- ગુરુ દ્રોણને એક સાથે બે અંગુઠા પજવવા લાગ્યા. પિતા દ્રોણે પ્રતિજ્ઞાા, કરી કે હું પુત્રને માટે દૂધની સગવડ કરીશ ત્યારે જ પાછો ફરીશ. દ્રુપદ રાજા બનતાં જ તેણે દ્રોણને જાકારો દીધો, ઓળખવાની ના પાડી દીધી
- દ્રોણે એક સાથે બે પ્રતિજ્ઞાા કરી હતી
- આ શું?દૂધ રતાશ ધારણ કરવા લાગ્યું અને...
- હરીશ નાયક
એકલવ્યના અંગુઠાની વાત તો તમે જાણો જ છો. એ અંગુઠો ગુરૂ દ્રોણે જીવની પેઠે સાચવ્યો હતો. એ અંગુઠો તેમને માટે એક અજંપાની વસ્તુ હતી. એ અંગુઠો જાતે ચેન લેતો ન હતો, તેમને ચેન લેવા દેતો ન હતો.
ગુરુ દ્રોણે જે પક્ષપાત કર્યો હતો એ પક્ષપાત તેમને પોતાને પરેશાન કરતો હતો. એક તો ભીલકુમાર એકલવ્યને તેમણે ભણાવ્યો ન હતો. તે ભણવા આવેલો, પણ તેને જાકારો આપીને તેની હિંમત તોડી પાડી હતી. કહો કે તેનું અપમાન કર્યું હતું. તે છતાં એ છોકરો તેમની માટીની મૂર્તિ બનાવી પોતાની મેળે ભણ્યો. તેના એ ભણતરમાં ગુરૂ તરીકે તેમનો પોતાનો કોઈ જ હાથ ન હતો. અને છતાં માત્ર અર્જુનને પક્ષપાત કરવા માટે જ તેમણે એકલવ્યનો અંગુઠો માગી લીધો હતો.
પોતે કરેલી ભૂલનો પશ્ચાતાપ મોટાઓને પણ થાય છે જ. પોતે કરેલા ભ્રષ્ટાચારની વ્યથા અપરંપાર હોય છે. જ્યારે તેઓ એકલા પડે છે ત્યારે આવા મોટા કહેવાતા મનવીઓ કે ગુરૂઓની એકાંત ક્ષણો ઘણી પીડાવાળી હોય છે.
ગુરૂદ્રોણને એકલવ્યનો અંગુઠો એ જ રીતે પરેશાન કરતો હતો એ છોકરાએ જો દક્ષિણા આપવાની ના પાડી દીધી હોત તો તેમનું નામ અને નાક રહી જાત. તેઓ દુનિયાને કહી શકત કે, મારે અંગુઠો જોઇતો જ ન હતો. હું તો માત્ર એની પરીક્ષા જ કરવા માગતો હતો પણ આ છોકરાએ તો એક ક્ષણમાં અંગુઠો કાપીને આપી જ દીધો. ગુરૂએ માગ્યો નથી, કે શિષ્યે તે આપ્યો નથી. એકલવ્ય એ રીતે એકલક્ષ્ય જ નહિ. એક વચનવાળો સાબિત થયો હતો, એક ટેકવાળો પૂરવાર થયો હતો.
અને...અંગુઠો સ્વીકારી ગુરૂદ્રોણને એક વાતની નિરાંત થઇ હતી કે હવે અર્જુનનો કોઈ હરીફ રહ્યો નથી, છતાં અંગુઠો તો તેમને પજવતો જ હતો તેમને એવું લાગતું હતું જાણે તેમનો પોતાનો અંગુઠો તૂટી પડયો છે અને અંગુઠા વગરનો એ હાથ બેસુમાર વેદના કરી રહ્યો છે.
એક રીતે અર્જુનને કે રાજકુમારોને હવે તરફેણ કરવાની ય કોઈ જરૂર ન હતી. શું આપ્યું હતું એ રાજવીઓએ...?
એ રાજવીઓ જૂઠા નહિ સાબિત થાય તેની શી ખાત્રી? રાજા વાજાને વાંદરા કદી કોઇના થયા છે કે થશે?
તેને યાદ આવ્યો એક રાજકુમાર, મહર્ષિ ભારદ્વાજના આશ્રમમાં તે જાતે પણ આવા રાજકુમારોની વચમાં જ ભણતા હતા. ત્યારે તેનું નામ દ્રોણ હતું અને એ રાજકુમાર હતો દ્રુપદ.
