એક ભલી મજાની છોકરી .
- 'ઝૂંપડાંમાં બાળકો રહે છે. અમુક મારાથી મોટાં,તો અમુક નાનાં. એ બધાં ખુલ્લા પગે મારે છે આંટા એટલે ક્યારેક એને લાગે છે પગમાં કાંટા. આપણે એ બધાંને સરસ મજાનાં ચંપલ લઈ દઈએ તો?'
- દુર્ગેશ ઓઝા
એક હતી છોકરી. નામ એનું દિઆરા. એને ચિત્રો ને મિત્રો બનાવવાં બહુ ગમે. એના પપ્પાનું નામ આલોક. એમણે લઈ દીધા હતા એને રંગબેરંગી ચોક. દિઆરાનાં મમ્મીનું નામ ધારણા. એમણે ખોલ્યાં ઘરનાં બારણાં, ને કહ્યું 'જો દિયુ, આ આપણું સરસ મજાનું મોટું ફળિયું! એમાં કેવાં જાતજાતનાં રંગબેરંગી ફૂલછોડ છે! ને જો પેલી ખિસકોલી!'
દિઆરાએ ઝાડ ઉપર બેઠેલી ખિસકોલીનું સરસ મજાનું ચિત્ર દોર્યું. એ ચિત્ર જોઈને આલોક કહે, 'વાહ સરસ!'
ધારણા કહે, 'શાબાશ દિઆરા!'
દિઆરા ચોક, પેન્સિલ વગેરેથી જાતજાતનાં ચિત્રો દોરે, ને પછી એમાં ભાતભાતના રંગો પૂરે. એ જાડોપાડો હાથીય દોરે ને નાનકડી કીડીય દોરે. માણસ પણ દોરે ને વૃક્ષ પણ દોરે. પપ્પાએ એને રંગોની ડબ્બીઓ ને પીંછીઓની પેટીય લઈ દીધી હતી.
દિઆરાને ગાતાય સરસ આવડે. હજી તો એની ઉંમર માત્ર આઠ વર્ષની, પણ એને આખાં ને આખાં ગીતો મોઢે હોય, બોલો!
એક હતી અંતરા. આદિત્ય, ત્વરા ને દિઆરા એનાં પાકાં મિત્રો. અંતરાના ઘરમાં એક મોટું ફળિયું. ત્યાં સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જ્યાં સંગીત અને નૃત્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંતરા કહે, 'ત્વરા એટલે ઝડપ. જા ઝડપથી જા ને નાચી બતાવ.'
અંતરના ભાઈ દધીચિએ એક ગીત ગાવાનું શરૂ કર્યું. એનો કંઠ બહુ મધુરો. ત્વરાએ એ ગીત ઉપર સરસ મજાનું નૃત્ય કર્યું. બધાએ ખૂબ તાળી પાડી.
એ પછી દિઆરા આવી આગળ. ખોલીને બતાવ્યો એણે એક કાગળ. એણે કહ્યું, 'જુઓ આ કાગળમાં મોર છે મોર. એ મેં દોર્યો છે.'
સરસ ચિત્ર જોઈ બધાએ તાળી પાડી ત્યાં તો દિઆરા ડોલીને કહે, 'હવે હું તમને મોરભાઈનું એક ગીત સંભળાવીશ.' એ ગાવા માંડી:
'મારા ફળિયામાં એક આવે છે મોર,
ફરતો એ ફળિયામાં બસ ચારેકોર,
હું અડતી એને એ થાતો રાજી,
પીછાં રંગીન એનાં, આંખો ચકોર,
કરતો ટેહુક ટેહુક નાચે છમછમ,
એને જોઈ મેઘો આવે ઝમઝમ ઝમઝમ
ઝમઝમ ઝમઝમ, રુમઝુમ રુમઝુમ, રુમઝુમ...'
એણે કાગળમાં કે મોબાઈલમાં કે બીજે ક્યાંય એ ગીત જોયું નહીં, વાંચ્યું નહીં. એ તો સ્ટેજ પર ચડી ગઈ હતી સડસડાટ ને ગાવા લાગી હતી મોઢે કડકડાટ. ગીત પૂરું થતા જ સૌએ તાળીઓનો કર્યો જોરદાર ગડગડાટ.
બે દિવસ પછી દિઆરાનો જન્મદિવસ હતો. પપ્પા કહે, 'બોલ, તારે તારા જન્મદિવસે શું લેવું છે?'
મમ્મી બોલી, 'હા, બોલ, તારે ઢીંગલી જોઈએ છે? ચાવીવાળી કે બેટરીવાળી બસ જોઈએ છે? નવું ફ્રોક લેવું છે? નવી રંગપેટી લેવી છે? બોલ.'
