Get The App

બબન બિલ્લુ ભગત થયો ! .

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
બબન બિલ્લુ ભગત થયો !                     . 1 - image

- કિરીટ ગોસ્વામી

બબન બિલ્લુ જાત્રાએ નીકળ્યો.

ભગવાં કપડાં પહેર્યાં. કપાળે લાંબું તિલક તાણ્યું ને ગળામાં માળા પહેરી.

સહુને એણે કહી દીધું- 'આજથી આપણે ભગત! હવે બધું છોડી દેવું છે ને બસ ભગવાનનું ભજન કરવું છે!'

ચાલતો જાય ને ગાતો જાય...

'મ્યાંઉ... મ્યાંઉ... મ્યાંઉ... 

હું તો ભગત કહેવાઉં!

મ્યાંઉ... મ્યાંઉ... મ્યાંઉ...

સાદું ભોજન હું ખાઉં!

મ્યાંઉ... મ્યાંઉ... મ્યાંઉ...

બસ ભજન હું ગાઉં!'

સહુને નવાઈ લાગી.

નાના-મોટા બિલ્લા-બિલ્લીઓમાં ફુસફુસાહટ થવા લાગી.

કોઇ કહે- 'બબન તો હમણાં સુધી બહુ મોટો શિકારી હતો!'

તો કોઇ કહે- 'બબન... ને વળી ભગત? બને જ નહીં!'

કોઇ વળી કહે- 'નાટકિયો છે, નાટકિયો!'

તો કોઇ વળી કહે- 'એનું કંઈ નક્કી નહીં! દાંત પડી ગયા તોય ખાધોકડો તો એવો ને એવો છે!'

...પણ બબનને તો કોઇ શું કહે છે એની પરવા જ નહોતી. બધાંનું કહ્યું, સાંભળ્યું-ન સાંભળ્યું કરીને એ તો પોતાની જ મોજ-મસ્તીમાં મંદિર-મંદિર ફરતો જાય, માળા જપતો જાય અને ગાતો જાય...

'મ્યાંઉ... મ્યાંઉ... મ્યાંઉ...

હું તો ભગત કહેવાઉં!'

આમ ને આમ બબન બિલ્લુ તો અનેક મંદિરો ને તીર્થધામોમાં ફર્યો. ભિક્ષા માગે ને ચપટી આટો જે મળે તે સાદું ભોજન જમી લે.

ધીમે ધીમે બધાંયને વિશ્વાસ બેસવા લાગ્યો કે બબન તો સાચે જ ભગત બની ગયો છે. બધાં તેને 'ભગત' કહીને જ બોલાવવા લાગ્યા. બબનનાં તો માનપાન વધી ગયાં. બધાંય તેનો આદર-સત્કાર કરવા લાગ્યા.

એવામાં એક દિવસ એક મંદિરે પ્રસાદની ખીર બનતી હતી. ખીરની સુગંધ તેના નાકમાં ગઈ કે તરત એ તો બધું ભૂલી ગયો! મોંમાં પાણી આવ્યું! ખીર ખાવાનું ખૂબ મન થઈ ગયું!

પ્રસાદમાં તો ચમચીક ખીર હોય. બબનને તો આજે ધરાઈને ખીર ખાવાનું મન થયું. ખીરની સુગંધ આખરે તેને રસોડા સુધી ખેંચી ગઈ. વધુ કંઈ વિચાર્યા  વિના, ભગવાં કપડાં ઉતારીને એ તો લપાતો- છુપાતો રસોડામાં પહોંચી ગયો.

ધરાઈને ખીર ખાધી ને પછી ઓડકાર ખાઇને પાછાં ભગવાં કપડાં પહેરીને બહાર આવી મંદિરે બેસી ગયો.

પેલી બાજુ, ભક્તો રસોડામાં ખીર શોધે, પણ ખીરનું વાસણ તો ખાલીખમ! બધાંયને નવાઇ લાગી -  પ્રસાદની ખીર કોણ સફાચટ કરી ગયું?

બહાર બધે વાત ફેલાઈ ગઈ- 'ખીર ચોરાઈ ગઈ!'

બબન પણ ' ઓહો! બહુ મોટો અનર્થ થયો કહેવાય!' એમ બોલતો અજાણ્યો થવા લાગ્યો.

એવામાં એક સજ્જનની નજર બબનની મૂછ પર પડી!

ઉતાવળે ખીર તો ખાઇ લીધી પણ મૂછ સાફ કરવાનું રહી ગયું હતું! સજ્જનને બબનની મૂછ પર ખીર દેખાઇ ગઈ ને એ તો સમજી ગયા. એમણે બાજુવાળાને કાનમાં કહ્યું- 'ખીર આ બબનભગતે જ ખાધી છે. જુઓ એની મૂછ!'

એક પછી એક એમ વાત બધા સુધી પહોંચી ગઈ.

બે-ચાર જણ ધોકો લઈને બબન તરફ ધસ્યા. બબન પણ સમજી ગયો કે એની ચોરી પકડાઈ ગઈ છે! તેથી એ તો કૂદકો મારીને ભાગ્યો!

ભાગતાં-ભાગતાં બબને ડોકમાંથી માળા ફેંકી, હાથેથી કમંડલ ફેંક્યું, કપાળેથી તિલક ભૂંસ્યું ને ભગવાં કપડાંય ફેંકીને બોલ્યો- 'હું હવે ભગત નથી!

'મ્યાંઉ... મ્યાંઉ... મ્યાંઉ..

હું તો બબન કહેવાઉં!

મ્યાંઉ... મ્યાંઉ... મ્યાંઉ..

હું તો ભાવતાં ભોજન ખાઉં!'

- ને જંગલ-ઝાડીમાં એ તો અદ્રશ્ય થઈ ગયો!