દ્રુપદ અને દ્રોણની દોસ્તી હતી કૃષ્ણ અને સુદામાની દોસ્તી જેવી જ એ દોસ્તી હતી. જીંદગીભર સાથે રહેવાના અને મિત્રોએ સોગંદ લીધા હતા.
પણ અભ્યાસ પૂરો થતાં રાજકુમાર દ્રુપદ તથા દ્રોણ છુટા પડયા. રાજકુમાર દ્રુપદે જતી વખતે કહ્યું : 'જિંદગીમાં જરૂર પડે મારી પાસે ચાલ્યો આવજે દ્રોણ !'
દ્રોણે પૂછ્યું : 'તું જાકારો તો નહિ આપે ને ! ગમેતેમ તોય તું હવે રાજા બનશે.'
'અરે અડધું રાજપાટ આપી દઈશ રાજકુમાર દ્રુપદે કહ્યું : 'દોસ્તીના નામ પર એટલું બલિદાન આપતાં વાંધો નહિ આવે.''
સમય પસાર થતો ગયો. બ્રાહ્મણ દ્રોણનું દુનિયામાં ક્યાંય ઠેકાણું ન પડયું. લગ્ન થયા. ઘરસંસાર વસાવ્યો. દેવના ચક્કર જેવો ભગવાને દીકરો દીધો. પણ દીકરા અશ્વત્થામાનું બાળપણ કસોટીએ ચઢ્યું. રમવા રમકડાં નહિ, ખાવા ધાન નહિ, એક દિવસ તે દૂધની લતે ચઢ્યો ત્યારે માતાએ લોટમાં પાણી રેડી તેને પાવા માંડયું.
લોટનું પાણી કંઇ દૂધ નથી બની શકતું. બાળક વધુ રડી ઊઠયો.
પત્નીએ પતિ સામે જોયું. અને પતિ દ્રોણ કમાવા માટે, રોજીરોટી મેળવવા માટે નીકળી પડયા. પાંચાલ નરેશ દ્રુપદરાય પાસે જતા તેમના પગ ઉપડતા ન હતાં. માગવું તેમને ગમતું ન હતું પણ હવે છૂટકો ન હતો. અને... દ્રુપદ તો તેમનો મિત્ર છે, જવામાં વાંધો શો? જતાં જે વાર એક ક્ષણમાં તેના ભવોભવના દુ:ખો દૂર કરી દેશે ગરીબાઈ તો રહેશે જ નહિ. કોઈક એવું કામ આપી દેશે કે જીંદગી ન્યાલ થઇ જશે. અશ્વત્થામાનું પછી લોટનું પાણી નહિ પીવું પડે, બસ તેને માટે દિવસમાં દશ વખત પીવા માટે દૂધ જ દૂધ હાજર રહેશે.
તે ઉમળકાથી અને હોંશથી, ઉત્સાહથી અને ઉત્તેજનાથી પાંચાલ નરેશ દ્રુપદરાયને મળ્યા.
પહેલાં તો દરવાને દાખલ થવા જ દીધા નહિ. પછી કહેવામાં આવ્યું કે મહારાજા ચોપાટ રમે છે. બેસો.
દ્રોણની ધીરજ રહી નહિ. એક વખત દ્રુપદ મને જોઈ જશે તો જરૂર ઓળખી જશે. એમ વિચારી તે સીધા અંત: પુરમાં ધસી ગયાં.
દ્રુપદે, તેના બાળસખા દ્રુપદે તેને જોયો. જેણે એક વખત વચન આપ્યું હતું કે 'સંકટના સમયે આ સાથીને યાદ કરજે' એ સાથીએ તેને જોયો.
પણ ઓળખ્યો નહિ. ક્યાંથી ઓળખે? હવે તે મહારાજાધિરાજ દ્રુપદરાય હતા. તેમણે નજર ફેરવી લઇ દરવાનને કહ્યું : કોણે આ મહાશયને અહીં સુધી આવવા દીધા? એને કંઇક આપીને વિદાય કરો. દેખાતુ નથી અમારી રમત કેવી જામી છે તે ! જાવ અમારી રમતમાં ખલેલ પડે તે પહેલાં જ...
અને દોસ્ત કહેવાતા રાજવી પદે એક દિશામાં અંગુઠો દાખવ્યો. દ્રોણને ચાલ્યા જવા માટેની તથા દરવાનોને એને લઇ જવા માટેની એ સુચના હતી. દ્રોણ પછી ગયા નહિ. તેમણે દ્રુપદને બાળપણની મૈત્રી યાદ અપાવી. એક પછી એક અનેક પ્રસંગો કહી સંભળાવ્યા. આપણે બે જણ સાથે ભણ્યા તને સાંભરે રે... દ્રોણે કહ્યું.
