Get The App

અને...હાથીભાઈએ ઇસ્ત્રી કરી .

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
અને...હાથીભાઈએ ઇસ્ત્રી કરી                                 . 1 - image

- 'હા!' પિંગુએ અકક્ડ ગરદન રાખીને કહ્યું - 'આજે મારા પાટલૂનની આ કડક ઇસ્ત્રી હાથીએ કરી આપી છે !'

- હાથી આવ્યો નવા જમાને, કરવા લાગ્યો ઇસ્ત્રી

કપડાં કીરા કડકડ રાખે, એ કપડાંને મિસ્ત્રી

- હાથી એવો કહ્યાગરો કે કામ બધું યે કરતો ટક્કર મારે ખટારાને તો ખાડામાં જઈ તે પડતો

- 'આ અમારા હાથીભાઈ, એનું નામ રામુ'

- ટેબલના તો ચારે પાયા કડડડ ભૂસ્સ!

- હરીશ નાયક

ટિંગુ અને પિંગુની સરકસના હાથી સાથે દોસ્તી થઈ ગઈ.

સરકસ આમ તો શિયાળામાં આવ્યું હતું પણ શિયાળામાં એક દિવસ વરસાદ આવી ગયો. મહા મહિનાનું માવઠું જ કહો ને ! રસ્તાઓ ભીના થઈ ગયા. અમુક જગાએ કાદવ થઈ ગયો.

સરકસની જ એક ટ્રક કાદવ કીચડમાં ફસાઈ ગઈ. કેમે કરી નીકળે નહિ.

બોલાવવામાં આવ્યો સરકસનો હાથી. તેણે જોર કરીને પાછળથી એવો તો હડસેલો માર્યો ને કે ટ્રક ઉછળીને ખાડાની બહાર. ટિંગુ પિગું આ દ્રશ્ય જોતાં જ હતાં.

તેમણે મેનેજરને પૂછ્યું - 'આ હાથી તો ભારે હોશિયાર લાગે છે.'

'છે જ.' મેનેજરે કહ્યું - 'અરે સરકસનું મોટા ભાગનું કામ એ જ કરે છે. નાનું મોટું કોઈ પણ કામ બતાવો. અમારા રામુભાઈ તૈયાર...'

'રામુભાઈ ?' ટિંગુએ પૂછ્યું.

મેનેજર કહે - 'હા, રામુભાઈ એટલે કે આ અમારા હાથીભાઈ. એનું નામ રામુ છે.'

પિંગુ કહે - 'તમે કહ્યું ને કે એ નાનાં મોટાં બધાં કામ કરે છે તો એ કામ કઈ જાતનાં હોય છે, જરા જણાવો તો !'

મેનેજર કહે - 'વાઘ સિંહના પિંજરા ઘસડીને લઈ જવાના, તંબુ ઉભા કરવાના, વાંદરાને પીઠ પર બેસાડી નદીમાં નવડાવી આવવાના, આપણી પીઠ પર ખંજવાળ આવે તો પીઠ ખંજવાળી દેવાના. અરે સંગીતકારની ગેરહાજરીમાં એ સંગીત પણ વગાડે છે અને નૃત્યકારની ગેરહાજરીમાં એ નાચે છે પણ ખરો.'

'એમ...? હા, એમ.'

ટિંગુ પિંગુ બરાબર સરકસની પાસે જ રહેતા હતા. જોતજોતામાં બંને જણા સરકસથી ટેવાઈ ગયા. રામું હાથીથી પણ ટેવાઈ ગયા. રામુ હાથી ગમે ત્યારે તેમની સાથે રમવા માટે આવી પહોંચતો.

એક દિવસ પિંગુ ઉતાવળમાં હતો. તેને એન.સી.સી.માં જવાનું હતું. પાટલૂન એકદમ ઇસ્ત્રી-ટાઈટ જોઈએ અને આ ઇસ્ત્રી થતી જ ન હતી. ઇસ્ત્રીમાં જરૂર કોઈલ બગડી ગઈ હશે. તે તો પાટલૂન પર ઇસ્ત્રી ઘસી ઘસીને થાક્યો. ઇસ્ત્રી ન થઈ તે ન જ થઈ.

તે તો ઇસ્ત્રી ફેંકી દેવા જતો હતો. ત્યાં જ ટિંગુએ રામુ હાથીને જોયો. 'કેમ છો છોકરાઓ?' કહીને મળવા ન આવ્યો હોય એમ તે દરવાજે આવીને ઉભો રહ્યો.

ટિંગુ ખુશ થઈ ગયો. તે કહે - 'પિંગુ, જો રામુ આવ્યો છે.'

'એ શું મારી ઇસ્ત્રી રીપેર કરી દેવાનો છે?' પિંગુએ નારાજ થઈને કહ્યું.

'ઇસ્ત્રી તો કદાચ રીપેર નહિ કરી દે' ટિંગુએ કહ્યું - 'પણ ઇસ્ત્રી જરૂર કરી દેશે.'

'હે...! ' ગરજવાન પિંગુથી બોલી જવાયું.

