સજીવ સૃષ્ટિમાં વૃક્ષોનું આયુષ્ય સૌથી વધુ હોય છે. તેમાંય રણપ્રદેશમાં થતો વેલ્વેશિયાનો છોડ તો હજારો વર્ષ જીવે છે. દક્ષિણ આફ્રિકાના નામિબીયા અને એંગોલાના રણમાં આ છોડ થાય છે. આ છોડને થડ હોતું નથી પરંતુ મૂળમાંથી માત્ર બે પાન ઊગે છે. આ છોડના વિકાસની રીત પણ અનોખી છે. તેના પાન ચિરાઈને બે ભાગ થાય પછી ફરી ચિરાઈને ચાર થાય એમ વિકાસ પામ્યા કરે. આ પાન બેથી ત્રણ મીટર લાંબા હોય છે. અને લીલા રંગના હોય છે. ઇ.સ.૧૮૬૦માં દ. ફ્રેડરિક વેલવિશ નામના વિજ્ઞાનીએ આ છોડ શોધી કાઢેલો. તેથી તેના નામ ઉપરથી વેલવેશિયા કહેવાય છે. આફ્રિકામાં ૨૦૦૦ વર્ષ જૂના વેલવેશિયા જોવા મળે છે.

પેન ડ્રાઈવની ટેકનોલોજી
ડેટાના સંગ્રહ અને હેરફેર માટે પેન ડ્રાઈવ જાણીતું સાધન છે. પેનડ્રાઈવમાં થતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક છે. એક પણ પાર્ટ હલનચલન કર્યા વગર માત્ર વીજપ્રવાહથી જ કામ કરે છે. આને ફલેશ મેમરી કહે છે. પેનડ્રાઈવમાં દેખાતી પિત્તળની બે પટ્ટીઓમાં બબ્બે ટ્રાન્ઝિસ્ટરના કોલમ હોય છે. ટ્રાન્ઝિસ્ટરની ઉપલી કોલમ ફલોરિંગ ગેટ અને નીચલી કોલમ કંટ્રોલ ગેટ છે. પેનડ્રાઈવ કમ્યૂટરમાં જોડાય ત્યારે તેમાં ૧૦ વોલ્ટનો વીજપ્રવાહ વહે છે. આ સમયે ફલોરિંગ ગેટના ટ્રાન્ઝિસ્ટર ઇલેકટ્રોન ગનનું કામ કરે છે. ડેટાના પ્રમાણમાં તેમાં વીજપ્રવાહની વધઘટ થાય છે અને તે હોલ સેન્સરમાં નોંધાય છે. આ વીજપ્રવાહની વધઘટની નોંધ એ જ ડેટાનો સંગ્રહ. પેનડ્રાઈવમાં ડિસ્ક કે રીડર હોતા નથી. બધા જ કામ સૂક્ષ્મ ટ્રાન્ઝિસ્ટર કરે છે. સામાન્ય રીતે પેનડ્રાઈવમાં બેથી માંડીને સોળ જીબીનો ડેટા સંગ્રહ થઈ શકે છે.


