Get The App

ચકા-ચકીની શહેરની સફર .

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
ચકા-ચકીની શહેરની સફર                                 . 1 - image

- ચકાભાઈએ માથું કૂટયું. કહે, 'તને કહ્યું તો હતું કે આ આપણો ખોરાક નથી. હવે આ શહેરમાં વૈદરાજને ક્યાં ગોતવા? આ કંઈ આપણું ગામ થોડું છે?' આ સાંભળી ચકીબેન તો જોરજોરથી રડવા લાગ્યાં.

- ભારતી ભંડેરી 'અંશુ' 

એ ક ગામડું હતું. ત્યાં એક ચકલી અને એક ચકો મજાથી રહે. તેઓ ગામનાં ખેતરે ખેતરે ફરે, મંદિરે ફરે, ફળિયામાં ફરે. અરે, ઘરમાં પણ ડર વગર ફરે. ઝાડ પર બેસે, પાળ પર બેસે. ઓટલે બેસે, ખાટલે બેસે અને 'ચીં... ચીં...' ગાણાં ગાય. તે તો લોકોના ઘરમાં જઈને માળો પણ બનાવે. ક્યારેક છબી પાછળ બનાવે. ઘડિયાળ ઉપર પણ બનાવે. વીજળીના મીટર ઉપર તો કોઈ નળિયાની વળીમાં બનાવે. ના કોઈ તેને રોકે, ના કોઈ તેને ટોકે.

આ ગામમાં એક સુંદર તળાવ હતું. ચકા-ચકીને જ્યારે નવરાશ મળે એટલે તળાવની પાળીએ બેસે. ત્યાં 'ડ્રાઉં... ડ્રાઉં...' કરતા દેડકાભાઈ સાથે, માછલીઓ સાથે અને બગલાભાઈ સાથે ય અલકમલકની વાતો કરે. 

વાતવાતમાં તેમણે શહેર વિશે જાણ્યું.

આ વાતો સાંભળી ચકીબેનને તો શહેર જોવાનું મન થઈ ગયું.

એક દિવસ ચકીબેન કહે, 'ચકા, ચાલોને આપણે શહેરમાં જઈએ.

નવું નવું જોવા જઈએ,

અવનવું ખાવા જઈએ.

ખીચડી ખાઈ ધરાઈ ગયાં,

ગામડામાં તો કંટાળી ગયાં.'

ચકાભાઈએ કહે, 'અરે ચકી! શહેર તો બહુ દૂર હોય. આપણે રહ્યાં ગામડાનાં, આપણને શહેરમાં ના ફાવે.

આપણે પંખી નાનાં, 

રાખીએ સપનાં નાનાં.

શહેરમાં ભપકા મોટા,

થાય ખર્ચા ખોટા.'

આ સાંભળી ચકીબેન તો રિસાઈ ગયાં. મોઢું ફુલાવતાં કહે, 'તમે તો મને ક્યાંય ફરવા જ નથી લઈ જતા. પેલા પોપટભાઈ મેનાને લઈને કેવા ફરીને આવ્યા! કોયલબેન પણ કહેતા હતા કે તેઓ પણ ફરી આવ્યાં. એક તમે છો જે મને ક્યાંય લઈ જતા નથી. જાઓ, હું તમારી સાથે બોલવાની જ નથી.'

આ સાંભળી ચકાભાઈ તો ભારે મૂંઝવણમાં પડી ગયા. ચકી રિસાય એ તો ક્યાંથી ચાલે? તેમણે કહ્યું, 'સારું ચકી, આપણે કાલે શહેરમાં જઈશું.'

આ સાંભળી ચકીબેન તો રાજી રાજી થઈ ગાવા લાગ્યાં-

'અમે તો શહેરમાં જઈશું,

મોટા મોટા મોલમાં ફરીશું.

પીઝા, બર્ગર, ભેળ ખાઈશું,

મોજમજા કરતા મજા કરીશું.' 

બીજે દિવસે ચકો અને ચકી ઊડતાં ઊડતાં શહેરમાં આવ્યાં. આવી તો ગયાં પણ આવતા જ ડરી ગયાં. શહેરનાં ઊંચાં ઊંચાં મકાનો જોઈને તો બંને મૂંઝાઈ ગયાં. ચકો કહે, 'અરે! અહીં તો ઝાડ કરતા છે મકાન ઝાઝાં. આપણે અહીં રહીશું ક્યાં?' 

બંને એક ઝાડ પર ડરતાં ડરતાં બેઠાં. થોડીવાર થઈ એટલે ચકીબેનને તો લાગી કકડીને ભૂખ. ગામડામાં તો ગમે તેના ઘરે જાય ત્યાં તેને રોટલી-ભાત મળી જાય, ખેતરમાં જાય તો ઝીણા ઝીણા દાણા અને જીવજંતુ મળી જાય.

ચકાભાઈ કહે, ' ચાલો, દાણા શોધવા જઈએ.'