'હા, તું જો તો ખરો' કહેતાંકને ટિંગુએ તો હાથીને આમંત્રણ આપ્યું. તેને તેની કામગીરી બતાવતાં કહ્યું - 'જો રામુ, આ ટેબલ પર પાટલૂન છે. એ ગડી વાળીને રાખ્યું છે. તારે એની ઉપર ઊભા રહેવાનું છે. સરકસમાં જેમ તું નાના ચોકઠા પર ઊભો રહે છે ને એમ. પણ જરા બરાબર વજન મૂકજે કે જેથી ફાંકડી ઇસ્ત્રી થઈ જાય. જો અલ્યા એક પણ કરચલી નહિ રહેવી જોઈએ હં !'

હાથી સમજુ હતો. સમજી ગયો. ટિંગુની ઇશારે તે તે ટેબલ પર આવીને ઉભો રહી ગયો. ઇસ્ત્રીનું આ ટેબલ તો કંઈક મોટું હતું. સરકસમાં તો તે વળી અત્યંત નાના ટેબલ પર ઉભો રહેતો હતો.

પણ ક્યાં સરકસનું મજબૂત ટેબલ અને ક્યાં આ ઘરનું ઇસ્ત્રીનું ટેબલ ?

હાથીભાઈ પાટલૂન ઉપર ઉભા તો ખરા પણ એ સાથે જ ટેબલના ચારે પાયા કડડડ ભૂસ્સ !

ચાર દિશામાં ચાર પાયા પડયા. હાથી ટેબલ સાથે જ સીધો જમીન પર આવ્યો. પાણી પર તરતું પાટિયું પાણીની તળિયે બેસે એમ જ હાથીના વજન સહિત ટેબલ જમીન પર આવી લાગ્યું.

પિંગુ ચીસ પાડી ઉઠયો -'ઓ...મારું ઇસ્ત્રીનું ટેબલ !'

પિંહુ ચીસ પાડી ઉઠયો- 'ઓ..મારું ઇસ્ત્રીનું ટેબલ !'

પોતાનો ખેલ પૂરો થયેલો જાણીને હાથીભાઈ તો રવાના થઈ ગયા. આ બાજુ પિંગુ ટેબલને રડવા લાગ્યો.

ટિંગુ કહે - 'અલ્યા, ટેબલને શું રડે છે ? હાથીના વજનથી તારા પાટલૂનની ઇસ્ત્રી કેવી મસ્ત થઈ છે એ તો જો. એકદમ કડક ઇસ્ત્રી થઈ છે હા, જાણે ડ્રાયકિલનિંગ જ થઈ ગયું.'

પિંગુએ જ્યારે એ ઇસ્ત્રી-ટાઈટ પાટલૂન પહેર્યું ત્યારે તે ખરેખર રાજી થઈ ગયો. તે કહે - 'હા અલ્યા ઇસ્ત્રી તો એકદમ કડક થઈ છે હં ! આજે પરેડમાં વટ પડી જશે.

ચિંગુ કહે - 'વટ ભલે પડે પણ આ ટેબલ પડ્યું છે એનુ શું ? એ ઊભું કર.'

કડક પાટલૂને કડક રીતે ઊભા થઈને અને ઉભા રહીને પિગુંએ જોતજોતામાં ટેબલ ઊભું કરી દીધું. એન.સી.સી.ની મુખ્ય ફરજ જ એ હતી. અકડાઈમાં રહેવું અને જરાય આળસ વગર કડક દેહ સાથે અકકડ રહીને કામ કરવું.

ટેબલ ઊભું કરવાનું કામ તેમણે ઝડપથી કરી બતાવ્યું.

ટિંગુ કહે - 'ચાલો હાથી ભાઈ બે કામ કરી ગયા. એક તો ઇસ્ત્રી કરી ગયા અને બીજું પિંગુને તરતોતરત અકક્ડ રીતે કામ પતાવવું તેનો બોધ આપતા ગયા.'

પિંગુ જ્યારે પરેડમાં પહોંચ્યો ત્યારે ખરેખર તે મગરૂબ અને અક્કડ હતો.

સહુએ અને ખુદ કેપ્ટને પૂછ્યું - 'અલ્યા પિંગુ, આજે કંઈ બહુ અકક્ડ દેખાય છે ને !'

'હા!' પિંગુએ અકક્ડ ગરદન રાખીને કહ્યું - 'આજે મારા પાટલૂનની આ કડક ઇસ્ત્રી હાથીએ કરી આપી છે !'

હાથીએ ઇસ્ત્રી કરી આપી? બધાં નવાઈ પામ્યા. ભલે પામે. તેમને કદાચ વાત સાચી ન પણ લાગતી હોય, પણ તમે તો સાચી વાત જાણો છો ને ?

ભલે કોઈ ન માને તો પણ છે આ સાચી વાત, કદી કહે ન હાથી ભાઈ, કોઈ રે કાચી વાત જુઓ પરેડમાં વટ પાડે, બાળવીરો જુદી ભાત, જુદી જ દુનિયા, જુદું આકાશ, ને જુદી છે આ વાત.