Get The App

આરબ અને ઊંટ .

- રણ જેવા રણ પ્રદેશમાં આખું તંબુનગર તૈયાર મળે, પછી ચીનાઓ તે કંઈ છોડે ?

- ઊંટના ઊંટ અને લૂંટની લૂંટ તો ખરી જ ઉપરથી ખાવા પીવાનું તૈયાર, આવી જાય યાર

Updated: Jun 19th, 2020

GS TEAM

Google News
Google News
આરબ અને ઊંટ          . 1 - image

- છેવટે પ્રજાજનોને થયું કે જે ઊંટોએ આપણાં દેશ ચીનનો વિકાસ કર્યો છે. તેના દર્શન કરતા જઈએ. સ્વદેશાભિમાનીથી વળી ચઢિયાતું કોણ છે? તેઓ જ આપણાં દેવ, તેઓ જ આપણી દિશા, તેમની જ કૃપાથી વિકાસ વિલાસ અભિમાન આગળ વધે છે


ઊં ટ અને આરબની વાર્તા તમે જાણો છો. મૂળ વાર્તા ચીનની છે.

પણ કોરોનાની જેમ દુનિયાભરમાં ફેલાતા ફેલાતા એમાં ઘણો ફેર પડી ગયો.

મૂળ ચીની વાર્તા આ પ્રમાણે છે.

રણમાં દિવસે તાપ પડે. રાતના ટાઢ પડે. તાપ ધમધોકાર પડે. રાત વળી એથીય ઠંડી પડે. આરબ તો તંબૂમાં સૂતો. પણ ઊંટનું શું ? થોડીક રાત ગઈ હશે અને ઊંટ કહે : ચાઉ, મારો આગળનો એક પગ બહુ ઠંડો થઈ ગયો છે. જરાક આરબ કંઈ કહે તે પહેલાં ઊંટે આગળનો એક પગ તંબૂમાં ખોસી દીધો.

સારૂં લાગ્યું હશે !

વળી અમુક સમય પસાર થયો અને ઊંટ કહે : 'ચાઉ, એક પગને રાહત થઈ, પણ આ બીજો પગ એવો ઠરી જાય છે ને !'

આરબ હા કે ના કહે, તેની કોણ પરવા જ કરે છે ? ઊંટે બીજો પગ તંબૂમાં ગોઠવી દીધો.

રાત આગળ વધે તેમ ટાઢ તો વધે જ ને ! આ મારી ગરદન બરફ બની ગઈ છે. જો ગરદન ..

તંબૂમાં ગરદન ઘૂસાડી જ દીધી.

આરબે જરૂર અરરર કે ફરરર કર્યું હશે !

પણ ઊંટની ટાઢ વધતી ગઈ.

તે કહે : 'ચાઉ, ગરદનને હૂંફ મળી હં ! પણ આ મારો દેહ- બરફનું ચોસલું જ બની ગયો લાગે છે. કાલે કદાચ જવાશે નહિ.'

આરબ ઊંઘમાં હશે કે ઊંઘ ઊડી ગઈ હશે ! ઊંટનું અડધું શરીર તંબૂમાં આવી જ ગયું.

પણ પાછળના દેહને તો ઠંડો પવન હેરાન કરે જ ને !

ઊંટ કહે : 'આગળના પગની જેમ જો પાછળના પગ તંબૂમાં રહે...'

રહ્યા જ.

અને એ જ રીતે આખું ઊંટ તંબૂમાં પ્રવેશી ગયું. હવે તંબૂમાં ઊંટ હોય પછી આરબને માટે જગા રહે ખરી ?

તે કહે : 'ઊંટ, તે તો મારો આખો તંબૂ જ લઇ લીધો ! મારે ય શાંતિથી સૂવા માટે થોડીક જગા જોઈએ કે નહિ ! તું તો એવું કરે છે કે જાણે તંબૂ તારો છે...'

ઊંટ કહે : 'તે બરાબર છે. તંબૂ મારો જ છે.

આરબ કહે : અલ્યા એક પગ મૂકવા દીધો તેના બદલામાં કહે છે કે તંબૂ તારો છે ?

