Get The App

માસી માસી... ગો આવે .

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
માસી માસી... ગો આવે                                    . 1 - image

- એક સાહસી ઉંદરડું બધી ચીજ લઈને નીચે ઉતર્યું. આમ તેમ જોતું જાય, ધીમે ધીમે ચાલતું જાય. પહોંચ્યું બિલ્લીમાસી પાસે. હવે બિલ્લીમાસીની ટપકાવાળી પૂંછડી હલતી ન હતી. 

- વાસુદેવ સોઢા

સલવાણા! બરાબરના સલવાણા! મોમાં પાણી આવે ને બહાર નીકળાય એમ નહોતું! 

બન્યું એવું હતું કે આગળ  બિલ્લીમાસી લાંબા થઈને સૂતાં હતાં. સોનેરી ટપકાંવાળી માસી. ક્યારેક ક્યારેક પૂંછડી આમતેમ હલાવે. જાણે પીળો સાપ! મારા બાપ! તો જવું કેમ બિલ્લીમાસી પાસે?

ત્યાં થોડે દૂર એક કટોરો પડયો હતો. એમાં રોટલીના ટુકડા, થોડાં શાકનાં બટકાં અને મીઠાઇના કટકા હતાં. એ તેઓ જોઈ ગયેલા. કોણ? ખબર છે? ઉંદરો..!

એક જૂની દીવાલમાં બે-ચાર દર હતા. એમાં ઉંદરડાઓ. દર બહાર મો કાઢીને જોઈ રહેલા. આંખોને ગોળ ગોળ ધૂમાવે. નાક પાસે રહેલી ઝીણાં વાળની મૂછો ફરક ફરક કર્યા કરે.. દર બહાર રહેલું માથું ઘડીક ઊંચું થાય, ઘડીક નીચું થાય. દરમાંથી ઉંદરડાઓ એકબીજાની સામે જુએ. પેલા કટોરામાં જોયેલી ચીજથી મોઢામાં પાણી આવી ગયેલું. પણ એકે ઉંદરમાં પાણી ન હતું કે નીચે ઉતરે, કારણ કે સામે બિલ્લીમાસી આરામ ફરમાવતાં હતાં! 

ઉંદરોના પેટમાંય ઉંદરડા કૂદકા મારતા હતા. બહુ ભૂખ લાગેલી. દિવાળી હમણાં જ ગઈ હતી એટલે સારું સારું ખાવાનું મળી રહેતું હતું, પણ સામે 'બિલ્લી વાઘ તણી માસી, એ કેમ જાય નાસી?' 

બધા ઉંદરડા વિચારે ચડી ગયા. માસીને કેમ કહેવું કે માસી, માસી...ગો અવે!

એક ઉંદરે બરાબર જોયું. માસી તો ઘસઘસાટ ઊંઘતાં હતાં. હવે તો બરાબરના સલાવાણા..! માસીની ઊંઘ ક્યારે ઊડે ને ક્યારે અહીંથી જાય... ને આપણે ક્યારે કટોરાની વાનગી ખાઇએ.

એક ઉંદરડી દરમાં બીજી તરફ ગઈ. દીવાલની બીજી તરફ પણ દર હતું .બધા ઉંદરડા વિચારે ચડયા. આ ઠેડુકડી ગઈ ક્યાં? એ ઉંદરડી નાની હતી એટલે બધા તેને ઠેડુકડી કહેતા.

એક ઉંદર બોલ્યો- એ ઠેડુકડી નક્કી કંઈક નવું કરશે.

ઠેડુકડી દીવાલની બીજી બાજુ ગઈ. ત્યાં એક ઘર હતું. માણસોનું ઘર. નાનાં નાનાં બાળકો દિવાળીના વધેલા ફટાકડાં ફોડતાં હતાં. નાની આંગળી જેવા ફટાકડાની એક સેર મોમાં લઈને ઠેડુકડી ભાગી. ફરી દરમાં આવી. પછી કહ્યું - 'માસી સૂતાં છે. એની ટપકાંવાળી પૂંછડીએ ફટાકડાની સેર બાંધી દો. લો, આ દોરો પણ લાવી છું ને આ માચીસ...'

એક સાહસી ઉંદરડું બધી ચીજ લઈને નીચે ઉતર્યું. આમ તેમ જોતું જાય, ધીમે ધીમે ચાલતું જાય. પહોંચ્યું બિલ્લીમાસી પાસે. હવે બિલ્લીમાસીની ટપકાવાળી પૂંછડી હલતી ન હતી. સિંદરીની જેમ નિર્જીવ પડી હતી. 

પેલું ઉંદરડું નજીક ગયું. પૂંછડીએ ફટાકડાની સેર બાંધી. માસી તો નસકોરાં બોલાવતાં હતાં - ઘરડ.. ઘરડ...

ઉંદરડું માચીસ લઈને કાંડી ઘસવા લાગ્યું, પણ ઘસારાના અવાજથી માસી જાગ્યાં. ઊંચું મો કર્યું. પણ ત્યાં તો કાંડી સળગી ને ફટાકડાની વાટને વળગી! ફટ ફટ ફટ....! ધડામ ધૂમ...!!

બધા ઉંદરડા એક સાથે બોલ્યા - માસી માસી, ગો અવે... માસી માસી, ગો અવે...!

પણ માસી સાંભળવા ત્યાં ઊભાં રહે? એમની પૂંછડીએ તો ફટ ફટ ફટ થઈ રહ્યું હતું! એ વધુને વધુ કૂદકા મારતાં 'ગો અવે' થઈ ગયાં.

...અને તે સાથે જ કટોરાની આસપાસ બધા જ ઉંદરડા,  ઠેડુકડી અને અને ઉંદરડું ગોઠવાઈ ગયાં!