અંકુરાની બાર્બી ડોલ .
- રમકડાંની દુકાનમાં દાદીમા નહોતાં, ને મીઠાઈની દુકાનમાં અંકુરા નહોતી! દાદીમા તો હાંફળાં-ફાંફળાં થઈને તેને શોધવા લાગ્યાં : 'અંકુરા, ઓ અંકુરા....! તું ક્યાં છે? ઓ મારી દીકરી, ક્યાં છે તું...?
- 'સાંકળચંદ પટેલ
ઝુબેદા ઢીંગલી લઈને આવી હતી. બૂમ પાડીને બોલી : 'અંકુરા, એઈ અંકુરા, જો તો આ...!'
'શું છે, ઝુબેદા?' બોલતી બોલતી અંકુરા ઓસરીમાં આવી.
ઝુબેદા કહે : 'મારી આ ઢીંગલી જો. મારા પપ્પા લાવ્યા છે, દુબઈથી.'
અંકુરાએ ઢીંગલીને હાથમાં લઈને જોઈ. કેવી સુંદર એની આંખો હતી! અને પગમાં બૂટ-મોજાં, બદન પર રેશમી વ્હાઈટ કાપડનો ઝૂલતો ડ્રેસ, માથામાં કાળા ભમ્મર રેશમિયા બોલ્ડ વાળ... 'વાહ! અતિ સુંદર!' અંકુરાથી બોલાઈ ગયું.
ઝુબેદા કહે : 'આનું નામ છે 'બાર્બી ડોલ. તે બોલે પણ છે અને નાચે પણ છે, જો..!'
એટલું કહીને ઝુબેદાએ બાર્બીને સામે જોરથી તાલી પાડી, એટલે બાર્બી આંખો ગોળ ગોળ ફેરવીને નાચવા લાગી.
એ જોઈને અંકુરાને તો મજા પડી ગઈ : 'વાહ! વાહ!'
ત્યાં તો ઢીંગલી ગાવા લાગી :
'બાર્બી ડોલ છે મારું નામ,
જગમાં ફરું હું ગામેગામ.'
અંકુરાને બાર્બી બહુ ગમી ગઈ હતી. તેણે દાદીને કહ્યું : 'મારે આવી ઢીંગલી લેવી છે, દાદીમા!'
દાદી કહે : 'લાવીશું.'
'ના, દાદીમા! એવું નહીં, મારે તો ઢીંગલી લાવવી જ છે!' હઠ કરતી હોય તેમ અંકુરાએ કહ્યું.
કોરોનામાં દાદી અને અંકુરા બે જ બચી ગયાં હતાં, તેથી દાદી તેને બહુ લાડ-પ્યારથી મોટી કરી રહ્યાં હતાં. તેઓ કહે : 'જો દીકરી, દસ દિવસ પછી પૂનમિયો મેળો ચાલે છે, તેમાંથી તારી ઢીંગલી લઈ લઈશું. બસ ને! હવે તો રાજી ને?'
અંકુરા થોડી રાજી થઈ. હસી પછી કહે : 'ભલે દાદીમા!'
એટલામાં પૂનમિયો મેળો આવી ગયો.
વહેલી સવારથી જ બાળકો મેળામાં જવાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. ઝુબેદા પપ્પાની સાથે મેળામાં જવાની હતી, તો અંકુરા દાદીમાની સાથે. કેટલાંક બાળકો તો મેળામાં પહોંચી ગયા પણ હતાં. અગિયાર થતાં થતાં તો ઠસોઠસ મેળો ભરાઈ ગયો હતો.
બાળકો બેફિકરાઈથી મેળાનો આનંદ માણી રહ્યાં હતા. કોઈ ચગડોળમાં બેઠાં હતાં, કોઈ મદારીનો ખેલ જોઈ રહ્યાં હતાં, તો કોઈ જાદુ જોઈ રહ્યાં હતાં. કોઈ મીઠાઈ ખાઈ રહ્યાં હતાં, તો કોઈ પાવો વગાડી રહ્યાં હતાં. ચોપાસ હલચલ થઈ રહી હતી.
અંકુરા દાદીની પાછળ પાછળ ચાલી રહી હતી. તેને ખાવા-પીવામાં કે ચગડોળમાં બેસવાનો રસ નહોતો. એ તો બાર્બી ડોલને શોધી રહી હતી. રમકડાંની એક દુકાન જોઈને તે તેની અંદર ઘૂસી ગઈ.
ઝુબેદા પણ તેના પપ્પાની સાથે એ જ દુકાનમાંથી ખરીદી કરી રહી હતી. સામે અંકુરાને જોઈને તે કહે : 'પપ્પા, તે મારી ફ્રેન્ડ છે, અંકુરા! તેને મારી ઢીંગલી જેવી જ બાર્બી ડોલ લેવી છે, એટલે એ એની દાદીની સાથે મેળામાં આવી છે.'
