Get The App

પ્લાસ્ટીક સર્જરીનો એક અદ્દભુત યાદગાર પ્રયોગ

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
પ્લાસ્ટીક સર્જરીનો એક અદ્દભુત યાદગાર પ્રયોગ 1 - image

- થોડે થોડે વખતે એ પ્રાણી બાગમાં આવી આવીને તે ટહુકા કરી જતું. પોતાની રીતે ટુકટુક કરીને કહી જતું. જુઓ, હવે મને ફાવે છે. હવે મને સારૃં છે. હવે મારાથી મને ફાવતો ભાવતો ખોરાક ખાઈ શકાય છે... ધન્યવાદ!

- ટુક ટુક ટુકાનની ચાંચ કપાઈ અને પાછી મળી

- જીવનનું એક અંગ જો કપાય છે, તો આખા દેહને વેદના થાય છે

- હરીશ નાયક

કાતરના બે પાંખિયા હોય છે.

તેમાનું એક પાંખિયું ન રહે, તો કાતર, કામની રહેતી નથી. પક્ષીઓની ચાંચ બે કાતરથી ચાલે છે. ઉપરનું એક પાંખિયું કપાઈ જાય તો તે ફળ તોડી શકતું નથી, ખાઈ શકતું નથી. ખોરાક કાપી શકતું નથી.

તેમાંય ટુકાન તો એવું પંખી છે કે તે પોતાની લાંબી-લાંબી ચાંચ વડે જ સારૃં ય જીવન જીવે છે.

પતંગબાજો માત્ર પંખીની પાંખ જ કાપતાં નથી, પંખીના પગ, ગરદન, ચાંચ ગમે તે કાપી નાખે છે. કાચ પાયેલો માંજો ભરાયો કે પંખીને માથે જોખમ ઉભું થયું જ સમજો. દર ઊત્તરાયણે કબૂતર, કાગડા, કાબર, સમડી જેવા પંખીઓ ઘાયલ થાય છે. 

પણ આ ટુકાન પક્ષીની તો વાત જ નિરાળી છે. આમ તો તેની ચાંચ વજ્ર જેવી મજબૂત હોય છે. કઠણમાં કઠણ ફળને તે તોડી કાપી શકે છે, જો ચાંચનાં ઉપર નીચેનાં બંન્ને કાતરિયા સલમત હોય તો!

ઉપર કે નીચેનું એકાદ પાંખિયું ઘવાયું તો ટુકાનનું આજીવન નકામું થઈ જાય છે. ન ઊગલતે બને, ન નિગલતે બને - એવી હાલતમાં રિબાઈ રિબાઈને વેદના મૃત્યુ જ તેને પારાવાર દર્દમાંથી છુટકારો અપાવી શકે છે.

આ ટુકાનની ઉપરની અડધી ચાંચ જ કપાઈ ગઈ. મોટો કાપો ચીરો લસરકો પડી ગયો. આપણે કલ્પના કરી શકીએ છીએ કે માંજો કેટલો તલવારિયો હશે! આવા દ્વંદ્વના સંજોગોમાં પક્ષી જેમ જેમ ધારદાર દોરીમાંથી છૂટવાનો પ્રયાસ કરે છે, તેમ તેમ તે વધારે ગૂંચવાય છે, ઘામાંથી ઘસાતો ધસારો વધુ ઊંડો પ્રવેશી રહે છે.

તરફડીને પડેલા એ દોઢ ચાંચિયા ટુકાનને કોણે ક્યારે જોયું તે ખબર નથી. પણ ટુકાનનું નસીબ કહો કે જોનાર અને ઉપાડનાર તેને જીવદયા કેન્દ્રમાં લઈ આવ્યો. આવા જીવદયા કેન્દ્રે કેટલું અને કેવું અદ્દભુત કામ કરે છે તે તો ટુકાનની આ કથા-વ્યથા પરથી જ ખબર પડી જશે!

તમે જ વિચારો દોઢ ચાંચિયું એ ટુકાન બચ્યું હશે ખરું ?

જેવું એ ઘવાયેલું ટુકાન પશુ-ચિકિત્સાલયમાં આવ્યું કે ઉપાય શરૂ થયો.