ઊંટ કહે : 'મારો છે અને તંબૂ મારો જ છે, તમને નહિ ફાવતું હોયતો હું મારે આ ચાલ્યો, તંબૂ લઈને !'

છત્રીની જેમ તંબૂ માથે ઓઢીને ઊંટ તો ચાલવા માંડયું.

ઊઘાડો પડેલો આરબ પાછળ દોડયો : ' એ ઊંટ, એ ઊંટ..'

ઊંટે કહી દીધું, 'ગમે તેટલો પાછળ પડશે ચાઉ, પણ તંબૂ તને નહિ મળે, તે નહિ જ મળે. તંબૂ મારો છે એટલે મારો જ છે. તને એક પગ પણ અંદર મૂકવા નહિ દઉં.'

એટલું કહીને તંબૂધારી ઊંટ પૂર ઝડપથી પલાયન થઈ ગયો.

કડકડતી ટાઢમાં આરબનું શું થયું ? તે પૂછશો નહિ.

આ બાજુ એક સરસ જગા જોઈને ઊંટે તંબૂ સજાવ્યો. પૂરી મોજથી તેણે તેમાં આરામ ફરમાવ્યો.

બહાર ટાઢ હોય અંદર હૂંફ હોય ! તો ઊંઘ આવે જ આવે જ.

પણ એટલામાં બીજા કોઈ આરબની સવારી આવી. તેની પાસે ય ઊંટ ખરૂં જ.

તે ઊંટ કહે : 'ભઇલા, આખો તંબૂ તારો ? આરબ ક્યાં ગયો તારો ?'

ઊંટે પેલા બીજા ઊંટને કહ્યું : 'આરબને ભગાડી જ મૂકવાનો હોય ! આપણે જો હૂંફ જોઈતી હોય તો...'

બધી યુક્તિ તેણે બીજા ઊંટને પ્રત્યક્ષ કહી બતાવી.

બીજા ઊંટે પણ તેમ જ કર્યું.

બે આરબ રખડી ગયા.

બે ઊંટ તંબૂવાળા થઈ ગયા.

આગળ જતાં વળી ત્રીજા આરબનું આગમન થયું. તેના ઊંટને પણ પાઠ શીખવી દેવામાં આવ્યો.

ત્રણ ઊંટ, ત્રણ તંબૂઓ, ત્રણ છત્રીધારીઓ એ જાય દોડયા.

એમ કરતાં એક જગાએ આખું તંબૂનગર વસી ગયું. એ નગરનું નામ આપી દેવામાં આવ્યું : 'ઊંટાં નગર.'

આગળ જતાં તે ઊં-ટાં-ગ નગર બની ગયું. બધો પ્રતાપ એ બધો પ્રદેશ ચીનનો બની ગયો કેમકે ઊંટની ...નોજ હતો તે ! મૂળ ઊંટ ચીનના હતા.

તૈયાર તંબૂઓવાળું નગર મળે એટલે લોકો આવ્યા વગર રહે ? ચીનાઓ આવી આવીને ભેગા થવા લાગ્યા. પગપેસારો જ નહિ. તંબૂનગર જ આખું પચાવી પાડયું.

પ્રશ્ન થયો હવે, ચીની નાગરિકોનો ખાવા પીવાનો.

શોધવુ અને ખાખા-ખોળા કરવું, એ તો ચીનાઓનો મૂળ સ્વભાવ જ.

અગાઉ જયાં પહેલા બીજા ત્રીજા આરબોનાં તંબૂ હતા ત્યાં અત્યારે હાડપિંજરો પડેલા હતાં.

કેમ કે રણમાંય શિયાળ, વરૂ, જરખ, ઊંદર, બિલાડા જેવા કંઈક હિંસાખોરો હોય છે જ. તે બધાએ આ આરબોને આહાર બનાવી દીધો.

હવે અહીં ખાવા મળ્યું એટલે એ હિંસાખોરો અહીં જ વસી પડયા. તેમાં વળી માખી, મચ્છર, કરોળિયા, જાતજાતનાં મુડદાખાઉ કિટાણું વિષાણુઓ તો પધારે જ ને !

