અનુકરણ એ મરણ .
શે ઠ સાથે વિવેક બુદ્ધિ વાપરી નીતિથી શાણપણથી વર્તવું પડે. નહિ તો દેખાદેખી બીજાની જેમ અનુકરણ કરવા જઇએ તો પાણીચું મળી જાય.
અતો, ફતો અને રતો ત્રણે મિત્રોહતા. નોકરી માટે શહેરમાં ગયા. ત્રણે જુદે જુદે સ્થળે નોકરીએ રહ્યા.એક દિવસ ત્રણે મિત્રો અતાને ત્યાં ભેગા થયા. શેઠ બહારથી આવ્યા. અતાને ચા મૂકવા જણાવ્યું. અતાએ શેઠને ખખડાવી નાખ્યા. મહેમાન આવ્યા છે દેખતા નથી, ઉતાવળ હોય તો જાતે બનાવી લો. રતો બોલ્યો, આ તું શું બોલે છે. 'શેઠિયાઓને તો તતડાવી નાખવા પડે.' એકવાર અતો અને રતો ફતાને મળવા ગયા. શેઠાણીએ બજારથી શાક લઇ આવવા ફતાને કહ્યું, ફતાએ શેઠાણીને રૂઆબથી કહ્યું, જોતાં નથી મારા મિત્રો આવ્યા છે. જાતે જઇને લઇ આવો. ગરબડ કરતાં નહિ.
અતો અને ફતો આસાનીથી રહે છે મારે તો શેઠની વેઠ કરવી પડે છે. ત્રીજીવાર અતો ને ફતો રતાને ત્યાં મળ્યા. શેઠે અતાને કામ બતાવ્યું. રતો પેલા બેની જેમ શેઠને બોલ્યો, દેખતા નથી મારા મિત્રો મળવા આવ્યા છે. સાંભળતાં જ શેઠનો પિત્તો ગયો. નોકરીમાંથી પાણીચું આપી દીધું.
અતો ફતો રતાને સમજાવવા લાગ્યા. નોકરી દાદાગીરીથી નહિ નરમાશથી કરાય. રતો નહિ ઘરનો નહિ ઘાટનો બની ગયો. હાથના કર્યા હૈયે વાગ્યા. રતાએ પેલા બેને કહ્યું તમે બે જણે પણ શેઠ સામે જો હુક્મી નહોતી કરી ? અતો બોલ્યો, મારા શેઠે પડોશીને ઘેર ચોરી કરેલ હું દેખી ગયેલ ત્યારથી તે મારાથી ગભરાય છે. તેથી હું તો બોલી શકું. ફતાએ કહ્યું, ભાઈ રતા, મારાં શેઠાણી તો સાંભળતાં જ નથી. મારું બોલેલ સાંભળે તો ને ?
બીજાએ આમ કર્યું હું પણ તેમ કરું તે કેમ ચાલે ? આંધળુ અનુકરણ થાય નહિ. પરિસ્થિતિનો ખ્યાલ રાખવો પડે. જેનું ખાઈએ તેના થઇ રહીએ, નહિ તો નોકરીમાંથી જઇએ.
લગતી કહેવતો :
(૧) વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય
(૨) હાથનાં કર્યાં હૈએ વાગે
(૩) નહિ ઘરનો નહિ ઘાટનો.
- કાન્તિલાલ જો. પટેલ