રોજિંદું, સામાન્ય પણ અદ્ભૂત સાધન : અરીસો
આપણા રોજીંદા જીવનમાં અરીસાનું સ્થાન મહત્ત્વનું છે. વાળ ઓળવા, શેવિંગ કરવા કે અન્ય ટાપટીપ માટે અરીસાનો ઉપયોગ સામાન્ય છે. પરંતુ તેના કેટલાક અન્ય ઉપયોગ અને ઈતિહાસ જાણો તો તે અદ્ભૂત લાગે.
આદિકાળમાં અરીસા નહોતા ત્યારે માણસ જળાશય કે પાણી ભરેલા પાત્રમાં પોતાનું પ્રતિબિંબ જોઈને તાજ્જુબ થતો. સામાન્ય કાચનો ઉપયોગ તો હજારો વર્ષ પહેલાંથી થાય છે. જ્વાળામુખી ફાટે ત્યારે જમીન પર ફેલાતો લાવારસ ઠરીને ક્યારેક પારદર્શક કાચનો પોપડો બની જતો. કાચ બનાવવાની શોધ તો ૧૬મી સદીમાં થઈ પરંતુ કેટલાક સ્થળોએ લાવારસમાંથી બનતા આ કુદરતી કાચનો ઉપાય હજારો વર્ષ પહેલાં થતો હોવાનું નોંધાયું છે.
અરીસામાં દેખાતા પ્રતિબિંબનું વિજ્ઞાાન પણ જાણવા જેવું છે. પારદર્શક કાચની પાછળની સપાટી ચકચકિત આવરણથી ઢાંકીને અપારદર્શક બનાવેલી હોય છે. તેની ઉપર પડતા પ્રકાશના કિરણો પરાવર્તન પામે છે એટલે પ્રતિબિંબ દેખાય છે. આ પ્રતિબિંબ અવળું હોય છે.
૧૬મી સદી પહેલાં ચકચકિત સપાટીવાળા કાંસા, તાંબા, ચાંદી જેવી ધાતુના પતરાનો ઉપયોગ અરીસા તરીકે થતો. કાચની પાછળ સોના, ચાંદીના વરખ લગાડીને અરીસા બનતા ત્યારબાદ પારાની રાખ લગાડીને અરીસા બનવા લાગ્યા.
રોજીંદા જીવનમાં પ્રતિબિંબ જોવા ઉપરાંત વાહનોમાં રિઅરવ્યૂ મિરર અને વસ્ત્રો ઉપર સુશોભન માટે આભલા ચોડવા માટે જાણીતો છે. કેટલીક ઈમારતોમાં અરીસાનો ઉપયોગ કરીને વધુ ભવ્ય રચના કરવાની પણ પરંપરા હતી.
વિજ્ઞાાન ક્ષેત્રમાં અરીસાના ઉપયોગ ઓપ્ટિકલ ટેલિસ્કોપમાં અરીસાનો ઉપયોગ થાય છે. બાયનોક્યુલર્સ અને સબમરિનના પેરિસ્કોપમાં પણ અરીસાની જ કમાલ છે.
અરીસા સપાટ જ હોય તેવું નથી. વચ્ચેથી ઉપસેલા બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ નાના દેખાય અને વધુ વિસ્તારને આવરી લે છે. તેનાથી ઉલટું ધાર ઉપર ઉપસેલા અને વચ્ચેથી બેસેલા અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ મોટું દેખાય છે.
જાદુગરો મેજિક શોમાં અરીસાનો ઉપયોગ કરીને ઘણા પ્રકારના દૃષ્ટિભ્રમ ઉપજાવી મનોરંજન કરે છે. ફિલ્મોના શૂટિંગ અને ફોટોગ્રાફીમાં ટ્રીક સીન લેવામાં અરીસા ઉપયોગી થાય છે.