નવા તંબૂનગરમાં વસેલા ચીની નાગરિકોને તો આ તમામ નાના મોટા પશુઓનો આહાર મળી ગયો. તેમને તો આ કે તે, એમાં ક્યાં ફરક હતો ? અરે વંદા કંસારી તમારાંય ખોરાક જ કહેવાયને !

આ રીતે ચીની વિસ્તાર વધતો જ ગયો, વિસ્તરતો જ ગયો. અને કદાચ એટલે જ પેલા છૂપા કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયા હશે !

મૂળ વાર્તામાં ચાઉસ હતો, તે વાસ્તવમાં ચા-ઉ હતો. અને ઊંટ હતું તે ઊં-ઠ્ઠ હતું !

હવે આટલું મોટું દેશનું કામ કર્યું હોય, દેશની સરહદ, સીમાનો વિકાસ કર્યો હોય, અરે સાવ અજાણ્યા રણમાં ખણખણતી દુનિયા વિકસાવી હોય, તેનું સન્માન- બહુમાન તો થવું જ જોઈએ ને !

ચીની સરકારે જાહેર કર્યું કે જે ઊંટોએ ઉ-ઠ્ઠા કે ઊંઠ્ઠા ભૂમિ વિકસાવી છે, તેમનું જાહેર સ્વાગત થવું જોઈએ. એ દેશદાઝી દેશસેવકોને માન-પાન ઇનામ- અકરામ, ખિતાબ- ઇલ્કાબો આપવા જ જોઈએ.

સ્વદેશમાં ભવ્ય મેળાવડો યોજાયો. રાજયભરના તમામ પ્રજાજનોને આમંત્રણ અપાયું. પ્રસંગ હતો. ખાણી પીણીના જલસે- જલસા.પધારો! પધારો ! પધારો !

હકડે છઠ્ઠ લોકો પધાર્યા. કોઈ ચીની નાગરિક બાકી નહિ.

મોટા મોટા ભાષણો થયા. ધન્યવાદોનો પાર નહિ. માત્ર ઊંટો જ નહિ,તેમની સમસ્ત ઊંટ જાતિનું ગાજતું વાજતું બહુમાન કરવામાં આવ્યું.

ઊંટ જેવા બધા જ બનો

ઊંટની જેમ પ્રગતિ કરો

ઊંટની જેમ દિશાઓ શોધો

ઊંટની જેમ ભૂમિઓ શોધો.

ગાણાં ગવાયા, ઉખાણાં વવાયા, ધજાઓ ફરફરી, વાજાં વાગ્યા, જયજયકાર થયો ઊંટોનો.

પણ બધાં ભોજનની રાહ જોતા હતા.

મોડું થયું. આવા સમયે તો ભોજનનું મોડું જ થાયને !

પછી ચૂલાઓ સળગ્યા. તાપ થયો. સ્વાદિષ્ટ સૂપ અને ખાણાંની સુગંધો ફેલાઈ રહી. બધાં જમ્યા. બધાન.

છેવટે પ્રજાજનોને થયું કે જે ઊંટોએ આપણાં દેશ ચીનનો વિકાસ કર્યો છે. તેના દર્શન કરતા જઈએ. સ્વદેશાભિમાનીથી વળી ચઢિયાતું કોણ છે ? તેઓ જ આપણાં દેવ, તેઓ જ આપણી દિશા, તેમની જ કૃપાથી વિકાસ વિલાસ અભિમાન આગળ વધે છે.

સહુએ તે ઊંટદેવોની શોધવાની જહેમત ઉઠાવી. બધાં આમ દોડયા અને તેમ દોડયા. આજુથી જોયું, બાજુથી જોયું. નજીકથી જોયું, દૂરથી જોયું.

પણ કયાંય તે વિકાસવીરો, સ્વાતંત્ર્યવીરો, નવીદિશાવીરો, નવી દુનિયા વસાવનારાઓ ચીન દેશને કાયમી મહાનતા બક્ષી જનારા બક્ષીઓ ન હતા.

ક્યાંય ન હતા.

શોધ્યા જડે તેમ જ ન હતા.

કોણ જાણે કેમ, બધાંએ એટલો સૂપ પીધો હતો, એટલું સ્વાદિષ્ટ ભોજન કર્યું હતું કે બધાંને ઓડકાર ઉપર ઓડકાર આવતા હતા.

