- 'ના, કોઈએ ભૂખ્યા રહેવાની જરૂર નથી. તમારામાંથી વારાફરતી અડધા બગલાઓ તળાવ તરફ મોં રાખી ઊભા રહે અને બાકીના અડધા તળાવ તરફ પીઠ રાખી ઊભા રહે,' રાજહંસે સલાહ આપી.
- ભૂપેન્દ્ર ત્રિવેદી 'સ્વયંભૂ'
એક વિશાળ જંગલ વચ્ચે મોટું તળાવ હતું. ગીચ વનરાજી વચ્ચે રહેલ તળાવની સુંદરતા મનભાવન હતી. જંગલમાં પશુ-પંખીઓ અને તળાવમાં જળચર જીવો વસતાં હતાં. ચોમાસા બાદ શિયાળાની મોસમ શરૂ થતાં દેશ-વિદેશના અનેક રંગબેરંગી પક્ષીઓ અહીં આવતાં. વનવિભાગ તરફથી આ સ્થળને પિકનિક સ્પોટ તરીકે વિકસાવેલ હોવાથી આ મોસમમાં સહેલાણીઓની ભીડ બહુ રહેતી.
માનસરોવરમાંથી રાજહંસો પણ શિયાળો પસાર કરવા તળાવ ખાતે આવતાં. તળાવને કિનારે બગલાઓ ખૂબ જોવા મળતા. ભાવુક ભક્તની જેમ તપ ધરતા હોય તેમ તળાવને કિનારા પાસેછીછરા પાણીમાં એક પગે ઊભા રહીઆ બગભગતોમાછલીઓની તલાશમાં હારબંધ ઊભા રહેતા અને ત્યાં નજીક પાણીમાં માછલી કે અન્ય નાના જીવો જોવા મળે કે તરત જ તરાપ મારી ચાંચમાં તેને પકડી લેતા.
એક દિવસ જંગલમાંથી ફરતો-ફરતો એક રાની બિલાડો પાણી પીવા તળાવને કિનારે આવ્યો. તેણે હારબંધ બગલાઓને ઊભેલા જોયા. મોકો શોધી એક બગલાને મોંમા ઝડપી લીધો. તે બગલાની ચીસ સાંભળી, બીજા બગલાઓ ચોંક્યા અને શિકારીને જોતાં જ દૂર-દૂર ઊડી ગયા. બિલાડાએ મોંમા પકડેલ બગલાનું નિરાંતે ભોજન કર્યું. પાણી પી તે જતો રહ્યો.
હવે તો રોજની આ ઘટના બની. સવાર-સાંજ બગલાઓ માછલી કે અન્ય નાના જીવોની તલાશમાંછીછરા પાણીમાં ઊભા હોય ત્યારે બિલાડો ચૂપચાપ દોડી આવી, એક બગલાનો શિકાર કરતો. તેને તો મોજ પડી ગઈ. બગલાઓના સમૂહમાં બિલાડાની ધાક પેસી ગઈ. એક બાજુ પોતાને માટે ખોરાકની રાહમાં રહેવાનું અને બીજી બાજુ બિલાડાનો ડર. તેથી બગલાઓ સ્થાનફેર કરી, કિનારાના એક સ્થળેથી બીજી તરફ ગયા પણ ત્યાં સહેલાણીઓના ઘોંઘાટ અને અવરજવરને લીધે કિનારે માછલીઓ કે અન્ય નાના જીવો જ્વલ્લે આવતા. તેમજ ત્યાં પણ બિલાડો પહોંચી જતો. આમ, દરરોજ એકાદ બગલો શિકારીના પંજામાં સપડાઈ જતો. બિલાડાના ભયે સતત જાગૃત રહેવાનું થયું અને પરિણામે તેઓને ખોરાક પણ ઓછો મળવા લાગ્યો. બગલાઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા.
તળાવમાં સહેલ કરતા રાજહંસોએ એ સઘળા બગલાઓ સાથે તાજેતરમાં બનેલ ઘટના જોયેલી. બગલાઓને નિમાણાં જોઈ, એક વૃદ્ધ રાજહંસે બગલાઓ પાસે આવીને કહ્યું - 'આ શિકારી બિલાડો રોજ તમારા સમૂહમાંથી એક બગલાનો શિકાર કરી જાય છે, તેમાં તમારી ભૂલ છે.'
બગલાઓ એકી સાથે બોલી ઊઠયા - 'અમારી ભૂલ?'
'હા, તમારી જ ભૂલ. તમો જાતે જ શિકારીને શિકાર કરવાની તક આપો છો. તમો બધા એકી સાથે ઠગ ભગત બની કિનારે છીછરા પાણીમાં તળાવ તરફ મોં રાખી ઊભા રહો છો, તેનો ગેરલાભ શિકારી ઊઠાવે છે.'
'તો અમારે શું ભૂખ્યા રહેવાનું?'એકી સાથે બધા બગલાઓ બોલ્યા.
'ના, કોઈએ ભૂખ્યા રહેવાની જરૂર નથી. તમારામાંથી વારાફરતી અર્ધા બગલાઓ તળાવ તરફ મોં રાખી ઊભા રહે અને બાકીના અર્ધા તળાવ તરફ પીઠ રાખી ઊભા રહે,' રાજહંસે સલાહ આપી.
'તેમાં અમારે શું ફાયદો થવાનો?'એક બગલો બોલ્યો.
'જે બગલાઓ તળાવ તરફ મોં રાખી ઊભા રહ્યા હશે તે માછલીઓ કે અન્ય નાના જીવો પકડવાનું કામ કરશે અને જે બગલાઓ તળાવ તરફ પીઠ રાખી ઊભા હશે તે ચારે બાજુ સતત નજર રાખી શિકારીનું ધ્યાન રાખશે અને દૂરથી શિકારી બિલાડો આવતો જણાય કે તરત જ બધાને સાવચેત કરે અને પછી બધાએ ઊડી જવાનું. આમ કરવાથી રાની બિલાડાને શિકાર કરવાનો મોકો મળશે નહીં અને તમારામાંથી કોઈ ઓછું થશે નહીં,'રાજહંસે ઉત્તમ તરકીબ બતાવી.
રાજહંસની સોનેરી સલાહ સાંભળી બધા બગલાઓ ખુશ થયા. તે યુક્તિનો તરત જ અમલ શરૂ કર્યા પરિણામે રાની બિલાડાને શિકાર કરવાનો મોકો મળ્યો નહીં. આઠેક દિવસ આવું બનતું રહ્યું તેથી કંટાળીને બિલાડો તે જગા છોડી અન્ય સ્થળે જતો રહ્યો. બગલાઓએ ઘણી રાહત અનુભવી. તેમણે વૃદ્ધ રાજહંસનો ખૂબ આભાર માન્યો. ખાધું, પીધું ને મોજ કરી.


