Magazines

ડોશી બની લક્કડખોદ

By GS Team
21 Jul 20184 mins read
This article was originally published on 21 Jul 2018
TukuTouch Logo
લક્કડખોદનો જન્મ કેવી રીતે થયો તે વિષેની આ મઝેદાર લોકકથા છે. આ લોકકથા ઠેઠ નોર્વેથી આપણે ત્યાં

Summarized by AI; it may make mistakes. Check important info

ડોશી બની લક્કડખોદ

લક્કડખોદનો જન્મ કેવી રીતે થયો તે વિષેની આ મઝેદાર લોકકથા છે. આ લોકકથા ઠેઠ નોર્વેથી આપણે ત્યાં ચાલી આવી છે. એક ઘણી જ ઘરડી ડોશી હતી. ડોશી ખાવાનું સરસમાં સરસ બનાવે પણ તે ઉદાર ન હતી.
એક વખત ઠંડીની રાત હતી. ડોશીએ ખૂબ જ મજેદાર કેક બનાવી. કેક એવી તો સરસ હતી કે મોઢામાં પાણી આવી જાય.

પણ ડોશી જાતે ખાવા જાય ત્યાં જ બારણે કોઇક આવીને ઊભું રહ્યું. એક ભિખારી હતો. તે કહે : 'માજી ! બે દિવસથી ખાવા મળ્યું નથી. કંઇક આપશો ?' ડોશી બિચારી ધર્મસંકટમાં મૂકાઇ ગઇ. જો તે ભિખારીને કેક આપી દે, તો તે ભૂખે અને ન આપે તો દયા ન કરવાનું પાપ લાગે.

છેવટે તે કહે : 'ભાઇ આ કેક તો તારે માટે ઘણી મોટી છે. ઊભો રહે. તમારે માટે નાની કેક બનાવી દઉં.'
ડોશીએ નાની કેક બનાવી. પણ જ્યારે કેક તૈયાર થઇ ત્યારે એ કેક આપી દેતાં પણ જીવ ચાલ્યો નહિ.
તે ભિખારીને કહે : આ કેક પણ મોટી છે. ઊભો રહે તેને આથી પણ નાની કેક બનાવી દઉં.'
ડોશીએ ત્રીજી કેક બનાવી.

ભિખારીને આપતા તેનો જીવ ચાલ્યો નહિ. તે કહે : 'અરેરે, આ કેક પણ મોટી થઇ ગઇ. લાવ જરા નાની બનાવી દઉં' એમ કરતી કરતી ડોશી વધુ ને વધુ નાની કેક બનાવતી ગઇ. તે માત્ર નાની જ કેક બનાવતી નહિ. પણ કેક વધુ ને વધુ નાની બનાવતી ગઇ. કેક વધુ ને વધુ કઠણ બનાવતી ગઇ.'

છેવટે સૌથી નાની કેક તેણે બનાવી, તે આવી તો કઠણ હતી કે બિચારો ભિખારી તે ખાઇ જ શક્યો નહિ. ડોશી કહે : 'આવી સરસ કેક તું ન ખાઇ શકે તો એમાં  મારો શો વાંક ?' તેને આપવાનું પુણ્ય મળ્યું. અંતે ભિખારીએ કેક ન ખાધી એટલે તેની કેક પણ બચી ગઇ. આમ તેને બેવડો ફાયદો થયો.

ભિખારી નિરાશ થઇને ત્યાંથી ચાલ્યો ગયો. પછી નિરાંતે ડોશી કેક ખાવા બેઠી. પણ ભિખારી ખાઇ ન શકે એટલા માટે તેણે ઘણી બધી કેક એવી તો કઠણ બનાવી હતી કે હવે તે જાતે પણ એ કેક ખાઇ શકતી ન હતી. ઠંડીમાં પડી પડી અગાઉની સારી કેક પણ લાકડા જેવી બની ગઇ હતી. એ લાકડાં જેવી કેકોમાં મોઢું મારી મારીને ડોશીનું મોઢું લાંબુ થઇ ગયું. એ મોઢું પછી લાંબી ચાંચમાં ફેરવાઇ ગયું. સમય જતાં એ ડોશી જાતે જ લક્કડખોદ નામનું પક્ષી બની ગઇ અને આજે પણ એ ડોશી લાકડામાં ચાંચ માર્યા કરે છે. *

