જે કરે રક્ષા ભોળી ભોળી બહેનની

હસતાં રાખે રમતાં રાખે ઢાલ બને બહેનની...'

બધી  લીલીછમ શાકભાજી તો મુરઝાઈ  ગઈ. દૂર ઊગેલા બટાકાભાઈ આખી ઘટના જોઈ રહ્યા હતા. 

એ તો રગડતા રગડતા આવી ગયા વાડીમાં.

...અને દૂધબેનની વેલ ઉપરથી કૂદકો મારીને ડુંગળીબેનને  ઉપર લઈ લીધાં. બધા  ઈયળ ને  કીટકો તો સંતાઈ ને ભાગવા લાગ્યાં. 

બટાકાભાઈએ બધી શાકભાજીને ક્હ્યું, 'મારી લાડકવાઈ  બહેનો ! આજથી હું તમારો ભાઈ... તમને ક્યારેય એકલાં નહીં પાડવા દઉં. તમે એકલાં પડશો  એવું તરત હું હાજર થઈ જઈશ. મારા વગર તમે ફિક્કા નહીં પડો...'

દૂધીએ ફટાક દઈને બધી  શાકભાજી બહેનોને વેલની એક ડાળી આપી. સૌએ  એની રાખડી બનાવીને બટાકાભાઈને બાંધી. 

બટાકા ભાઈએ વચન આપ્યું કે આજથી  તમે સૌ... ડુંગળી-બટાકા, ગવાર-બટાકા,  ફૂલાવર-બટાકા, દૂધી-બટાકા, ચોળી-બટાકા, ટામેટાં- બટાકા... આ રીતે તમે મારાથી શોભી ઊઠશો. બધી બહેનો સાથે હું હાજર રહીશ આ મારું વચન છે.' 

બધા દૂધીની વેલ પર ઝૂલવા લાગ્યાં અને ગાવા લાગ્યાં...

'કોણ હલાવે  લીમડી 

ને કોણ ઝૂલાવે  પીપળી 

ભાઈની બેની લાડકી 

એનો ભાઈ લો ઝૂલાવે ડાળખી...'

ભાઈ-બહેનનો પ્રેમ જોઈને આખી વાડી ખુશીથી ઝુમી ઉઠી..

Tags :