'જાવ મહારાજ !' રાજવી દ્રુપદે કહ્યું : નાહક અમારો દાવ બગાડો નહિ. બાળપણમાં તો આપણે કંઇક વચનો આપી દેતાં હોઇએ છીએ. એ તો બધી થઇ નાદાનિયતની વાત. એવા વચનો જો મોટા થઇને પાળવા બેસીએ તો ન રહે રાજ ન રહે પાટ.
ગુરુ દ્રોણ સમસમી ઉઠયા. તેમણે શિખા બાંધી. પ્રતિજ્ઞાા કરી કે 'દ્રુપદ ! હું તને જોઈ લઈશ. મારા આ અપમાનનો બદલો હું લઇને રહીશ. તને ફરીથી દોસ્તીના પાઠ ન શીખવાડું તો મારૃં નામ દ્રોણ નહિ.'
બ્રાહ્મણની પ્રતિજ્ઞાા હતી. ગરીબાઈનું ઝનુન હતું. વિપત્તિના દિવસો હતા. દ્રોણને ત્યાંથી જે જાકારો મળ્યો તેની વ્યથા વર્ણવવી શક્ય ન હતી.
સુક્કા હોઠ ઉપર દ્રોણ જીભ ફેરવતા હતા. પણ જીભ પાછી ફરતી હતી. પુત્ર અશ્વત્થામાનાં હોઠ પણ એવા જ સુક્કા રહ્યા હતા. સુક્કા લાકડાં ! ભડકે બળે તેમ તેમનું હૈયું હાહાકારા કરતું ભડભડ ભડકે બળતું હતું.
એ ભડકે બળતે હૈયે તેમણે ધમાધમ ચાલવા માંડયું. પેલા રાજવી દ્રુપદનો અંગુઠો તેમને લ્હાય લગાડતો હતો.
અત્યારે એકલવ્યના અંગુઠાએ તેમને એજ અંગુઠાની યાદ તાજી કરાવી. પણ યાદ આવી તો આવતી જ રહી.
દ્રુપદને ત્યાંથી અપમાનિત થેયલા દ્રોણે ઊધું ઘાલીને ચાલવા માંડયું. તેમણે એક સાથે બે પ્રતિજ્ઞાા કરી હતી : 'એક તો દ્રુપદને સીધો કરીશ બીજું, અશ્વત્થામા માટે દુધની સગવડ કરીને જ પાછો ફરીશ નહિ તો મા દીકરાને મારૃં ગરીબ મોઢું નહિ બતાવું.'
ત્યાર બાદ વિષાદ અને રોષના કંઇ કેટલાય દિવસો કાપીને દ્રોણ હસ્તીનાપુર આવ્યા.
અહીં કેવો અનુભવ થયો એની તો ખબર નથી, પણ સંજોગવશાત ્ રાજકુમારો ગેડી-દડે રમતા હતા. તેમનો દડો કુવામાં પડી ગયો, સંજોગવશાત ્ દ્રોણ એજ મોકા પર ત્યાં પહોંચી ગયા. રાજકુમારોની વિનંતીથી તેમણે દોરી બાંધેલું તીર માર્યું. તીર કુવા હેઠળ બેઠેલા દડાને વીંધી ગયું. દડો વીંધાતાં જ સાથેની દોરી વડે દ્રોણે દડો બહાર ખેંચી કાઢ્યો.
રાજકુમારો આથી ખુશ થઈ ગયા. તેઓ દ્રોણને રાજમહેલમાં લઈ ગયા. ત્યાં રાજકુમારોને ભણાવવાનું કામ તેમને સોંપવામાં આવ્યું.
દ્રોણ આ રીતે ગુરૂદ્રોણ બન્યા આશ્રમ વિકસ્યો. ગુરૂ દ્રોણ દ્રોણાચાર્ય બન્યા.
અત્યારે તેમના હાથમાં એકલવ્યનો અંગુઠો હતો. એ અંગુઠો તેમને જાતજાતની વાતો કહેતો હતો.
એક વાત એ હતી કે ગરીબોને ભણાવવાથી ગરીબ જ રહેવાશે. ગરીબી કદી અશ્વત્થામાને દૂધ નહિ આપી શકે. એ દૂધ તેમણે પણ મુશ્કેલી અને પરિશ્રમ પછી અને ભાગ્યને લીધે મેળવ્યું હતું. એ દૂધ તેઓ પાછું કદી નહિ ઠેલે.