અક્કડ ફક્કડ લક્કડખોદ

રાખનારે પક્ષીઓનાં નામ પણ કેવાં સારાં અને સાચાં રાખ્યાં છે ! લક્કડખોદ એટલે લાકડા ખોદનાર. મોટે ભાગે લક્કડખોદ ઝાડ ખોદે છે. ઝાડની જાડીજાડી છાલ તે ઉખાડી નાખે છે. એ છાલ પાછળ નિવાસ કરતાં જીવડાં, તેના ઈંડાં, તેના લારવા, લક્કડખોદનો પ્રિય ખોરાક છે. ચોમાસામાં અને શિયાળામાં તેને બહુ ખોદવું પડતું નથી. કેમ કે ભેજવાળા થડની છાલ ઝટ નીકળી આવે છે. ઉનાળામાં પરિશ્રમ વધારે કરવો પડે છે. પણ કુહાડી-કોદાળી જેવી તીક્ષ્ણ ચાંચને એમાં ઝાઝી તકલીફ પડતી નથી ! એની ચાંચમાં ખરેખર ભારે શક્તિ હોય છે. એટલી જ શક્તિ એના પગમાં હોય છે.

લાકડાને કોરવું એ સરળ વાત નથી. ક્યારેક કલાકો સુધી ટકટક ટકટક ખોદ્યા કરે ! ત્યારે લક્કડખોદ ધાર્યું નિશાન પાર પાડે છે ! લક્કડખોદ પક્ષીઓનું સૈનિક છે. તે જરૃર કરતાં વધારે ખોદે છે કે જેથી કાગડાં, કાબર, ચકલી, દેવચકલી તથા એવાં જ બીજાં પક્ષીઓને પણ પૂરતો ખોરાક મળી રહે, પક્ષીઓ પર આફત આવે ત્યારે તે પોતાની ચાંચથી સાથી પક્ષીનું  રક્ષણ પણ કરે છે.

લક્કડખોદની ઘણી જાતિઓ છે. ચકલીથી માંડીને કાગડા સુધીનું  તેનું કદ છે. અહીં રજૂ થતું લક્કડખોદ સહુથી મોટું છે. કાગડા જેટલું તે વિશાળ છે, રંગ પણ કંઇક એવો જ છે. હા, એને માથે લાલ રંગનું ગુચ્છાદાર મખમલ શોભે છે. એથી અંગ્રેજીમાં એને 'રેડ-કેપ' કહે છે.

લક્કડખોદ - બુલબુલની જેમ ગાનારું પંખી છે. કામ કરતાં કરતાં ગાવાનું તેને ગમે છે. આકરી મહેનત બાદ ખોરાક મળી જવા છતાં તે કામ રોકી દેતું નથી. તેની ચાંચ ચાલુ રાખે છે. એથી પોતાને માટે વધારે તથા બીજાં પક્ષીઓને માટે પણ સ્વાદિષ્ટ ભોજન જમા રહે છે.

ખોરાક શોધતી વખતે તે ગોળાકાર કાણાંઓ પાડે છે. ચાંચ આખી પેસી જાય એટલું ગોળ કાણું પાડી નાખે છે. એક દિવસમાં એ કાર્ય પૂરું ન થાય તો બે-ત્રણ દિવસ લગાડે છે. પણ પોતાના માળા માટે તે ચોરસ ઘર બનાવે છે. એ ચોરસ ઊંડા ઘરમાં તે આછા ટપકાંવાળાં સરસ મજાનાં બેથી ત્રણ ઈંડાં મૂકે છે. જ્યારે બચ્ચાં કલબલ કરે છે ત્યારે તે ચાંચ બહાર રાખીને બેસે છે. પોતે બહાર ઊડીને બચ્ચાં માટે પોચો ખોરાક લઇ આવે છે, તે ઉપરાંત બચ્ચાંને ઝાડની અંદરથી જ ખોરાક શોધી લેતાં શીખવે છે. પાણીમાં તરતાં લાકડાં, નીચે પડેલાં લાકડાં જેવા હર પ્રકારના ઝાડની તે મજા લે છે, પણ ઊભેલા લીલાંછમ ઝાડ તેની  પ્રિય બેઠક છે.

પોતે પાડેલી ગોળ ગોળ ઊંડી બખોલમાં જ્યારે બીજાં પક્ષીઓ નિવાસ કરે છે, અથવા માળા બાંધે છે ત્યારે લક્કડખોદ રાજી થાય છે. હા, નાના મોટા સાપ જેવા જીવ એ દિશામાં જાય તો જરૃર તેનો સામનો કરે છે, તેને રોકે છે, અવાજ કરી બીજાં પક્ષીઓને બોલાવી લે છે. બાળમિત્રો ! માથે લાલ પીંછાવાળાં કાળાં પક્ષીઓને જુઓ ત્યારે તેને કાગડો ના કહેશો, મોટી ચાંચવાળું એ લક્કડખોદ છે. તેનું નામ અક્કડ હોવા છતાં એ ફક્કડ પક્ષી કુદરતની અનેરી શોભા છે.