પાઠ શિખવાડ્યો પ્રતિજ્ઞા કરીને .
પાકિસ્તાને સહુથી વધુ ધોંસ કાશ્મીર પર રાખી હતી એટલે સુધી કે બીજી થોડીક હાર મેળવીને પણ તે કાશ્મીર મેળવવા તૈયાર હતું. તેને એમ હતું કે કાશ્મીર જો આપણા હાથમાં આવી જાય તો ભારત એની મેળે બંગલાદેશ પરની પોતાની પકડ ઢીલી કરી દે.
એટલે જ પાકિસ્તાને વધુમાં વધુ કાશ્મીર પર ચલાવ્યો હતો. તેમાંય શ્રીનગર તો તેનું મુખ્ય લક્ષ્ય હતું. પાકિસ્તાનને માટે પાછું આ યુદ્ધ કંઈ ધર્મયુદ્ધ ન હતું. તે તો ગમે તે પ્રકારે વિનાશ જ નોતરવા માગતું હતું. હાથમાં ન આવે અને નુકશાન થાય તેનો આનંદ પણ તેને ઘણો હતો. આ રાક્ષસી આનંદ ખાતર તેણે શ્રીનગરને ભંગાર નગર બનાવવાનો નિર્ણય કર્યો હતો. વખતોવખત ધાડાંનાં ધાડાં વિમાનો ઉડી આવતાં. બેફામ દારૂગોળો વીંઝીને ચાલ્યાં જતાં.
ત્રીજી ડિસેમ્બર પાકિસ્તાને સહુ પ્રથમ અઢાર વિમાનો શ્રીનગર પર ઉડાડયાં હતાં. ત્યારબાદ ચૌદમી સુધીમાં સેંકડોવાર તેનાં સેબર અને મિરાજનાં ધાડાં ફરકી ગયાં પણ શ્રીનગરનો વાળ વાંકો થયો નહિં. કારણ? કારણ કે આપણી પાસે નિર્મળજીત સિંહ જેવા ઉડતા જવાનો હતા. જેઓ દરેક રીતે નિર્મળ રહેતા. જીત સિવાય બીજી વાતને પિછાનતા ન હતા અને તેમની જિંદગી જ સિંહની જિંદગી હતી. ૧૪ મી ડિસેમ્બરની વાત લો. નિર્મળજીને આ અગાઉ અનેકવાર પાક વિમાનોને ભગાડી ચૂક્યા હતા. પણ ત્યારે બીજાં વિમાનો સાથે તેમણે જુગલબંધી જોડી હતી. જ્યારે ૧૪ મીએ તેમણે એકલે હાથે મોરચો સ્વીકાર્યો હતો.
પાકિસ્તાને આજે હદ કરવા માંડી હતી. તેનાં વિમાનો આવી આવીને બોમ્બ ઝીંકી જતાં હતાં. આ જુલમને કાબુમાં ન લેવામાં આવે તો પાકિસ્તાન વધુ વીફરી બેસે તેમ હતું.
પાકિસ્તાનને તેની આ હરકત સામે પાઠ શિખવાડવો જરૂરી હતો. અને એ પાઠની પ્રતિજ્ઞાા લીધી નિર્મળજીતે.
નિર્મળ જ્યારે પોતાના હવાઈ અધિકારી સામે આ પ્રતિજ્ઞાા લઈ ચૂક્યો હતો ત્યારે જ પાકિસ્તાનના ચાર સેબરજેટોએ એક સાથે શ્રીનગર પર આક્રમણ કર્યું.
જ્યારે આ રીતે આક્રમણ થઈ રહ્યું હોય ત્યારે પોતાનું વિમાન લઈને જવું એ મોતના મોમાં કૂદકો મારવા જેવું જ મનાય. નિર્મળજીતે એમ જ કર્યું. તેણે પોતાનું એક નેટ હેંગરમાંથી બહાર કાઢ્યું અને ચાર સેબરોનો પીછો કર્યો.
પોતાની પાછળ નેટને આવતું જોઈ સેબર ખુશી પ્રગટ કરવા લાગ્યાં. તેમને લાગ્યું કે નેટ સામું ચાલીને મરવા આવ્યું છે. ચાર ચાર હાથીઓ પાછળ કુતરું પડયું હોય તેવી તેમની માન્યતા હતી. પણ આ કુતરું ન હતું. આ તો સિંહ હતો.