ચકીબેન કહે, 

'બહુ ખાધા દાણા,

હવે તો નથી ખાવા.

ચાલો પિઝા ખાવા,

મોજ મજા કરવા.' 

ચકો કહે, 

'ચકી, જરા સાંભળો,

આ ખોરાક નથી આપણો. 

આપણાથી ના ખવાય.

ખાઈએ તો માંદું પડાય.'

ચકીબેન તો પાછા રિસાયા. હવે ચકીબેન રિસાય એ તો ચકાભાઈને ક્યાંથી પોસાય?

બેઉ તો ઊપડયા જમવા અને પહોંચ્યાં એક હોટેલમાં. ચકીબેને તો પેટ ભરીને પિઝા ખાધા, બર્ગર ખાધું, ચાંચ બોળી બોળીને પાણીપુરીનું તીખું પાણી પણ પીધું, અને બાકી હતું તે ઈડલી પણ ખાધી. ચકીબેનનું પેટ તો એટલું ભરાઈ ગયું કે તેમનાથી ઊડી પણ ના શકાય. માંડ માંડ પાસેના ઝાડ ઉપર પહોંચ્યાં.

રાત પડી. ઓચિંતા ઠંડી હવા વહેવા લાગી. બેઉં થરથર ધૂ્રજે, પણ કરે શું? તેમની પાસે ક્યાં માળો હતો? થોડીવાર થઈ ત્યાં તો ચકીબેન પેટ પકડીને રડવા લાગ્યાં. 'ઓઈ મા... દુખે છે મારું પેટ!'

ચકાભાઈએ માથું કૂટયું. કહે, 'તને કહ્યું તો હતું કે આ આપણો ખોરાક નથી. હવે આ શહેરમાં વૈદરાજને ક્યાં ગોતવા? આ કંઈ આપણું ગામ થોડું છે?'

આ સાંભળી ચકીબેન તો જોરજોરથી રડવા લાગ્યાં. તેમનો અવાજ સાંભળી બાજુના માળામાંથી કાબરબેને ડોકું કાઢયું. તેમણે જાણ્યું કે બંને નવાં નવાં શહેરમાં આવ્યા છે. તેમણે કહ્યું, 'રડો નહીં ચકીબેન, હું દેશી દવા આપું છું, સારું થઈ જશે. પણ હવે ખાવામાં ધ્યાન રાખજો. શહેરનો ખોરાક ટેસ્ટી હોય પણ પેટ બગાડે. આપણે તો આપણો જ ખોરાક ખવાય.'

ચકીબેન કહે, 'ભૂલ થઈ ગઈ કાબરબેન, હવે ધ્યાન રાખીશ.'

ચકીબેને દવા પીધી, પેટનો દુખાવો તો મટયો, પણ ઠંડીમાં કંઈ ઊંઘ આવે? જેમ તેમ કરીને રાત કાઢી. બીજા દિવસે સવારે સૌથી પહેલાં તેમણે માળો બનાવવા જગ્યાની શોધ કરી. તેઓ 'ચીં... ચીં' કરતા બધે ઊડે, પણ ચકા-ચકીને આ શહેરમાં માળો બનાવે એવી શાંત જગ્યા ક્યાંય મળે નહીં. વળી, વાહનોના ઘોંઘાટ અને ઝેરી હવા. ચકીબેનને તો માથું દુખવા લાગ્યું. છીંકો આવવા લાગી. બેઉ શહેરમાં આવીને સાવ માંદાં જેવા થઈ ગયાં.

ચકીબેનને પોતાની ભૂલ સમજાઈ. તેમણે ચકાભાઈને કહ્યું- 

'ચાલો ચકારાણા, આપણા ઘેર. 

ત્યાં જ આપણે તો લીલાલહેર!'

ચકાભાઈએ હળવેથી ચકીબેનની પાંખ પર પોતાની પાંખ ફેરવી અને કહ્યું, 'જોયું ચકી! દૂરથી ડુંગર રળિયામણા લાગે, પણ સાચી શાંતિ તો આપણા પોતાના માળામાં જ મળે.'

બીજે દિવસે સવાર પડતાં જ, બંનેએ શહેરના ઊંચા સિમેન્ટના જંગલોને કાયમ માટે અલવિદા કહી દીધી. ઊડતાં ઊડતાં તેઓ પાછાં પોતાના વહાલા ગામડે આવી પહોંચ્યાં. ગામનાં તળાવનું મીઠું પાણી પીધું, ખેતરમાંથી વીણીને તાજા બાજરીના દાણા ખાધા અને પોતાના માળામાં આવીને નિરાંતે સૂઈ ગયાં. હવે કોઈ ગમે તેટલા શહેરના વખાણ કરે પણ ચકીબેન ભોળવાય નહીં. હવે ક્યારેય શહેર જવાની કે પિઝા-બર્ગર ખાવાની જિદ્દ કરતા નથી.