Get The App

પુસ્તક મેળાની સફર !

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
પુસ્તક મેળાની સફર ! 1 - image

- વેદના મિત્રોએ ભરબપોરે તેને રમવા બૂમ પાડી પણ, વેદ ગયો નહીં. તેણે મિત્રોને ઘરમાં બોલાવ્યા ને પુસ્તકો બતાવ્યા. વેદના મિત્રોને પણ આ બાળવાર્તાના પુસ્તકોમાં રસ પડવાથી વાંચવા બેસી ગયા. ચાર ક્યાં વાગી ગયા તેની ખબર ન પડી!

વેદભાઈ તો ખૂબ તોફાની! સવાર પડી નથી કે બોલ-બેટ હાથમાં લીધા નથી! સ્કૂલથી આવીનેય દફતર ગમે ત્યાં નાખી શેરીનાં બાળકો સાથે રમવા જતા રહે. સાંજ પડે એટલે મમ્મી પરાણે વેદભાઈને શોધી લાવે. વેદભાઈને તો હવે ઉનાળાની રજાઓ પડી ગઈ. વેદભાઈ તો સવાર કે સાંજ જોતા નથી ને આખો દિવસ બસ એમને બેટ જ દેખાય છે! શેરીને નાકે છોકરાં સાથે મેચ રમી મજા કરે છે. ક્યારેક કોઈની બારીના કાચ ફૂટવાની તો ક્યારેક કોઈકને બોલ વાગવાની ફરિયાદ પણ આવે છે. મમ્મી ને દાદી બંને વેદની તોફાન-મસ્તીથી કંટાળી ગયાં છે પણ, કરેય શું!

આજે તો દરરોજની જેમ સવારે વેદના દાદા તૈયાર થઈને રામજી મંદિરે ગયા. ત્યાં બાજુના હોલમાં પુસ્તક મેળો હતો. પુસ્તક વાંચવાના શોખીન દાદા તો દર્શન પતાવી પુસ્તક મેળામાં ગયા. ત્યાં જાત-જાતનાં પુસ્તકો જોવાની ને ખરીદવાની એમને મજા આવી ગઈ. 

બપોરે બાર વાગ્યા તોયે દાદા ઘરે આવ્યા નહીં એટલે દાદી અકળાયાં, 'આજે તો શહેરની લટાર મારવા ઉપડી ગયા છે કે શું? ભૂખ-બૂખ લાગી હશે કે નહીં? કોણ જાણે ક્યારે વળશે!' 

આટલું બોલ્યાં ત્યાં તો વેદ રમીને આવી ગયો ને ઝટપટ જમવા બેસી ગયો. થોડીવાર થઈ ને દાદા એક હાથે ડંગોરો ને બીજા ખભે મોટો પુસ્તકો ભરેલો ઝોલો લઈને ઓટલે ચઢયા. આવ્યા તેવા જ દાદીનો ઠપકો ખાધો! પુસ્તકો ભરેલો ઝોલો એમણે સોફા પર મૂક્યો ને ઉતાવળા પગે હાથ-પગ ધોઈ જમવા બેસી ગયા.

થોડીવારમાં તો વેદ ફટાફટ જમીને સોફા પર આવી ગયો. ઉત્સુકતા સાથે તેણે ઝોલો ફંફોળ્યો! જોયું તો એમાં સરસ મજાની રંગબેરંગી ચિત્રોવાળી વાર્તાની ચોપડીઓ હતી. ચિત્રો જોઈને ખુશ થયેલો વેદ તો ફટાફટ ચોપડીનાં પાના ફેરવવા માંડયો. એને તો મોટા અક્ષર ને સુંદર ચિત્રોવાળી વાર્તાઓમાં એટલો રસ પડયો કે એ સોફાના ખૂણે વાંચવા બેસી જ ગયો. દાદા જમીને આવ્યા. તેમણે વેદને આમ ડાહ્યો-ડમરો થઈને બેઠેલો જોઈ ખૂબ નવાઈ લાગી. વેદના હાથમાં બાળવાર્તાનું પુસ્તક જોઈને દાદા ને દાદી ખૂબ ખુશ થઈ ગયાં. નાનકડી વેદા પણ દાદાના ખોળામાં બેસીને ચિત્રો જોવા માંડી.

વેદના મિત્રોએ ભરબપોરે તેને રમવા બૂમ પાડી પણ, વેદ ગયો નહીં. તેણે મિત્રોને ઘરમાં બોલાવ્યા ને પુસ્તકો બતાવ્યા. વેદના મિત્રોને પણ આ બાળવાર્તાના પુસ્તકોમાં રસ પડવાથી વાંચવા બેસી ગયા. ચાર ક્યાં વાગી ગયા તેની ખબર ન પડી! વેદ અને તેના મિત્રોએ ઉત્સુકતાથી દાદાને પૂછયું, 'આ પુસ્તકો તમે ક્યાંથી લાવ્યા દાદાજી?'

'જુઓ બાળકો, ત્રણ રસ્તે રામજી મંદિરના હોલમાં પુસ્તક મેળો લાગ્યો છે. ત્યાં બાળ પુસ્તક વિભાગ છે, તેમાંથી લાવ્યો.' 

પુસ્તક મેળો શબ્દ સાંભળીને બાળકો નવાઈ પામ્યા. વેદ બોલ્યો, 'દાદા, બધા મેળો જોયા પણ આ પુસ્તક મેળો જોયો નથી. એ મેળો કેવો હોય? '

દાદાએ કહ્યું, 'તો આવતીકાલે સવારે હું તમને બધાને પુસ્તક મેળો જોવા લઈ જઈશ.' વેદ અને તેના મિત્રો ખુશ થઈ ગયા.

બીજે દિવસે વેદ, વેદા, હસ્તી, પૂર્વ, વ્રજ, વીર અને ક્રિષ્ણા દાદા સાથે પુસ્તક મેળો જોવા નીકળ્યા. વેદ અને વ્રજનાં દાદી પણ મેળો જોવા એમની સાથે જોડાયાં. પુસ્તક મેળામાં સૌએ પ્રવેશ લીધો. પછી બાળકોએ દાદા સાથે ફરીને જાત-જાતનાં પુસ્તકો જોયાં અને ખરીદી કરી. વ્રજનાં દાદીએ ભજનનાં પુસ્તકો ખરીદ્યાં. વેદનાં દાદીએ રસોઈની રેસિપીનાં પુસ્તકો ખરીદ્યાં. સૌને પુસ્તક મેળામાં ખૂબ મજા આવી. વેદાએ હરખથી ચિત્રપોથી (રંગપૂરણીનાં પુસ્તકો) ખરીદી. બપોર થતાં સૌ આનંદ અને ઉત્સાહ સાથે ઘર તરફ પાછા ફર્યા. બાળકોએ સાથે મળી દાદાજીનો આભાર માન્યો.