પશુ ચિકિત્સકોએ ધ્યાનથી અવલોકન કર્યું તો ઉપાય જ મુશ્કેલ હતો. જે સમય વચમાં પસાર થયો તેમાં ઘા ઊઘાડા પડયા હતા અને સોજો ચઢી ગયો હતો. દર્દી બેભાન હોય કે જાગૃતાવસ્થામાં, તેને સ્પર્શ થતાં જ તે તરફડી ઊઠતું અને અપાર વેદનાની મૃત્યુ ચીસ પાડી ઊઠતું.

જો ચાંચની મરામત થઈ શકે તો એ વિશે ચિકિત્સકોએ વિચાર્યું, પણ લગભગ ઉપરની અડધી ચાંચ જ લબડી પડી હતી. તેને કોઈ રીતે ઠીક કરી શકાઈ નહીં.

ત્યારે પ્લાસ્ટીક સર્જનની સલાહ લેવામાં આવી. પ્લાસ્ટીક સર્જન કહે : ઘા એ રીતે પડયો છે કે આખી, ઉપરની ચાંચ જ દૂર કરવી પડે!

બધા નિષ્ણાત તબીબોએ ભેગા થઈને એક નિર્ધાર કર્યો કે : આપણે માટે આ દર્દી એક પડકાર છે. પડકાર ઝીલીને પણ આપણે તેને નવજીવન આપીશું જ.

જેવી સ્થિતિમાં ચાંચ હતી, તેવી જ સ્થિતિમાં ઉપાય ચાલુ રાખી, પક્ષીગ્રંથો દ્વારા તેમણે ચાંચ વિષેનું વિજ્ઞાાન સંશોધ્યું. પુસ્તકોમાંથી કોમ્પ્યુટરમાં અને પછી ડિજિટલ સ્વરૂપે ટુકાનની ચાંચનો અભ્યાસ કર્યો.

દરમિયાનમાં નીચેની ચાંચ તો સારી થઈ હતી, પણ ઉપરનું પાંખિયું ઉખાડી જ નાખવું પડે તેમ હતું.

તે પહેલાં તેમણે આખે આખી કૃત્રિમ ચાંચ બનાવવાનું નક્કી કર્યું. એનું બરાબર માપ લઈ ચાંચનું ઢાકણું તૈયાર કર્યું. તેમાં પોચોે અને કઠણ બંન્ને પદાર્થોનો ઉપયોગ કર્યો. ઘર બાંધવામાં એકલી સિમેન્ટ ચાલે નહીં, એકલી રેતીય ચાલે નહીં. બંન્નેનું મિશ્રણ એવું કોળેલું હોવું જોઈએ કે ભીત આજીવન ટકી રહે. ટુકાનની કૃત્રિમ ચાંચ તૈયાર કરવામાં એવો જ માવો ઉપયોગમાં લેવાયો.

તે દરમિયાન તેને ઈન્ડીપેનમાં શાહી ભરવાની ટોટીથી પોષણ આપવાનું ચાલુ રાખ્યું એ પોષણમાં પોષક દવાઓ પણ સામેલ હતી.

માનવ દર્દી જ્યારે અંગ-ભંગ થાય છે ત્યારે બીજા મરેલાં કે અર્ધમરેલાં માનવીનાં અંગો કામમાં આવે છે. કોઈ મરેલું ટુકાન મળી ગયું હોત તો તેની ચાંચ વધારે અનુકૂળ રહેત. પણ સંપૂર્ણ ચાંચ તૈયાર કરતા વાર લાગી. માનવોનેય કૃત્રિમ અંગોથી હરતો ફરતો કરી શકાય છે. ઉપરની ચાંચ ઉપરનું જે ખોલું તૈયાર થયું, તે બેસાડવાના પ્રયત્નો શરૂ થયા તે બેસાડતી વખતે જરા સરખીય તકલીફ પડતી કે તરત જ ઉપરના ઢાંકણને ફરીથી આકાર આપવામાં આવતો.

ડબ્બાને બંધબેસતું ઢાકણ મળી રહે, તેમ ટુકાનની ઉપરની ચાંચને માટે બંધ બેસતું ઢાંકણ તૈયાર થયું. તેને બરાબર ગોઠવી દઈને સાંધી દેવામાં આવ્યું. એવી રીતે જોડી દેવામાં આવ્યું કે તે બરાબર ફીટ થઈ જાય.