સિંહ માત્ર નામનો સિંહ નહિ, આકાશી સિંહ, આકાશી યુદ્ધમાં ઉસ્તાદ સિંહ.
નિર્મળસિંહે સહુ પ્રથમ બે સેબરજેટને પોતાની સાથેના યુદ્ધમાં ગૂંચવી માર્યાં. પોતાની વ્યૂહરચનાની વચમાંથી એ બંનેને તેણે એવાં તો છકાવ્યા કે એ બંનેને જીત હાથવેંતમાં લાગી. પણ નિર્મળ માત્ર નિષ્ણાત હવાબાજ જ હતો, પારંગત નિશાનાબાજ પણ હતો. તેણે પોતાની કાબેલિયત વડે પહેલાં એક સેબરને ઘાયલ કર્યું અને પછી તરત જ બીજા વિમાનને ધૂમાડા ઓકતું બનાવી દીધું.
બે બે વિમાનોની આ હાલત થયેલી જોઈ બીજા બે વિમાનો ચૂપ રહી શક્યાં નહિ. તેમને લાગ્યું કે હવે આ નેટના બચ્ચાને સીધું કરવું જ પડશે. તેમણે પૂરી ઝડપ અને ચાલબાજી સાથે નિર્મળના નેટને સકંજામાં લીધું.
નિર્મળ એક સકંજમાં આવે તેવો ન હતો. ઉપર આમતેમ આડા સીધા અને વક્રાકાર તથા ગોળાકારે વિમાનો એવાં ગુલાટો ખાતાં હતાં કે જોનારનું કાળજું થંભી જાય.
નિર્મળે જાતે તો કાળજું મૂકીને જ ઝંપલાવ્યું હતું. એટલે તેનો તો પરવા જ ન હતી. હા, જેઓ પ્રાણ મૂકીને જ દેશની પ્રાણરક્ષા કરવા તત્પર થાય છે તેને વળી પ્રાણની પરવા કેવી? નિર્મળ બાકીનાં બે સેબરને ભારતીય દિશામાં ખેંચવાનો પ્રયાસ કરતો હતો. જો એમ બને તો જમીન પરની વિમાન વિરોધી તોપો એ સેબરને બોલાવી શકે. જ્યારે બીજી બાજુ બંને સેબર નિર્મળને પાક સરહદ તરફ ખેંચતા હતાં. નિર્મળ એ સાણસા વ્યૂહમાંથી બચવા માંગતો હતો.
પણ અગાઉનાં બે સેબરની ભુલ પાછળનાં બે સેબર જાણી ગયાં હતાં. તેમણે જુદી જુદી દિશાએથી નિર્મળ ઉપર હુમલો કર્યો અને હુમલો સતત ચાલુ રાખ્યો. તેમાંય જ્યારે નિર્મળે ત્રીજા સેબરની પૂંછડીએ આગ ચાંપી ત્યારે ચોથુ સેબર મરણિયું બન્યું. આ રમત નથી, આ તો જીવસટોસટનો ખેલ છે એમ જાણી જઈને તેણે છેવટનો દાવ ખેલ્યો.
છેવટના દાવમાં બંને વિમાનોએ એક બીજાને જખ્મી બનાવ્યાં. દ્વન્દ્વ યુદ્ધમાં કોઈ એક જ યોદ્ધો પણ ઘા કરી જ જાય છે. આમાં ચોથું સેબર નિર્મળના જેટને આંચ આપી ગયું. નિર્મળ એ માટે તૈયાર જ હતો. તે તો પોતાની પ્રતિજ્ઞાા પાળવા અધીરો હતો. તેણે હવે ઘાયલ વિમાન સહિત નાસતાં સેબરનો પીછો કર્યો અને તેનું કામ પૂરું કર્યું.
અલબત્ત એ સાથે નિર્મળની જિંદગી પણ પૂરી થઈ હતી. છતાં જેઓ પોતાનું કામ પુરું કરીને જિંદગીને પૂર્ણવિરામ મૂકે છે તેઓ મોતનો અનેરો આનંદ માણે છે. ખરું પૂછો તો એ મોત નથી એ જ જિંદગી છે. નિર્મળસિંહ આવી જિંદગી જીવીને અનેકને જિંદગીના પાઠ શિખવાડી ગયો હતો અને પાકિસ્તાનીઓને તો તેણે એવા પાઠ શિખવાડયા કે તેઓ શ્રીનગર તરફ ફરતાં ડરવા લાગ્યા.