જમીનથી 3 ઇંચ અધ્ધર રહી દોડતી મેગ્લેવ ટ્રેન
બે લોહ ચૂંબકના સમાન ધ્રુવો એકબીજાથી દૂર ભાગે અને અસમાન ધ્રુવો એકબીજાની નજીક ખેંચાય. આ જાણીતી વાત છે. એન્જિનિયરોએ શક્તિશાળી ચૂંબકનો ઉપયોગ ટ્રેન દોડાવવામાં કર્યો છે. આ ટ્રેન જમીનથી ત્રણ ઇંચ અધ્ધર રહીને દોડે છે.
તેના પાટા અને ચૂંબકના બનેલા હોય છે. અને ડબાના તળિયે પણ ચૂંબક હોય છે. આ બંને ચુંબકોના ધ્રુવોની ગોઠવણી એવી રીતે કરી છે કે ટ્રેનમાં ડબા અપાકર્ષણ પામીને પાટાથી ત્રણ ઇંચ ઊંચા રહે આ ટ્રેનને 'મેગ્લેવ' ટ્રેન કહે છે. આ ટ્રેન કઈ રીતે દોડે તે પણ જાણવા જેવું છે.
મેગ્લેવ ટ્રેનના પાટા પર સળંગ મેગ્નેટિક કોઈલ લગાડેલી હોય છે. તેને પાટા કે ટ્રેક નહીં પણ ગાઈડ વે કહે છે. ટ્રેનના ડબાના તળિયે પણ કતારબંધ મેગ્નેટ લગાડેલા હોય છે. બંને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય એટલે ટ્રેનના ડબા પાટાથી દૂર ૩ ઇંચ ઊંચકાઈને હવામાં લટકે છે. આ દરમિયાન પાટા ઉપરની કોઈલમાં વીજપ્રવાહ દાખલ થાય એટલે તેના ચુંબકીય ધ્રુવો વારંવાર બદલાય છે. પરિણામે ટ્રેનના ડબાને આકર્ષણ અને અપાકર્ષણનો સિલસિલો ચાલુ થઈ ટ્રેન આગવ વધે છે.
આ ટ્રેન પાટાથી અધ્ધર રહેતી હોવાથી તેને ઘર્ષણ લાગતું નથી. એટલે કલાકના ૫૦૦ કિલોમીટરની ઝડપે દોડે છે. વળી આ ટ્રેન જંરાય અવાજ કર્યા વગર જ ચાલે છે. જર્મની અને જાપાનમાં આ ટ્રેનના વ્યાપક પરીક્ષણો અને ઉપયોગ થયા છે. તેમાં ઘણી નવી પધ્ધતિઓ પણ નીકળી છે.