- તે પતંગ દ્વારા આકાશ માપવા માગતો હતો. હા, તેને આકાશ માપવું હતું. આ અભેદ્ય અલૌકિક અદ્ભુત આકાશનું રહસ્ય તેને જાણવું હતું.
ફેરાકાવા શું કરે ? પતંગ ચગાવે, પતંગ ચગાવે
ફેરાકાવા ક્યાં ગયો ? આકાશમાં... આકાશમાં...!
હરીશ નાયક
આકાશ અનંત છે.
જેનો કોઈ અંત જ નથી.
આકાશ કેટલું લાંબુ છે, કેટલું પહોળું છે, કેટલું ઊંડું છે, કેટલું વિશાળ છે ? એ જાણવાનું કુતૂહલ માણસને હંમેશા રહ્યું છે.
નવા માણસને ય છે. એકવીસમી સદીનો અવકાશી વિજ્ઞાાન-માનવ પોતાની રીતે આકાશ માપવાના પ્રયાસો કરે છે.
એવા પ્રયાસો ભૂતકાળમાં ય થયા છે.
પણ માનવી પાસે આકાશ માપવાનું કદી કોઈ સાધન હતું નહિ. એવી કોઈ ફૂટપટ્ટી જ ન હતી, કે જેથી આકાશનું માપ નીકળી શકે.
છતાં આકાશ કેમ માપવું, તેના વિવિધ પ્રયાસો, પ્રયોગો, પરાક્રમો, સાહસો થયાં જ છે.
એમાંનું એક નામ છે જાપાનના ફેરાકાવાનું.
જાપાન આમેય પતંગોનો દેશ મનાયો છે. પરાપૂર્વથી અવનવા પતંગો ચગાવવાનો ત્યાં મહિમા છે. નવી જાતના પતંગો તથા પતંગના ટુક્કલ એટલે કે ફાનસની શરૂઆત જાપાનની જ થઈ. તારલા જેવા પ્રકાશવંત ટુક્કલો રાતના જ શોભી શકે, માટે રાત્રી પતંગની શરૂઆત પણ જાપાનથી જ થઈ. આપણે ત્યાં હવે દિવસની ઉત્તરાયણની જેમ રાત્રી-ઉત્તરાયણની લીલા પણ વિકસી છે. રાત્રી-ક્રિકેટ અને રાત્રી-મકરસંક્રાંતિ આજની દુનિયાનાં આપણાં આકર્ષણો છે.
હા, તો ફેરાકાવા આવો જ પતંગ બાળવીર હતો. બાળપણથી જેને પતંગો ચગાવવાનો ભારે શોખ. પતંગની રમતમાં તે અવનવા કીર્તિમાન હાંસલ કરતો કરતો મોટો થતો ગયો.
પણ ફેરાકાવાને મન પતંગ માત્ર રમત સહેલ કે મોજનું માધ્યમ ન હતો. તે પતંગબાજીને અવનવી દ્રષ્ટિથી જોતો હતો.
તેને તો પતંગ ઊંચે ને ઊંચે મોકલવો હતો, ઘણે ઊંચે, ઘણે ઊંચે.
તે પતંગ દ્વારા આકાશ માપવા માગતો હતો. હા, તેને આકાશ માપવું હતું. આ અભેદ્ય અલૌકિક અદ્ભુત આકાશનું રહસ્ય તેને જાણવું હતું. ખાસ તો એ આકાશ ક્યાં સુધી પહોંચે છે ? તે શરૂ ક્યાંથી થાય છે ? પૂરું ક્યાં થાય છે ? કેટલે ઊંડે ઊંચે સુધી તેનો વ્યાપ છે ?
ફેરાકાવાને આ બધાં આકાશી રહસ્યો પામવા હતા.
તેની પાસે એક જ રસ્તો હતો, તેના પતંગ.
આકાશ માપવા તે અવનવા પતંગો બનાવતો રહ્યો. અવનવા નાના મોટા, વધુ મોટા અને એથીય વધુ મોટા પતંગોને તૈયાર કરતો રહ્યો. વિવિધ જાતના મજબૂત માંજાઓથી તે ચગાવતો રહ્યો.
એ માટે ઋતુ-પરિવર્તનની જરૂર પડે તો ય તે કરતો. ગમે તે ઋતુમાં ગમે ત્યારે પતંગ ચગાવતો. જ્યારે વાદળ ચોખ્ખું હોય અને પવન અનુકૂળ હોય ત્યારે ફેરાકાવા પતંગ લઈને ઊંચા પહાડ કે મેદાનમાં નીકળી પડતો.
સાથે તે પોતાના પુત્ર મેરાકાવાને અવશ્ય રાખતો.
આમ હજાર વાર પતંગ આકાશમાં છોડી જોયો. બે હજાર વારની ઢીલ જવા દીધી. તો પણ આકાશ તો હજી ઊંચું જ લાગે છે, મપાતું જ નથી.
ત્રણ હજાર વાર જેટલી દોરી છોડી જોઈ ? ના, આકાશનો કોઈ અંત ન હતો.
ચારથી પાંચ હજાર વારની લંબાણની ઢીલ જવા દીધી, હજી આકાશ દૂર છે.
