શ્રેષ્ઠ શિક્ષક ડૉ. રાધાક્રિષ્નન
વિદ્યાર્થીઓ ૫મી સપ્ટેમ્બર, ૧૯૬૨માં તેમનો ૭૪મો જન્મદિન ઉજવવા ભેગા મળ્યા. ત્યારે ડૉ. રાધાક્રિષ્નને તેઓને વિનંતી કરી કે મારા પ્રત્યે જ નહીં, સમગ્ર શિક્ષક જગતનું સન્માન કરી મારા જન્મદિનને ઉજવો
યુવા વયથી જ તેમના તત્ત્વજ્ઞાાન પર સંશોધનાત્મક અને અભ્યાસુ લેખો વિશ્વની ટોચની યુનિવર્સિટીના જર્નલોમાં સ્થાન પામ્યા. પૂર્વ અને પશ્ચિમની ધર્મ-સંસ્કૃતિને એકસૂત્રતામાં લાવવાના તેમના લેખો અને પ્રવચનો પ્રસિદ્ધ બન્યા
ભારતનો ઈતિહાસ ગાંધીજી, નહેરૂ, સરદાર પટેલ, લોકમાન્ય, સુભાષચંદ્ર બોઝ વગેરે અનેક મહાન વિભૂતિઓની ગૌરવગાથાથી ઉજળો છે. આવા જ એક મહાન નેતા ડૉ. સર્વપલ્લી રાધાકિશનન જેમના જન્મદિનની યાદમાં 'શિક્ષકદિન'ની ઉજવણી થાય છે તેમના વિશે જાણીશું. મદ્રાસ પ્રેસિડેન્સીના ચિત્તુર જિલ્લાના તિરૂત્તાની ગામમાં રાધાક્રિષ્નનનો જન્મ થયો હતો. તેમના પિતાજી અત્યંત ગરીબ હતા, એટલે તેમનું બચપન ગરીબાઈ અને સાદગીમાં વિત્યું હતું.
રાધાક્રિષ્નનને અભ્યાસમાં દિલચશ્પી હતી, વળી અભ્યાસમાં તેજસ્વી હોવાને કારણે સ્કોલરશીપથી જ તેઓએ શાળાકિય કારકિર્દી આગળ ધપાવી હતી. તેમણે કોલેજમાં પ્રવેશ તો મેળવ્યો, પરંતુ ગરીબીને કારણે પુસ્તકો ખરીદી શકે તેમ નહતા. તેમના પિતરાઈ ભાઈએ તેમને અભ્યાસના પુસ્તકો આપીને મદદ કરી હતી. રાધાક્રિષ્નનને તત્ત્વજ્ઞાાનમાં રસ હતો. તેમના તત્ત્વજ્ઞાાન વિષયના પ્રોફેસર ડૉ. આલ્ફ્રેડ જ્યોર્જ હોગે રાધાક્રિષ્નનને સ્નાતક બનવા માટે થિસીસ લખવામાં માર્ગદર્શન પૂરું પાડયું હતું.
૧૯૦૯માં સ્નાતક થતાં જ મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજમાં તેમની તત્ત્વજ્ઞાાનના લેકચરર તરીકે નિમણુંક થઈ હતી. યુવા વયથી જ તેમના તત્ત્વજ્ઞાાન પર સંશોધનાત્મક અને અભ્યાસુ લેખો વિશ્વની ટોચની યુનિવર્સિટીના જર્નલોમાં સ્થાન પામ્યા. પૂર્વ અને પશ્ચિમની ધર્મ-સંસ્કૃતિને એકસૂત્રતામાં લાવવાના તેમના લેખો અને પ્રવચનો પ્રસિદ્ધ બન્યા હાર્વર્ડ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીનું મેનેજમેન્ટ રાધાક્રિશ્નનની અસાધારણ વિદ્વતા જોઈને દંગ થઈ ગયું હતું.
કિંગ જ્યોર્જ પાંચમાએ તેમના જન્મદિનની ઉજવણી નિમિત્તે ડૉ. રાધાક્રિષ્નનનું 'નાઈટહુડ'થી સન્માન કર્યું. ૧૯૩૨માં 'અર્લ ઓફ વિલિંગ્ડન' ખિતાબ તેમને આપવામાં આવ્યો.
ડૉ. રાધાક્રિષ્નનને આઝાદીની લડત કરતાં હિંદુ ધર્મ, સંસ્કૃતિ, વેદાંત અને ઉપનિષદોની મહાનતાનો પ્રચાર કર્યો. ૧૯૪૭માં ભારત આઝાદ થયું તે સાથે ૧૯૫૨ સુધી 'યુનેસ્કો'માં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. સોવિયેત યુનિયનના સ્ટાલિન પણ ડૉ. રાધાક્રિષ્નનને ભારે આદરથી જોતા હતા. ક્યારેય કોઈ રાજદૂતને મુલાકાત ના આપતા સ્ટાલિને ડૉ. રાધાક્રિષ્નન જોડે મીટિંગ યોજી હતી. તેમણે સ્ટાલિનને અમેરિકા સાથે શીતયુદ્ધ રોકવા માટે પણ સમજાવ્યા હતા.
૧૯૫૭માં ડૉ. રાધાક્રિષ્નન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચીનના પ્રવાસે ગયા, ત્યારે ચીનના વડા ચેરમેન માઓ ઝેંડોંગે તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
માયસોર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા તેમના ભૂતકાળના વિદ્યાર્થીઓ ૫મી સપ્ટેમ્બર, ૧૯૬૨માં તેમનો ૭૪મો જન્મદિન ઉજવવા ભેગા મળ્યા. ત્યારે ડૉ. રાધાક્રિષ્નને તેઓને વિનંતી કરી કે મારા પ્રત્યે જ નહીં, સમગ્ર શિક્ષક જગતનું સન્માન કરી મારા જન્મદિનને ઉજવો. બસ ત્યારથી શિક્ષક દિનનો જન્મ થયો.
૧૯૬૨ તેઓ ભારતના રાષ્ટ્રપતિ થયા. તેમને રાષ્ટ્રપતિ તરીકે રૂા. ૧૦૦૦૦નો પગાર મળતો હતો. જેમાંથી રૂા. ૨૫૦૦ જ તેઓ લેતા હતા, અને બાકીની રકમ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહતફંડમાં જમા કરાવી દેતા હતા. ૧૯૫૪માં તેમનું 'ભારતરત્ન'થી સન્માન થયું હતું. ૧૭ એપ્રિલ ૧૯૭૫ના રોજ ૮૭ વર્ષની વયે તેમનું નિધન થયું તેના બે મહિના પહેલાં ટેમ્પલટન પ્રાઈઝ તેમને એનાયત થયું, જેની રકમ તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીને અનુદાનમાં આપી.
ગુરૂને આપણી સંસ્કૃતિમાં ઈશ્વર સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે. ઈતિહાસ ગવાહ છે કે ગુરૂએ વ્યક્તિઘડતરમાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે, આજે પણ શિક્ષકના હાથમાં જ સમાજની ધુરા રહેલી છે.