આનંદ મેળાનું આકર્ષણ રોલર કોસ્ટર
આનંદ મેળા, લોકમેળા અને એમ્યુઝિંગ પાર્કમાં જાતજાતના ચકડોળ અને અન્ય રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આજે વિવિધ સ્થળોએ દિલધડક અને રોમાંચક રાઈડસ જોવા મળે છે. તેમાં રોલર કોસ્ટરનું સ્થાન અનોખું છે. ચકડોળ ઉભી દિશામાં ફરે છે. જ્યારે રોલર કોસ્ટર વિવિધ આકારના ટ્રેક ઉપર દોડે છે. તેમાં બેઠેલા લોકો એકાદ વખત તો ઉંધે માથે પણ થઈ જાય. રોલર કોસ્ટર વિશે બીજી રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે.
રોલર કોસ્ટરની શરૂઆત રશિયામાં ૧૫મી સદીમાં થયેલી તેને રશિયન માઉન્ટન કહેતા. ફ્રાન્સમાં પહેલું વહેલું રોલર કોસ્ટર ૧૮૧૭માં બનેલું. તેને રશિયન માઉન્ટન ઓફ બેલેવિલે કહેતાં. તે વાંકા ચૂકા ટ્રેક ઉપર દોડતી ટ્રેન જેવું હતું. ઇ.સ. ૧૮૨૭માં પહાડ પરથી કોલસા ઉતારવા ઢોળાવમાં એક રેલવે બંધાયેલી. પર્વત પર ખાબડખબડ ટ્રેક પર ઉછળકૂદ કરતી આ ગાડીમાં બેસવાની લોકોને મજા પડતી. સમય જતાં સહેલાણીઓના આનંદનું સાધન બની ગઈ. તેને સ્વીચબેક રેલવે કહેતા. ઇ.સ. ૧૮૮૫માં અમેરિકાનો લા-મારકસ થોમ્સન રોલર કોસ્ટર બનાવવાનો વિશ્વપ્રસિધ્ધ નિષ્ણાત થઈ ગયો તેણે અનેક પ્રકારના રોલર કોસ્ટર બનાવેલા, સહેલાણીઓને ઉંધે માથે કરી નાખનારૃં પ્રથમ રોલર કોસ્ટર ઇ.સ.૧૯૭૫માં કેલિફોર્નિયામાં બનેલું. વિશ્વનું સૌથી લાંબુ રોલર કોસ્ટર જાપાનના નાગાશીમાંમાં છે તે ૨૪૭૯ મીટર લાંબુ છે.