બીજું રાજા દ્રુપદને સીધો કરવાનો હતો. એ માટે જ તે અર્જુન, કર્ણ, દુર્યોધન, ભીમ વગેરે બધા રાજકુમારોને તૈયાર કરતો હતો. રાજા દ્રુપદને ભીલો નહિ સીધા કરી શકે, એ માટે તો રાજકુમારો જ જોઈશે. રાજકુમારોને એટલે જ આગળ વધારવા જરૂરી છે.
આ પાંડુપુત્રોએ અને કુરૂપુત્રોએ તથા આ રાજવીઓએ જ તેના પુત્ર અશ્વત્થામાને દૂધ આપ્યું છે. તેમને આગળ વધારવા એ તેમની ફરજ છે.
હાથમાં એકલવ્યનો અંગુઠો હતો. અને જાણે કે ન્યાય તેમનો પક્ષપાત કરતો હતો. ભીલકુમારને જાકારો દીધો એમાં કંઈ ખોટું નથી કર્યું. જેણે આપણને સ્થાન આપ્યું છે તેમને ઊંચા સ્થાને ગોઠવવામાં જે કંઈ થઈ શકે તે કરવું એમાં કંઈ જ અયોગ્ય નથી.
એકલવ્યનો અંગુઠો પોતે સ્વીકાર્યો, એ જાણે કે ડહાપણનું કામ કર્યું છે, એવું તેમને લાગ્યું.
જોકે ફરીથી પ્રશ્ન તો થયો જ.
શું આ રાજકુમારો દ્રુપદની જેમ દગાખોર કે દ્રોહી નહિ સાબિત થાય તેની શી ખાત્રી?
શું આ રાજકુમારો અંદરો અંદર લડીને છૂટા પડી જાય, પાંડવપુત્રો અને કુરૂપુત્રોના બે પક્ષો પડી જાય અને બંને પક્ષના કુમારો તેને ભૂલી જાય તો...? આજે જેઓ ગુરૂ ગુરૂ અને આચાર્ય આચાર્ય કરે છે તેઓ જ કાલે દ્રુપદની જેમ લાતાચાર નહિ કરે એની શી ખાત્રી?
ગુરૂ દ્રોણ ઘડીમાં ઉત્સાહમાં આવી જતાં તો ઘડીમાં શોકમાં વિહ્વળ બની જતાં. તેમને થતું કે તેમણે એકલવ્યને નાહકનો દુ:ખી કર્યો છે. પોતાની એવી દશા હતી એવી જ એકલવ્યની તેમણે બનાવી દીધી છે. પોતાનામાં તમામ શક્તિ હતી તે છતાં તેમને માર્યા માર્યા ફરવું પડતું હતું, ભીખ માગવી પડતી હતી, તેવી જ રીતે એકલવ્યનું થઈ રહેશે. બિચારા અપાર અને અમાપ શક્તિવાળા એ બાળકની તમામ શક્તિ હણી લીધી હતી. શ્રેષ્ઠતાના શિખર પરથી તેને ભીખારીની દશામાં તેમણે લાવી મૂક્યો હતો. તેની સુપાત્રતા હણી લીધી હતી.
આવી આંતરવ્યથાથી ગુરૂ દ્રોણ હેરાન પરેશાન થઈ ઉઠયા. તેઓ પોકારી ઊઠયા : 'ભલે એનું જે થયું તે થયું. મારે ગરીબ નથી રહેવું, ગરીબ નથી બનવું. મારાથી અશ્વત્થામાને લોટ પીતાં નથી જોઈ શકાતો. મારે રાજવીઓના ગુરૂ બની રહેવું છે. મારે દ્રુપદને સીધો કરવો છે. મારે સાધન સંપન્ન અને સ્થિતિ પ્રાપ્ત રહેવું છે. એ માટે હું રાજકુમારો તરફ ધ્યાન આપીશ. તેમને આગળ વધારવાના પ્રયાસો કરીશ. એ માટે જો કોઈક ઠેકાણે પક્ષપાત થતો હોય તો પક્ષપાત પણ...'
અંગુઠો તેમણે પાછો પુજાના સ્થાને મૂકી દીધો. એ અંગુઠો તેમને પરેશાન કરતો હતો. એક વખત તો થયું કે એ અંગુઠો તે ફેંકી દે. પણ તેમ કરતાં તેમના હાથ ધુ્રજી ગયા. એક અન્યાય પર બીજો અન્યાય નથી થતો. એ એક પ્રહાર પર બીજો પ્રહાર કરતાં વિચારશીલ મન જરૂર દ્વિધામાં પડે છે.
તેમને આ અંગુઠાએ એટલા તો પજવ્યા કે તેમનાથી બૂમ પડાઈ ગઈ : 'અર્જુન !'