તેઓ જ્યારે એ પરમવીર ઊંટોને નમન વંદન કરવા મોટેથી હાંક મારતાં, તેમનો જયજયકાર કરીને તેમને બોલાવતાં, ત્યારે...

હા, ત્યારે તે તમામને ઓડકાર જરૂર આવતાં. એ ઓડકારનો ધ્વનિ એવો હતો જાણે એ ઓડકાર દ્વારા જ ઊંટો જવાબ આપતા હતા.

ગાંધીજીનાં ત્રણ વાંદરા હતા. તેમ જ એ ઊં-ટાં-ગ તંબૂનગરના દ્વારે ત્રણ ઊંટની પ્રતિમાં મૂકવાનું નક્કી થયું પિરામિડોની હરોળની જેમ અહીં તંબૂઓ જ તંબૂ ઊભા થઈ ગયા હતા ! અને પિરામિડનું રક્ષણ જેમ પેલી નાક વગરની દેવી સ્પીંકસ કરતી હતી, તેમ જ ત્રણ ઊંટો અહીં ઉભા હતા. પિરામિડ ભૂલી જાવ, સ્પીંકસ ભૂલી જાવ, આ તંબૂનગર અને તેની બહાર ઉભેલા ઊંટો કે ઊંટોની પ્રતિમા એટલી જોરદાર હતી કે, માત્ર સમર્પિતોનું જ શિલ્પ તેવું અલભ્ય અને અદ્ભુત હોઈ શકે !

કહે છે કે.. સમય જતાં ભાવિજનો પેલા પિરામિડ, સ્પીંકેસ, આરબ, ફેરા- રાજ્યોને ભૂલવા લાગ્યા હતા.

તેમને ભૂલાવવાના જ હતા.

અને ભાવિના વિદ્યાર્થીઓ હવે ઊં-ટાં-ગ તંબૂનગરનો ઇતિહાસ જાણે છે અને તેમના પાઠય પુસ્તકો પર ત્રણ ઊંટોની પ્રતિમા પ્રસ્થાપિત થયેલી હોય છે.

એ ત્રણ ઊંટ આરબોના હતા કે આરબો એ ત્રણ ઊંટનાં હતાં. એ વાત હવે ભૂલાઈ જ ગઈ છે. જમાનો જૂનો થઈ ગયોે છે. હવે પછીના પાઠય પુસ્તકોના પાઠોમાં ત્રણ ઊંટોની કથા, ત્રણ ઊંટોની નાટય રચના, ત્રણ ઊંટોની લઘુ-ગુરૂ કાવ્ય રચના જ જોવા મળે છે ! ચાહે નમૂના દેખલો.

A Camel is A Chinese Beast

A Camel Was Born in East

A Camel Was Pyramids Priest

A Camel Was China¥s Confuschrist

આરબ અને ઊંટની આ છે ટ્રાફીક કથા ન્ચેયર દબાવતી આ છે ગ્રાફીક કથા

વાંકાજ છીએ શું કરી લેશો ?

વાંકાં એટલે જ બાંકા

સાચું બોલવું નહિ

સાચું જોવું નહિ  

સાચું સાંભળવું નહિ

પહેલાં પેશ કરો

પછી પ્રવેશ કરો

પછી મારો ધક્કો

હા,હા,તમારૂં જ છે

આપણું છે

મારૂં જ છે.

પહેલાં દયા દાખવો

પછી રાવ દાખવો  

પછી દાવ દાખવો

બોલ્યું ભૂલો

હાલ્યું ભૂલો

ચાલ્યું ભૂલો

પહેલાં પગ પેસારો

પછી માથું પેસારો

પછી કાયા પેસારો

આપણે દોસ્ત છીએ

આપણે દોસ્ત છીએ

ચાલો ખસીએ

તમે ખસો

અમારે વળી ખસવાનું કેવું ?

૧૦ અઢાર વાંકા

હા,તે શું છે ?

એ ૧૮ તો માત્ર બહારના જ છે.

ભૂલો ભારતના બંદર, 

આવો ઊંટના તંબૂની અંદર

તમે બોધનાં બંદર, 

અમે ફાટકૂટિયા કલંદર