Get The App

બાબુ કાચબો અને બોલતી પેન્સિલ

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
બાબુ કાચબો અને બોલતી પેન્સિલ 1 - image

- ચમકી પેન્સિલે કાગળ પર કાર દોરી. તરત જ ચિત્રમાંથી એક લાલ રંગની નાની કાર બહાર આવી ગઈ. કાચબો કારમાં બેઠો અને ઝૂમ ઝૂમ કરીને આખા આંગણામાં ફેરવવા લાગ્યો. બાળકો તેને જોઈને તાળી વગાડવા લાગ્યાં.

- ડૉ. પારુલ અમિત 'પંખુડી'

એકવારની વાત છે. એક નાનકડું ગામ હતું, જ્યાં બાળકોને ચિત્રો દોરવા અને વાર્તાઓ સાંભળવા બહુ ગમતું. એ ગામના શાળાના આંગણામાં એક નાનો કાચબો રહેતો. ગામના બાળકો તેને બબુ કાચબો કહેતા.

બાબુ કાચબો ખૂબ જ જિજ્ઞાાસુ હતો. તે દરરોજ બાળકોને સ્કૂલમાં આવતાં જોઈને વિચારે -

'આ બાળકો આખો દિવસ કાગળ પર શું લખે છે, અને દોરી રહ્યા છે?' 

એને વિચાર આવ્યો કે બાળકો જે મજાનાં ચિત્ર દોરે છે ક્યાંક આ ચિત્રો જીવતાં થઈ જાય તો મજા આવી જાય.'

પછી એક દિવસ શાળાના વર્ગખંડમાં એક અજબ ઘટના બની. 

વર્ગમાં એક પેન્સિલ ટેબલ પરથી નીચે પડી ગઈ અને રગડતી રગડતી બબુ કાચબો જ્યાં બેઠો હતો ત્યાં સરકી ગઈ. બબુ કાચબાએ પેન્સિલ ઉઠાવી લીધી. 

અચાનક પેન્સિલ બોલી ઊઠી!

'હેલો કાચબાભાઈ! હું છું ચમકી પેન્સિલ. મને કોઈપણ હાથમાં લે, તો હું ચમત્કાર કરી શકું. તમે જે દોરશો, એ સચ્ચાઈમાં બદલી શકું છું.'

કાચબો તો આશ્ચર્યચકિત થઈ ગયો. 

'સાચ્ચે? તો મને એક નાની રમકડાની કાર દોરી આપ,'એણે કહ્યું.

ચમકી પેન્સિલે કાગળ પર કાર દોરી. તરત જ ચિત્રમાંથી એક લાલ રંગની નાની કાર બહાર આવી ગઈ. કાચબો કારમાં બેઠો અને ઝૂમ ઝૂમ કરીને આખા આંગણામાં ફેરવવા લાગ્યો. બાળકો તેને જોઈને તાળી વગાડવા લાગ્યાં.

આ મજા જોઈને બાળકો દોડી આવ્યાં. 

તેઓ પણ ચમકી પેન્સિલને પોતાના હાથમાં લેવાં માંગતા હતાં.

બાળકો બોલ્યાં, 'મારા હાથમાં આવ, મારા હાથમાં આવ.'

ચમકી પેન્સિલે કહ્યું, 'આવીશ પણ યાદ રાખજો, મારી શક્તિ મજાક કે ખોટી વાત માટે નથી. જો નિર્દોષ મજા કરવા, શીખવા કે મિત્રો બનાવવાં માટે દોરશો, તો જ હું મદદ કરીશ.'

બાળકો ખૂબ ઉત્સાહિત થયાં . કોઈએ રંગબેરંગી પતંગ દોરી, તો કોઈએ મોટા હિંચકા દોરી નાખ્યાં. બધાં ખુશ થઈ ગયાં.

પણ ત્યાં જ ગામનો મોટો બિલાડો ખંખારિયો આવ્યો. તે બધાંની મજા જોઈને બોલ્યો, 'અરે વાહ! આ પેન્સિલ તો મારી હોવી જોઈએ. હું એને લઈને સોના-ચાંદીના મહેલ દોરી નાખીશ.'

બબુ કાચબો આગળ આવ્યો, અને બોલ્યો, 'ખંખારિયા, જો તું લોભમાં આવીને દોરશે, તો ચમકી પેન્સિલ કામ નહીં કરે.'

પણ ખંખારિયાએ કોઈ વાત સાંભળી નહીં. એણે પેન્સિલ ઝૂંટવી અને મોટા મોટા સોના ના ઢગલાં દોર્યા. ચિત્રમાંથી સોનાની થેલીઓ તો બહાર આવી, પણ એ એટલી ભારે હતી, કે તરત જ તેના પર ઢળી પડી. બિલાડો ફસાઈ ગયો. એ તરફડવા લાગ્યો.

બાળકોએ અને કાચબાએ મળીને તેને બહાર કાઢયો. ખંખારિયો ભોંઠો પડયો.

એણે સ્વીકારી લીધું કે લોભથી કંઈ સારું નથી થતું.

ચમકી પેન્સિલે હસીને કહ્યું, 'મિત્રો, મારી શક્તિ સાચાં દિલ માટે છે. જો તમે મિત્રતા, આનંદ અને શીખવાની ઈચ્છાથી દોરશો, તો દુનિયા રંગબેરંગી બની જશે.'

ત્યારથી ગામનાં બધાં બાળકો દરરોજ ચિત્ર દોરતાં. કોઈ પક્ષીઓ દોરતાં, કોઈ ફૂલ-ફળ દોરતું, તો કોઈ હસતાં રમતાં પાત્રો દોરતું. અને ચમકી પેન્સિલ એમને બધાને રમાડતી.

બબુ કાચબો બધાંનો નેતા બન્યો. તે બાળકોને શીખવતો કે સાચો આનંદ વહેંચવામાં છે.

એક દિવસ એક નાનકડી બાળકી બોલી, 'બબુ કાચબા, તું હંમેશા અમને મદદ કરે છે. અમે તારા માટે શું દોરીએ?'

બબુ કાચબાએ શરમાઈને કહ્યું, 'મને તો ફક્ત એક નાનું તળાવ જોઈએ, જ્યાં હું તરતો રહી શકું.'

બાળકોએ તરત જ તળાવ દોરી દીધું. પાણી છલોછલ ભરાઈ ગયું. કાચબો પાણીમાં કૂદ્યો અને આનંદપૂર્વક તરવા લાગ્યો.

ગામ હવે વધુ ખુશખુશાલ બની ગયું. બધા બાળકો રોજ નવી વસ્તુઓ દોરતાં અને સાથે મજા કરતીં.

ચમકી પેન્સિલે એક દિવસ કહ્યું, 'હું હંમેશા તમારાં સાથે રહીશ, જો તમે વચન આપો કે લોભમાં આવીને ક્યારેય ખોટું દોરશો નહીં.'

બાળકોએ એકસાથે કહ્યું, 'હા, અમે વચન આપીએ છીએ!'

...અને આમ, બબુ કાચબો, ચમકી પેન્સિલ અને ગામના બાળકોની મિત્રતા કાયમ રહી.