ગમ્મત સાથે જ્ઞાાન આપતી ગામઠી બોલી
- 'રાજન! આ તો અમારી ગામઠી બોલી, થોડામાં ઘણું સમજવાની બોલી. આપ રાજા છો એટલે આપને હું સમજણ પાડુ'
ના નકડા નગરનો રાજા. રાજાને પ્રજાના સુખદુ:ખ જાણવાની તીવ્રઝંખના. એટલે રાત પડે અને રાજા પહેરવેશ બદલીને મધરાતે નગરચર્ચા સાંભળવા નીકળી પડે. એક દિવસ રાત્રીના બારેક વાગ્યા હશે અને રાજા વેશપલટો કરી નગરચર્ચા જોવા નીકળી પડયો છે. માથે મોટુ પાઘડું, બગલમાં કપડાંમાં વીંટાળેલી દાતરડુ, અને હાથમાં લાકડી લીધી છે.
રાજાની આગળ આગળ ત્રણ મજુર જેવા લાગતા ડોસો, ડોસી અને તેની બારતેર વરસની છોકરી ચાલ્યા જાય. શિયાળાની રાત્રી હોવાથી ચારેબાજુ સુનકાર વ્યાપી ગયો છે. ફક્ત ગામના છેવાડાના ફળિયામાંથી ભજનના સૂર સંભળાય છે. રાત્રી હોવાથી અને બીજો કોઈ અવાજ ન હોવાથી આ ત્રણેય જણાને અને પાછળ પાછળ આવતા રાજાને ભજન ચોખ્ખુ સંભળાય છે.
સાંભળતા સાંભળતા આ ચારે જણા જા યછે, ત્યાં અચાનક છોકરી બોલી ઉઠી : 'મને તો ટેરવાં મીઠાં લાગે છે. પાછળ મજુરના વેશમાં આવતો રાજા આ સાંભળી ચમક્યો ! અત્યારે અડધી રાતે આ છોકરીને ગામ વચોવચ ટેરવાં ક્યાંથી યાદ આવ્યાં ? અને પાછી કહે છે 'મને તો ટેરવા મીઠા લાગ્યા' ત્યાં છોકરીની વાત નો જવાબ આપતી હોય તેમ માં બોલી 'મને તો તુંબડું મીઠું લાગે છે.''
રાજા વળી પાછો ભડક્યો અને મનમાં બોલ્યો. 'તુંબડું તે ખવાતું હશે ? અને આ મજુરણ ડોસી 'તુંબડું મીઠુ લાગે છે'' એવું બોલે છે; મધરાતે તે તેનો કયો સગો તુંબડું ખાવા આપતો હશે ? અને તે પણ રસ્તા વચ્ચે ? રાજા તો વળી પાછો મુંઝાણો, ત્યાં છોકરીના બાપને થયું કે હું શાનો રહી જાઉં ? એથી તેણે દીકરી અને તેની ડોશીને ઉદ્દેશીને કહ્યું. મને તો કડવું મીઠુ લાગે છે. આમ ત્રણેય જણા પાસેથી ઢંગધડા વગરની વાત સાંભળી રાજાનો મિજાજ ગયો, તે ભૂલી ગયો કે તે વેશ પલટો કરીને આવેલો મજુર છે, તેણે ત્રણેયના આડે ફરીને કહ્યું : ખબરદાર, ઉભા રહો, મને કહો આ શું ઢંગધડા વગરની વાત કરો છો ? છોકરી કહે મને ટેરવાં મીઠાં લાગે છે. ટેરવાં તે કાંઈ ખાવાની ચીજ છે ? વળી આ માજી પાછા કહે છે મને તો તુંબડું મીઠું લાગે છે.