દિઆરા કહે, 'એ બધું તો તમે મને લઈ દીધું. મારે એ કાંઈ નથી જોઈતું.'
પપ્પાએ પૂછયું, 'તો પછી તારે શું જોઈએ છે?'
'પપ્પા, હું માંગું એ તમે આપશો ને? પાકું ને? ફરી નહીં જાવ ને?'
'અરે હું આમ જ સીધો ઊભો રહીશ. નહીં ફરું ડાબી બાજુ કે નહીં ફરું જમણી બાજુ! બસ હવે કાંઈ?'
'એમ નહીં પપ્પા, હું એમ ફરવાનું નથી કહેતી. તમે બોલીને ફરી નહીં જાવ ને એમ પૂછું છું!'
'નહીં ફરું, તું કહે એ હું કરું. તું ડાહી દીકરી છે એટલે તું સારું જ માંગીશ એની મને પાકી ખાતરી છે. બોલ.'
દિઆરા તો મમ્મી-પપ્પા, દાદા-દાદી બધાંને અગાસીમાં લઈ ગઈ ને બોલી:
'મારું નામ દિઆરા,
જુઓ આકાશમાં કેવાં ચમકે સિતારા!
પોચા પોચા રૂ જેવાં વાદળ પણ કેવાં સુંદર!
ચાંદામામા પણ કેવા મજાના ચમકે છે,
ને બધા જ તારા ને વાદળ સામે એ કેવું મીઠુંમીઠું મલકે છે!
એ એકેય તારા કે વાદળને છોડી નથી દેતા.'
ધારણા કહે, 'વાહ દિઆરા! તારી વાત બહુ સરસ લાગે છે, પણ તું કહેવા શું માંગે છે?'
'મમ્મી, આ વખતે મારે જન્મદિવસે મારા માટે કાંઈ કરતાં કાંઈ નથી લેવું. જુઓ પેલાં ઝૂંપડાં જુઓ. કુલ આઠ ઝૂંપડાં છે. મેં ગણ્યાં હતાં. એમાં થોડાંક બાળકો રહે છે. અમુક મારાથી મોટાં, તો અમુક નાનાં. એ બધાં ખુલ્લા પગે મારે છે આંટા એટલે ક્યારેક એને લાગે છે પગમાં કાંટા. આપણે એ બધાંને સરસ મજાનાં ચંપલ લઈ દઈએ તો? હું ચાંદો તો એ બધાં તારલા ને વાદળ. મારા જન્મદિવસે મારે આ જોઈએ.'
ઉમેશદાદા કહે, 'વાહ દિયુ વાહ! આ તો તેં ખૂબ સારી વાત કરી. આપણે એમને ચંપલ જરૂર લઈ દઈશું.'
મોનિકાદાદી કહે, 'મારી મીઠડી ને ભલી દિયુ, તું કેટલી સારી છો!'
દિઆરા કહે, 'એ ચંપલ પહેરીને જે છોકરાંવ આવ્યાં હશે એનું હું સરસ મજાનું ચિત્ર બનાવીશ.' પપ્પા કહે, 'આપણે એને ચંપલ જ નહીં આપીએ, એમને જમાડીશું, રમાડીશું. ખૂબ મજા કરશું. બસ, હવે રાજીને?'
મમ્મી બોલી, 'ને દિયુ, તે દિવસે તારો જન્મદિવસ ઉજવવા તારાં મિત્રો, તારાં રશ્મિનાની, રાજુનાના ને કથનમામા પણ આવશે હો!'
દિઆરા તો રાજી થઈને વારાફરતી મમ્મી-પપ્પાને વળગી પડી ને ગાવાં લાગી:
'મારું નામ દિઆરા,
મમ્મી પપ્પા સારાં,
દાદા-દાદી, નાના નાની બહુ પ્યારાં...'
દિઆરાના જન્મદિવસે એનાં ઘરનાં બધાંએ, મિત્રોએ, વગેરેએ એને જન્મદિવસનાં અભિનંદન આપ્યાં. બધાં પેલાં ઝૂંપડાં પાસે ગયાં. દિઆરાએ પોતાના હાથે બાળકોને ચંપલો આપી જન્મદિવસ ઉજવ્યો. બધાં ભેગાં મળી ત્યાં અંતાક્ષરી, ઊભી ખો, સાતતાળી, લંગડી વગેરે રમતો રમ્યાં ને જમ્યાં. બધાને ખૂબ મજા પડી હો!