અત્યાર સુધી તો ફીડીંગ નીપલથી જ તેને પોચો સુંવાળો ખોરાક આપવામાં આવતો હતો. પણ ટુકાન ઠળિયાવાળા બોર, જાંબુ, બેરી, જમરૂખ, ખાવા ટેવાયેલું હતું. બોરમાંથી ઠળિયો ફેંકી દઈ તે ઉપરની સ્વાદિષ્ટ ત્વચા-માવો ખાય જતું. એ જ તેની જીવન શૈલી હતી. હજી તે એ માટે તૈયાર થયું ન હતું.

ઉપરની ચાંચ ચોડી દઈને ચાંચ મૂળ સ્વરૂપમાં લાવવામાં આવી હતી, છતાં એ ચાંચ પહેલા જેવા પ્રહાર કરી શકતી ન હતી. પણ જે મળે તે પોચા નરમ પદાર્થથી તે રાજી થતું લાગ્યું. તેને ય જીવવાની હોંશ હતી.

માત્ર ચિકિત્સકો જ નહીં, દર્દી ટુકાન પણ પોતાના તરફથી નૈસર્ગિક થવાના પ્રયાસ કરતું હતું.

સમય જતો થયો તેમ તેમ ટુકાનને ફાવટ આવતી ગઈ. એ કૃત્રિમ ચાંચ તેને અનુકૂળ થવા લાગી. પ્રયાસ અને અભ્યાસથી ટુકાન ટેવાવા લાગ્યું.

જેમ અપંગને કૃત્રિમ પગની ફાવટ આવી જતાં તે ઝડપથી ચાલવા લાગે છે, તેમજ ટુકાનની ચાંચ ઊંચી-નીચી થવા લાગી.

જોકે હજી વાસ્તવિકતા આવતી ન હતી. રખે માનતા કે પંખીની ચાંચ એકાદ જ હાડકાંની બનેલી છે. એ ચાંચ જેવી છે તેવી તેમાં અનેક જ્ઞાાનતંતુઓ આવેલાં છે. એ સેંકડો ઝીણા જીવંત તંતુમાંથી એકાદ તંતુ પણ દુ:ખે તો આખી ચાંચ દુ:ખવા લાગે છે.

કાનખજુરાને કહે છે ઘણા બધા પગ હોય છે. પગની જોડી. અંગ્રેજીમાં તેને એન્ટિપેડ કહેવામાં આવે છે. એટલે કે સો-પગનો જીવ. તેમ છતાં તેમાંનો એકાદ પગને તકલીફ થાય તો કાનખજુરાના પૂરા દેહને વેદના પહોંચે છે. તે લંગડી ચાલે ચાલે છેે.

હાડવૈદ જ્યારે હાડકાંની ક્રેક (તિરાડ) જોડી આપે છે, ત્યારે પૂઠું મૂકી, જથ્થા બંધ દવા લગાડી, તે પર પાટો બાંધે છે. એ પાટો પંદરેક દિવસ રાખવાની સલાહ આપે છે. જો હાથમાં ક્રેક પડી હોય તો હાથનો ગાળિયો બનાવી ગળામાં ભેરવે છે કે તેથી હાથ એકની એક જ સ્થિતિમાં રહે.

એ રીતે દિવસો સુધી રહેતાં ઔષધિ, સ્થિરતા, સમય અને સાચવણીથી તિરાડ જોડાઈ જાય છે. તે બરાબર જોડાવુ ને પહેલાં જેવું એકત્વ પામે પછી જ હાડવૈદ પાટો છોડવાની પરવાનગી આપે છે. ક્યારેક થોડીક કસર રહી ગઈ હોય તો બીજો પાટોય જરૂરી બને છે.

ટુકાનની ચાંચનું પણ તેવું જ બન્યું. તેના સંધાણ, મૂઝાણ, સારાણ પછી જ્યારે ચિકિત્સકોને લાગ્યું કે હવે દર્દીને એની રીતે પ્રેકટીસ કરવા દેવી જોઈએ.

પ્રયોગશાળામાં જ તેની પર દેખરેખ રાખવામાં આવી. રખેવાળો જાતે જ તેને ઉપચાર મુજબ ખોરાક આપતા. કઠણ ભોજનનો હજી પ્રયાસ થયો ન હતો.

પણ જેમજેમ સારૃં થતું ગયું. તેમતેમ ટુકાન જાતે જ પોતાના મૂળ ભોજન તરફ ખેંચાવા લાગ્યું.