મોટો પતંગ, વધુ મોટો પતંગ, વધુ જાડો માંજો, વધુ લાંબો માંજો.
દશ હજાર વાર સુધી તેનો પતંગ પહોંચી શક્યો. પતંગ તો દેખાય જ શાનો ? પણ આકાશ હજી દૂર છે, એ વાત નક્કી.
ક્રમશ: ફેરાકાવાએ ઘર જેવડો મોટો પતંગ બનાવ્યો. જાડામાં જાડો કાગળ. કમાન ઢઢ્ઢામાં તો વાંસ જ જોઈ લો ને !
આપણા પાયજામાના નાડાથી તે ચગાવ્યો. પુત્રની સહાયથી પતંગને જવા દીધો આકાશે.
પૂરા વીસ હજાર વારની દોરી તૈયાર હતી. દોરી કદી ખૂટે તેવી હતી જ નહિ. હવે તો આકાશ જરૂર મપાઈ જશે. આથી કંઈ વધારે તે મોટું નહિ હોય !
પણ જે થવાનું હતું તે જ થયું, ભારે પતંગ ફેરાકાવાને ય ખેંચવા લાગ્યો. જેમ જોરદાર પતંગ ફાનસ કે ટુક્કલને દૂર પહોંચાડે, ફુગ્ગાઓને ખેંચી આકાશમાં રમતાં કરે, તેમજ ફેરાકાવા જાતે જ ખેંચાવા લાગ્યો.
પતંગ જેમ વધુ ઊંચે જતો તેમ ફેરાકાવા વધુ જોરથી ખેંચાતો. તે કોઈ રીતે પોતાની જાતને સ્થિર રાખી શકતો ન હતો. કોઈક થાંભલાને વળગી રહીને તે કેવી રીતે પતંગને રોકી શકે ?
અને પછી તો પૂરી વેગવંતી હવામાં આવેલો પતંગ ફરરર કરતો સડસડાટ દોરી ખેંચવા લાગ્યો.
ફેરાકાવાનું વજન કોઈ હિસાબામાં જ ન હતું.
ફેરાકાવા ખેંચાવા લાગ્યો.
તેનો વિશાળ પતંગ તેને જબરજસ્તીથી ખેંચતો હતો. ધસમસતા પ્રવાહમાં તે તણખલું હતો.
છેવટે તેણે નક્કી કર્યું કે તે પણ પતંગની સાથે જ જશે, આકાશમાં જશે. આકાશમાં ઊંચે ઊંચે જઈને જાતે જ આકાશને માપશે.
તે ગયો, તેનો પતંગ તેને ખેંચી ગયો.
તેણે પુત્રને દોર પકડી રાખવા કહ્યું. પુત્રનું ગજું ન હતું. જાડી નાડાની દોરી હોવા છતાં તે સરરર સરી જતી હતી.
પુત્ર બૂમ પાડતો રહ્યો : 'પિતાજી...! પિતાજી...!'
બધી દોરી ખલાસ, નાડું પૂરું. વીસ હજાર વારની દોરડી પૂરી અને આકાશમાં પિતા ગુમ.
પતંગ તો ક્યારનો ય દેખાતો ન હતો, હવે પિતા ય દેખાતા બંધ થઈ ગયા.
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી પિતાની પાછળ પુત્ર દોડતો રહ્યો : 'પિતાજી...! પિતાજી...!'
વેગીલો પતંગ, વેગીલી રીતે પિતાજી ફેરાકાવાને દૂર લઈ જતો હતો, ઊંચે અને દૂર.
બસ, પિતા ગયા તે ગયા.
તેમણે આકાશ માપ્યું ? કેટલું માપ્યું ? ખબર નથી.
આકાશમાં અદ્રશ્ય થયેલાં પતંગ અને પિતાને મેરાકાવા શોધતો રહ્યો, શોધતો જ રહ્યો. પૃથ્વીની છેવટની કિનારી સુધી જવું પડે તો જવા તે તૈયાર હતો.
પણ ઘણું લાંબું અંતર પડી ગયું.
પિતાજી પાછા ન આવ્યા, તે ન જ આવ્યા.
પુત્ર મેરાકાવા પણ આજીવન અવનવા પતંગો બનાવીને આકાશને માપતો રહ્યો, પિતાને શોધતો રહ્યો.
પણ અનુભવનું તારણ એક જ હતું : આકાશ અનંત છે, અગાઢ છે, અદ્ભુત છે, અલભ્ય છે, અમાપ છે. તેનું માપ નીકળી શકે તેમ જ નથી, ફેરાકાવાના સોગંદ !
જાપાનમાં ફેરાકાવાની કથા જોડતાં ઘણાં ગીતો યાદગાર બન્યાં છે :
ફેરાકાવા શું કરે ?
પતંગ ચગાવે, પતંગ ચગાવે
ફેરાકાવા ક્યાં ગયો ?
આકાશમાં, આકાશમાં
આકાશ તેણે માપ્યું કે ?
માપે છે, હજી માપે છે
આ ગીતો માતા બાળકના હાલરડામાં ગાય છે. બાળગીતો સ્વરૂપે બાળકો શાળામાં ભણે છે, અને હજી તેમાં નવાં ગીતો ઉમેરાયે જાય છે.


