Get The App

મંછી વાંદરીનું સતોડિયું .

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
મંછી વાંદરીનું સતોડિયું                                  . 1 - image

- ત્યાં તો બબી બકરી બેં... બેં... કરતી બોલી, 'હું ઠેકડા મારું તો તમને બધાને પાછા પાડી દઉં... પણ મારી જોડે કોઈ રમતું જ નથી.'

- જાગૃતિ 'નિર્મોહી' 

એક ગામ હતું. સવાર પડે પક્ષીઓની ચહલપહલ શરૂ થઈ જાય.આખો દિવસ પાલતું પશુઓ બીજા પક્ષીઓની ધમાલ રહેતી હતી.

ગામનાં છોકરાઓએ બધાનાં નામ પાડયાં હતાં - ગૌરી ગાય, ભૂપી ભેંસ, કાળિયો કૂતરો, મિની બિલાડી, બબી બકરી, ગોલું ઘેટું, રામા - શામા બળદની જોડી, ટીટુ  ગધેડો, મંછી વાંદરી.

મંછી વાંદરી આખા ગામમાં કૂદતી ફરતી. બધા એણે ઓળખે. એને ગામનાં બધાં પ્રાણીઓ સાથે ગાઢ દોસ્તી. મંછી વાંદરી ક્યારેક તો કોઈનું ઘર ખુલ્લું જુએ તો સીધી ઘરમાં ઘૂસી જતી. કોઈના ઘરમાં કેતુ કાચબો રહેતો. ચિન્ટુ-મિન્ટુ સસલાંઓને પણ તે ઓળખતી હતી.

એક દિવસ ગૌરી ગાય મંછી વાંદરીને કહે, 'અલી, તું રોજ આખા ગામમાં કૂદકા મારે છે, તને રમતી જોઈ મનેય રમવાનું થાય છે.'

આ સાંભળીને ભુપી ભેંસ બોલી,  'હા... મારે પણ રમવું છે. મારી ચામડી થોડી જાડી અને મારું વજન વધારે છે, તો પણ ઓ  હું તારાથી વધુ કૂદકા મારી શકું...'

ત્યાં તો બબી બકરી બેં... બંે... કરતી બોલી, 'હું ઠેકડા મારું તો તમને બધાને પાછા પાડી દઉં... પણ મારી જોડે કોઈ રમતું જ નથી.'

બબી બકરીની વાત સાંભળી મંછી ઝાડ પર બેઠી વિચારવા લાગી . ત્યાં તેને મીની બિલાડી દેખાઈ. મંછી વાંદરીએ મીનીને કહ્યું, 'એ મીની, આપણ બધા ભેગા થઈને રમીએ તો કેવું રહે?'

મીની તો તરત બોલી, 'ના હોં! હું નહીં રમું.મને તો પેલો કાળિયો કૂતરો મારી નાખે.'

મંછી વાંદરીએ કહ્યું, 'સારું. તું છાપરે બેસી જોજે. હું બીજા બધાને વાત કરું છું.'

મંછી વાંદરીએ સતોડિયું રમવાનું આયોજન કર્યું. એણે વાંદરાએ કાળિયા કૂતરાને દડો લઈ આવવા કહ્યું. ટિટુ ગધેડાને સતોડિયાના સાત પથ્થર લઈ આવવાનું કામ સોંપ્યું. બધા ખુશીથી રમવા આવી ગયાં.

પહેલો દાવ બબી બકરીને આપ્યો. ઠેકડાં મારતાં બબીએ દડો ફેંક્યો. બબી બકરી અને ભૂપી ભેંસ દડા તરફ દોડયાં. ત્યાં તો કાળિયા કૂતરાએ સતોડિયું ગોઠવી દીધું.

પછી કાળિયા કૂતરાને દાવ આવ્યો. એણે તો બધા સતોડિયા છૂટાં છવાયાં પાડી દીધા. ગૌરી ગાય, બબી બકરી અને ભુપી ભેંસ ગોઠવવા જાય એ પહેલાં તો કાળિયા કૂતરાએ ભૂપી ભેંસને ખેંચીને દડો માર્યો. એટલે ભૂપી  પૂંછડી હલાવી ભાંભરવા લાગી.

ભૂપી ભેંસ જ્યાં બૉલ સતોડિયા તરફ ફેંકવા જાય ત્યાં તે ચંદન ઘોને જોઈ ગઈ. થોડેક દૂર રહી તે જીભ લપકાવતી હતી. ભુપી ભેંસ તો ડરીને ઊભી રહી ગઈ. ધીરે ધીરે બધાની નજર ત્યાં ગઇ. કાળિયો પણ દૂરથી ભૌ...  બૌ... કરવા માંડયો હતો.

મંછી વાંદરી પણ તેને જોઈ રહી હતી. મંછી વાંદરીએ  ચાલાકીથી એક કૂદકામાં બધાં સતોડિયા હાથમાં ઉપાડી લીધાં. થોડે દૂર પાછળ ઊભી રહી ગઇ. પછી સતોડિયા ચંદન ઘોના મોઢા પર નિશાન લઈ  ફેંકયા.

મંછી વાંદરી બોલી, 'કેમ ચંદનબેન!તમે તમારો સ્વભાવ ન છોડો. તમે બધાને બીવડાવો. આ અમે જાણીએ છીએ એટલે તમને અહીં રાખ્યાં.  અમારે બીકમાં ને બીકમાં સતોડિયું નથી રમવું...' 

એટલું બોલી બીજો એક મોટો પથ્થર માર્યો. ચંદનબેન થોડાં ઘવાયાં અને સરેરાટ કરતાં ભાગી ગયાં.

 સૌ આનંદમાં આવી 'જીતી ગયાં... જીતી ગયા... જીતી ગયાં...!'  એવી બૂમો પાડી નાચવા લાગ્યાં.