હવે ટુકાનને પાંજરામાંથી મુક્ત કરવામાં આવ્યું. તે ચિકિત્સાલયમાં જ ગમે ત્યાં ઊડાઊડ કરી શકતું. ચાંચની વેદના અને ત્યાર બાદના ઓપરેશને તેને નબળું બનાવ્યું હતું. ખુલ્લી રીતે ઊડવામાં તેને તકલીફ પડતી. થોડું થોડું ઊડીને તે બેસી જતું. પાછું પોતાની જગાએ આવીને બેસી જતું.

એક વખત તે જાતે જ બહાર ઊડી ગયું. તેણે જાતે જ હિંમત કરી જોઈ હશે. થોડી વારે પાછું આવ્યું. પણ આગળ ઉપર તેની એ આદત પડી ગઈ.

તેને હવે ઘણું સારું થયું હતું. વધારે સમય બહાર રહેવા લાગ્યું હતું. પણ તેના બીજા સાથીઓને કૌતુક થતું હતું. તેની ફરતે સાથીઓ ઘેરાઈ જતાં કલબલ કરીને પૂછતાં : આ શું છે? આ શું છે?

જોકે તેઓ પણ પછી ટેવાઈ ગયા.

અપંગ માનવી જેમ સપંગમાં ભળી જાય, તેમ તે પોતાના કુટુંબમાં ભળી ગયું.

સારું થયું હતું પણ વખતોવખત પક્ષીગૃહમાં આવી આવીને આભાર માની જતું.

પક્ષી વિદ્ધોનોનો આનંદ માતો ન હતો. તેમણે અંગત વીડિયો ફિલ્મ બનાવી. ચિકિત્સાલયમાં જે નવા જીવદયા ચિકિત્સકો આગળ ઉપર ડિગ્રી મેળવવા આવતાં, તેમને એ પાઠ બતાવવામાં આવતો.

આ જીવદયા કે ઔષધિ પ્રયોગ વિવિધ જગાએ થયો. પણ જ્યાં છેવટના ફાઈનલ ઉપચારો થયા તે સ્થળ છે : રીસ્કેટ એનિમલ ઝૂ, કોસ્ટા રીકા.

જોકે આપણે ત્યાંય હશે ઘવાયેલાં પશુ-પંખીના બહુ જ કાળજી લેવાય છે. અમદાવાદ-ગાંધીનગર તથા ગુજરાતની ઠેરઠેરની જીવદયા મંડળીઓ તો માનવ જેટલી જ ઘાયલ જીવોની કાળજી લે છે.

પ્લાસ્ટીક સર્જરીને આપણા કોથળીના પ્લાસ્ટીક સાથે કંઈ લેવાદેવા નથી. ચહેરાના તથા બીજા અંગોના સમારકામ માટે એવી સર્જરીનો ઉપયોગ થાય છે. રૂપ શૃંગાર સૌંદર્ય માટે તો પ્લાસ્ટીક સર્જરી અનિવાર્ય મનાય છે. શરીરના બીજા સ્વસ્થ અંગોમાંથી ત્વચા વગેરે લઈને ખંડિત અંગોમાં મંડિત કરાય છે.

પ્લાસ્ટીક સર્જરી આમ મોંઘી કહેવાય છે. પણ જીવદયાવાળા એવી ચિંતા કરતાં નથી. તેમનું તો એક જ ધ્યેય હોય છે કે પશુ-પંખીને વેદના-મુક્ત કરી, ફરીથી તેમને તેમના પર્યાવરણમાં મૂકી દેવા.

પેલા ટુકાનને હળવે હળવે મુક્ત કરવામાં આવ્યું. તેને પોતાની રીતે ટેવાવા દીધું. તેને બહાર જવું હોય તો તેવી અનુકૂળતા કરી આપી. પોતાની રીતની વ્યાયામ કસરત કોશિશ દ્વારા તેનામાં હિંમત આવી. તે ઊડતું થયું. ઊડી ગયું. પણ થોડે થોડે વખતે એ પ્રાણી બાગમાં આવી આવીને તે ટહુકા કરી જતું. પોતાની રીતે ટુકટુક કરીને કહી જતું. જુઓ, હવે મને ફાવે છે. હવે મને સારૃં છે. હવે મારાથી મને ફાવતો ભાવતો ખોરાક ખાઈ શકાય છે... ધન્યવાદ!

ટુકટુક ટુકાનની આ વેદના મુક્તિની કથાને આપણે ઈશ્વરીય કૃપા કહીશું? કે માનવીય? ચિકિત્સા એ જ સાચી પ્રાર્થના છેને!