બાકી હતું તે તમે પૂરૂ કર્યું અને કહ્યું : 'મને તો કડવુ મીઠું લાગે છે' કડવું તો કડવું જ હોય, એ વળી મીઠુ ક્યાંથી બને ? મને તમારી ભાષામાં ખબર પડતી નથી, કાં તો મને સમજાવી ને જાવ, અથવા તો પછી જેલમાં જવા તૈયાર રહો ! હું આ નગરનો રાજા છું. વેશપલટો કરી નગરચર્ચા જોવા નીકળ્યો છું. તમારૂ ભલુ ચાહતા હોય તો ચોખ પાડીને જાવ. સામે ઉભેલ મજુર રાજા છે એવું જાણી વૃધ્ધ ડોસો હાથ જોડી કરગરવા લાગ્યો અને કહેવા લાગ્યો : રાજન ! આ તો અમારી ગામઠી બોલી, થોડામાં ઘણું સમજવાની બોલી.
આપ રાજા છો એટલે આપને હું સમજણ પાડુ. આપને સમય હોય તો દિવાબતીના થાંભલા નીચે આપણે બેસીએ. રાજાને તો ગમે તે રીતે આ બોલીનો તાગ લેવો હતો એટલે એ તો થાંભલા નીચે પલાંઠી વાળી બેસી ગયો. એની સામે અદબથી ડોસો બેઠો - થોડે દુર મા દિકરી બેઠાં એટલે ચલમ સળગાવી ડોસો બોલ્યો 'મહારાજા ! આ અડધી રાત્રે આપને કાંઈ સંભળાય છે ? રાજા કહે 'હા, ભજનનો અવાજ આવે છે' ડોસો કહે બરોબર, હવે આ ભજન ગાવામાં શાની શાની જરૂર પડે ? રાજા કહે કેમ વળી ? નરઘાં, તંબુરો અને ભજનગાનાર ભજનિકની, વૃધ્ધ મજુર કહે : બરોબર, હવે આપ મને કહો નરઘું વગાડાય શી રીતે ? રાજા કહે : 'કેમ વળી આંગળીના ટેરવાથી, ડોસો કહે 'આપે સાચું કહ્યું. એટલે જ મારી દીકરી બોલી કે મને તો નરઘું વગાડનારના આંગળીના ટેરવાં મીઠાં લાગે છે. એજ રીતે દીકરી માં બોલી કે તંબુરો જે તુંબડામાંથી બને છે એ તુંબડું મીઠું લાગે છે.
વળી મને નરઘાં, તંબુરા કરતા પણ ભજન ગાનારે જે ભજન પસંદ કર્યું તે 'કડવુ' મીઠુ લાગે છે. રાજા તો મજુરની આ વાત સાંભળી ચકિત થઇ ગયો પણ પછી બોલ્યો ટેરવાં અને તુંબડાની વાત તો સમજ્યા, પણ તમે જે બોલ્યા કે મને તો 'કડવું મીઠુ લાગે છે' તેનું શું ? વૃધ્ધ ડોસો કહે રાજન ! ભજનના પણ પ્રકાર હોય છે, જેમ કે, કડવુ, સ્તૃતિ, પ્રભાતિયુ વગેરે વગેરે ્ત્યારે આ ભજનીક જે ભજનગાય છે તે 'કડવું' પ્રકારનું ભજન છે. એટલે મેં કહ્યું કે મને તો 'કડવુ' મીઠુ લાગે છે ! રાજન ! આ અમારા ગામડાની બોલી છે.
આખી વાત ને લાંબીવાત ને ટુંકાણમાં કહેવાની આ અમારા ગામડિયા લોકોનની બોલી છે. રાજા તો ડોસાની આ કેફિયત સાંભળી આભો જ બની ગયો, અને ડોસાનો ખભો થાબડી બોલ્યો : 'દાદા, તમારી આ ગામઠી બોલીને જીવંત રાખજો. અને લ્યો આ તમારૂ ઇનામ કહી રાજાએ તેને એક સોનામહોર આપી રાજી કર્યો.'
- યુસુફ મીર