આયારામ ગયારામ .
- ગયા ગયા તે આયાજી આયા આયા તે ગયાજી
- જે આવ્યા છે તે આવ્યા નથી, જે ગયા છે તે ગયા નથી આવ્યા-ગયાના આ દેવો, કદી કોઈથી પરખાયા નથી
'આ યારામ ગયારામ' આજનું જાણીતું સૂત્ર છે.
જેઓ પક્ષપલટો કરે છે તેમને માટે ગમ્મતમાં આ સૂત્ર વપરાય છે.
પણ જેમ ધુમાડો હોય ત્યાં આગ હોય જ, તેમ આવું સૂત્ર હોય ત્યાં તેનાં મૂળ હોય જ.
'આયારામ ગયારામ' બંને સાચા માણસો હતા. એટલે માણસો સાચા ન હતા, પણ એવા રાજકારણીઓ હતા ખરા.
એ બંને સગાભાઈ હતા. એકનું નામ ફૂસા રામ અને બીજાનું નામ ગયા લાલ. બંને હરિયાણા વિધાનસભાના ધારાસભ્યો હતા. ચૂંટાવાની એવી તરકીબ જાણતા હતા કે ચૂંટણીમાં ઊભા રહે કે ચૂંટાઈને જ રહે.
ત્યારે પક્ષપલટાનો કાયદો તો હતો નહિ. આજે કાયદો છે છતાં પક્ષપલટા થતાં જ રહે છે. અરે આખો ને આખો પક્ષ પલટી ખાઈ જાય છે. પલટી મારે છે, પલટી ખવડાવે છે.
પણ તેમના ગુરુબંધુ હતા ફૂસા રામ અને ગયા લાલ.
પક્ષપલટાના એ પંડિતો એકસાથે પક્ષપલટો કરતા, એટલું જ નહિ, ક્યારેક સામસામા પક્ષપલટો પણ કરી નાખતા. બંને સામસામા પક્ષમાં ચાલ્યા જતા. જરૂર પડે પાછા એક થઈ જતા.
જ્યારે વિરોધ પક્ષમાં બંને ભાઈ વહેંચાઈ જતા, ત્યારે લોકો તેમને પૂછતા : 'તમે તો સગા ભાઈ છો, છતાં એક સાથે એક પક્ષમાં રહી શકતા નથી?'
ફૂસા રામ ફુસ્સ કરતાં હસી દઈને જવાબ આપતાં : 'રાજકારણમાં ભાઈ જેવું કંઈ હોતું જ નથી. રાજકારણી કોઈનો સગો નથી, કોઈનો ભાઈ નથી, સગા ભાઈનો ભાઈ મટી શકે તે જ સાચો રાજનેતા બની શકે.'
બંને ભાઈઓ પાછા એક પક્ષમાં ભેગા થઈ જાય ત્યારે તેમને પ્રશ્ન પુછાતો : 'પાછા તમે એક થઈ ગયા? તમે તો કહેતા હતા કે રાજકારણમાં કોઈ કોઈના ભાઈ નથી?'
આ વખતે ગયા લાલ લાલમલાલ હાસ્ય ફરકાવીને જવાબ આપતા : 'જે ગઈ વાતોને યાદ કર્યા કરે તે કોઈનો ભાઈ કેવી રીતે બની શકે? લોહી પાણી કરતાં ગાઢું હોય છે, જાણો છો ને? અને ભાઈ-ભાઈ એક ન થાય તો કોણ દુશ્મનો એક થશે? ભાઈ-ભાઈ એક થઈને બતાવી રહ્યા છે કે ભાઈ-ભાઈએ એક થવાનો સમય આવી લાગ્યો છે.'
એક વખત મુખ્યમંત્રી હતા રાવ વીરેન્દ્રસિંહ. સિંહમંત્રીના એ જ શાસનકાળમાં આ ભાઈઓએ દશ વખત પક્ષપલટાની ગુલાંટો ખાઈને રાવસિંહને ખળભળાવી મૂક્યા હતા. તેમનું શાસન ડગમગાવી દીધું હતું.
એ વખતે કેન્દ્રના પ્રધાન વાય. બી. ચવાણ ઉર્ફે યશવન્તરાવ ચવાણે કેન્દ્રીય સંસદમાં ફૂસા રામ - ગયા લાલનો ઉલ્લેખ કરીને તેમને 'આયા રામ ગયા રામ'નું બિરૂદ આપ્યું હતું.
ત્યારથી પક્ષપલટુઓ માટે આ સૂત્ર બંધબેસતું થઈ ગયું.
'આયા રામ! ગયા રામ' સારી વાત છે કે નહિ? એ વિવાદનો વિષય છે. પણ હજી સુધી કોઈ 'આયા રામ - ગયા રામ'નો ઉપાય કરી શક્યું નથી.
આજે જ્યારે સ્થિર નેતાઓ, ધુ્રવ નેતાઓ રહ્યા જ નથી, ત્યારે 'આયા રામ, ગયા રામ' જરૂર પક્ષપલટુઓના દેવ બની શકે છે.
તેમની પૂજા કરી શકાય તે માટે જમાનાને આ સાચી છબીઓ અર્પણ છે. એ સૂચના સાથે કે આ ઘટના સાચી છે, આ વાત સાચી છે, આ આયા રામ સાચા છે, આ ગયા રામ સાચા છે.
- હરીશ નાયક