અર્જુનને બદલે અશ્વત્થામાં દોડી આવ્યો. તેમના એ પુત્રને હવે દૂધ મળતું હતું. તેના દેહ પર એ દૂધનું સત્વ દેખાતું પણ હતું. એ હવે મોટો થયો હતો. તંદુરસ્ત, સ્વસ્થ અને સોહામણો થયો હતો. તેનો દેહ જોવા જેવો બન્યો હતો.
પોતાના પુત્રનું સૌંદર્ય ગુરૂદ્રોણ નીરખી રહ્યા ઘડીભર તેમણે આંખ મીંચી.
આંખ મીચીને જોયું કે પુત્રને વધુને વધુ દુધ મળે છે. રાજવીઓ ઘડે ઘડા દૂધ રેડે છે અને પુત્ર ખુશખુશાલ હૈયે મોઢું પહોળું કરી એ દૂધ પીએ છે.
પુત્ર ખુશ છે. તેના મોઢામાં દૂધની જાડી મોટી ધાર નદીના વહેણની જેમ દાખલ થાય છે. ધીરે ધીરે દુધનો રંગ બદલાવા લાગ્યો. ધોળું દુધ પીળાશ ધારણ કરવા લાગ્યું. દૂધ કેસરીયા બન્યું. તેમાં બદામ, પીસ્તા, ચારોલી, એલચીનો થર વરતાવા લાગ્યો.
કેસરીયા દુધનાં રેલા સમૃદ્ધિનાં પ્રતિક હતા. ગુરૂ રાજકુમારોને સર્વશ્રેષ્ઠ પાઠો શીખવાડી સમૃદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા હતા. એજ રાજકુમારો આવતીકાલના રાજવીઓ છે. એ રાજવીઓ તેમને ગુરૂના ગુરૂ કહેશે. આચાર્યના આચાર્ય તરીકે બિરદાવશે.
સમૃદ્ધિ વધતી જ જશે. દુધ વધુ ઘટ્ટ બનતું ગયું. વધુ કેસરીયો રંગ ધારણ કરતું જ ગયું.
એકાએક આ શું? દૂધ રતાશ ધારણ કરવા લાગ્યું અને પછી એકદમ રાતું ચોળ બની ગયું એક બાજું પીળું અને એક બાજુ ઘટ્ટ લાલ.
એકલવ્યના મોઢામાં ગંગા જમના જેવા એ દ્વિ-પ્રવાહી દાખલ થવા લાગ્યા. બંને પ્રવાહી ઘટ્ટ અને જાડા હતા.
કેસરિયા રંગનું પ્રવાહી તો જાણે કે દૂધ હતું પણ આ લાલ ઘટ્ટ રંગ શેનો છે...?
ઓહ ! અરે ! આ શું? આ તો એકલવ્યના અંગુઠાનું પ્રવાહી એકલવ્યનો અંગુઠો કપાતાં જે લાલ ઘટ્ટ જાડુ લોહી વહેતું હતું એ જ દૂધ સાથે અશ્વત્થામાં મોઢામાં...
'મોઢું બંધ કર અશ્વત્થામાં...' ગુરૂ દ્રોણે જોરથી પોકર કર્યો.
અશ્વત્થામાં કહે : મારૃં મોઢું તો બંધ જ છે બાપુ !
ગુરૂ દ્રોણની આંખો ઊઘડી ગઈ. તેઓ ચમક્યા. બાવરા બન્યા. તેમને સ્વસ્થ થતાં પણ જરાક વાર લાગી.
પુત્ર અશ્વત્થામાં તો પૂછ્યું પણ ખરૃં : શું થયું બાપુ?
'કંઈ નહિ બેટા કંઈ નહિ' 'દ્રોણચાર્યે કહ્યું 'જા જરા અર્જુનને બોલાવ ! અને તમામ બાળવીરોને સુચના આપ કે તેમને ધનુર્વિધામાં જવાનું છે. સ્પર્ધા માટે તૈયારી કરવાની છે માટે તેઓ ધ્યાન આપીને અભ્યાસ શરૂ કરે.''
'જેવી આજ્ઞાા' કહીને અશ્વત્થામાં બહાર દોડી ગયો. ત્યારે ગુરૂદ્રોણની આંખ આગળથી હજી પેલું કેસરીયા મિશ્રિત લાલ પ્રવાહી દૂર થતું નહતું. આંખ ઉપર જાણે કે લાલ ઝાંખપ આવી જતી હતી. કોઈ લાલ લાલ પ્રકાશના ચટ્ટાપટ્ટાથી આંખો મીંચાઈ જતી હતી.
અને પછી... (વધુ આવતા અંકે)