દુકાનમાં સુંદર સુંદર ઢીંગલીઓ હતી. એક બાર્બી ડોલ અંકુરાને ગમી ગઈ. તે હાથમાં લઈને તેણે પૂછયું : 'આના કેટલા પૈસા થશે?'
વેપારી કહે : 'સો રૂપિયાની છે!'
'દાદી, મારે આ બાર્બી ડોલ લેવી છે!' કહીને તે દાદીને શોધવા માટે આસપાસ નજર ફેરવવા લાગી. પરંતુ દાદી તો ત્યાં હતાં જ નહીં!
રમકડાંની દુકાનમાં અંકુરા ઘૂસી હતી, ત્યારે દાદી તો પાછળ જોયા વિના આગળને આગળ વધી રહ્યાં હતાં. અને અત્યારે મીઠાઈની એક દુકાનમાંથી અંકુરા માટે મીઠાઈ ખરીદી રહ્યાં હતાં, ને બબડી રહ્યાં હતાં : 'લે અંકુરા, તને જલેબી બહુ ભાવે છે ને! આજે તો ધરાઈને ખા. અડધો કિલો લીધી છે...!'
એમ કહીને તેમણે જોયું તો ત્યાં અંકુરા જ નહોતી! આ તે કેવી વિટંબણા! રમકડાંની દુકાનમાં દાદીમા નહોતાં, ને મીઠાઈની દુકાનમાં અંકુરા નહોતી! દાદીમા તો હાંફળાં-ફાંફળાં થઈને તેને શોધવા લાગ્યાં : 'અંકુરા, ઓ અંકુરા....! તું ક્યાં છે? ઓ મારી દીકરી, બોલ ને ! ક્યાં છે તું ....?'
પેલી બાજુ રમકડાંની દુકાનમાં દાદીમાને ન જોતાં તેણે બાર્બીને કાઉન્ટર ઉપર મૂકી દીધી ને તે 'દાદી...દાદી...' કરતી બહાર જવા લાગી.
બરાબર એ જ વખતે ઝુબેદાએ તેનો હાથ પકડીને કહ્યું : 'અંકુરા, જો આ મારા પપ્પા છે. તેઓ તને તારી દાદીમા પાસે લઈ જશે. તું ચાલ, અમારી સાથે.'
ઝુબેદાના પપ્પા કહે : 'અંકુરા બેટા, તું છાની રહી જા. આપણે હાલ જ તારી દાદીને શોધી કાઢીશું. ચાલ!'
એટલું કહીને તેઓ બધાં મેળાની ઓફિસના કંટ્રોલરૂમ પર પહોંચી ગયાં. ત્યાંથી એનાઉન્સર પાસે જાહેરાત કરાવી : 'અંકુરા નામની એક છોકરી મળી છે. તે આશરે નવ-દસ વર્ષની છે. તેની દાદીમાથી તે છૂટી પડી ગઈ હતી ને હાલ તે અહીં કંટ્રોલરૂમની ઓફિસે બેઠી છે. તે સહીસલામત છે. તેનાં દાદીમા જ્યાં હોય ત્યાંથી અહીં ઓફિસે આવી જાય.'
થોડીક જ વારમાં દાદીમા ઓફિસે પહોંચી ગયાં. એક રૂમમાં અંકુરા, ઝુબેદા અને તેના પપ્પા બધાં બેઠાં હતાં. દાદીમાને જોતાં જ અંકુરા તેમને વળગી પડી. પછી દાદીએ ઝુબેદા તથા તેના પપ્પાનો આભાર માન્યો.
હવે વાતાવરણ હળવું થયું હતું, એટલે દાદીએ મીઠાઈનું બોક્સ વચ્ચે મૂકીને કહ્યું : 'પહેલાં મીઠાઈ ખાઈને મોં મીઠું કરી લઈએ.'
બધાંએ મીઠાઈ ખાધી. છેલ્લે ઝુબેદાના પપ્પાએ કહ્યું : 'અંકુરા ઝુબેદાની ફ્રેન્ડ છે, અને મારી પણ દીકરી જેવી છે. મારે તેને એક નાનકડી ભેટ આપવી છે. દાદીમા તે સ્વીકારવાની રજા આપશે એવી મારી વિનંતી છે.'
એટલું કહીને ઝુબેદાના પપ્પાએ અંકુરાને એક બોક્સ આપ્યું. ભેટ જોઈને અંકુરા તો નાચવા-કૂદવા લાગી. 'હેઈ મારી બાર્બી, હેઈ મારી બાર્બી ડોલ, હેઈ મારી....'
અંકુરાને ખુશ જોઈને બધાંએ ખૂબ તાળીઓ પાડી. પછી બધાં આનંદ-ગમ્મત કરતાં કરતાં ઘર તરફ જવા માટે નીકળ્યાં.