એક આકસ્મિક શોધ : મેટલ ડિટેકટર
મો ટા મોલ, થિયેટર, એરપોર્ટ જેવા જાહેર સ્થળોએ પ્રવેશદ્વાર પર સલામતી કર્મી લોકોના શરીરની આસપાસ દંડા જેવું સાધન ફેરવી તપાસ કરતાં હોય છે. દંડા જેવું આ સાધન કોઈ વ્યકિતએ ધાતુની પિસ્તોલ કે છરી છૂપાવી હોય તો તરત જ પકડી પાડે છે. અને એલાર્મ વાગે છે. આ સાધનને મેટલ ડિટેક્ટર કહે છે. તે કોઈ પણ જગ્યાએ ધાતુ શોધવામાં ઉપયોગી થાય છે. વીજળી અને ચુંબકત્વ એક સાથે થાય ત્યારે ચમત્કારિક કામો કરે છે. તેને ઇલેક્ટ્રોમેગ્નેટ પણ કહે છે.
જાણીને નવાઈ લાગે પણ મેટલ ડિટકેટરની શોધ અકસ્માત જ થઈ હતી. ઇ.સ.૧૮૮૧માં અમેરિકાના પ્રમુખ જેમ્સ ગાર્ફિલ્ડ પર ગોળીબાર થયેલો. એક ગોળી તેમના શરીરમાં ઊંડે સુધી ઉતરી ગઈ. ડોક્ટરોએ ઘણી મહેનત કરી પણ ઊંડે ઉતરી ગયેલી ગોળી તેમને મળી નહીં. તેમણે ગોળી શોધવા પ્રખ્યાત વિજ્ઞાાની ગ્રેહામ બેલને બોલાવ્યો. ટેલિફોનના શોધક તરીકે સુપ્રસિધ્ધ એવા બેલે ધાતુઓને શોધી શકે તેવું સાધન તત્કાલિક બનાવી નાખ્યું. અને પ્રેસિડેન્ટના શરીરમાંથી બૂલેટ શોધી કાઢી.
પ્રેસિડેન્ટનું મૃત્યુ થયું હતું. પરંતુ બેલે કરેલી શોધ ઉપયોગી થઈ તેણે આ સાધનને 'ઇન્ડક્શન બેલેન્સ'નામ આપેલું. આ શોધના આધારે અન્ય વિજ્ઞાાનીઓએ પણ મેટલ ડિરેક્ટર બનાયા. ઇ.સ.૧૯૩૩માં જર્મનીના ગેટહાર્ટ ફિશરે જમીનમાંથી ખનીજ ધાતુઓ, પાઈપ લાઈન વિગેરે શોધી કાઢવા સાધન બનાવેલું. ત્યારબાદ ચાર્લ્સ ગેરેટ નામના વિજ્ઞાાનીએ આધુનિક મેટલ ડિટેક્ટર બનાવ્યું. આ સાધનને ચંદ્ર ઉપર ધાતુ શોધવા એપોલો યાનમાં મૂકવામાં આવેલું.
મેટલ ડિરેક્ટર બેટરી વડે ચાલે છે. લાંબા દંડામાં બેટરીનો કરંટ છેડા સુધી વહેતો હોય છે. છેડા પરની ધાતુની કોઈલમાં વીજપ્રવાહ વહે ત્યારે તેની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ રચાય છે. કોઈ પણ ધાતુની ચીજ નજીક આવે અને આ ફિલ્ડમાં પ્રવેશે એટલે તેમાં પણ વીજપ્રવાહ દાખલ થઈ જાય અને બીજું મેગ્નેટિક ફિલ્ડ રચાય. મેટલ ડિટેક્ટરમાં એક રિસીવર હોય છે. તે નવા મેગ્નેટિક ફિલ્ડને પકડી પાડે છે. અને બીપ બીપ જેવા અવાજ સાથે લાલ લાઈટ ઝબકારા મારે છે. આમ બેલે આકસ્મિક રીતે શોધેલું મેટલ ડિટેક્ટર આજે પણ ઉપયોગી સાધન બની ગયું.