- ફુફુ ગેંડો કહે : 'ઓકે, સીસી બિલ્લી! અપુન તેરે સે અભી શાદી બનાને કો તૈયાર હે!'
- 'બધા મારા વિશે નેગેટિવ જ બોલે છે. પણ હું શું કરું? મારો સ્વભાવ અને વર્તન હવે બદલાય એ શક્ય નથી લાગતું.
હું તો આમ જ જીવીશ!'
એક હતો ગેંડો.
ગેંડાનું નામ ફુફુ.
ફુફુ ગેંડો એકલો એકલો ફરે. એકલો એકલો જિંદગી જીવે! ફુફુ ગેંડાનો સ્વભાવ ખૂબજ ગરમ, બાપલા! એના ચહેરા ઉપર કોઈ ભાવ જ ના આવે.
ફુફુ ગેંડો સ્માઇલ કોઈ દિવસ ના કરે. હંમેશા એના ચહેરા ઉપર બાર જ વાગેલા હોય!
ફુફુ ગેંડો બીજાં બધાં પ્રાણીઓને હરતાં ફરતાં જુએ, હસતાં બોલતાં જુએ. પાર્ટી કરતાં જુએ ત્યારે એને ખૂબ જ ગુસ્સો આવે. એને જરા પણ ના ગમે!
કોઈ પ્રાણી સામે ચાલીને ફુફુ ગેંડાને બોલવા આવે તો જ એ બોલે. પાછો આંખોના ડોળા કાઢે. ગુસ્સો કરે. સામેવાળું પ્રાણી ડરીને ભાગી જાય!
ફુફુ ગેંડાને કોઇની સાથે ના બને, કોઇની સાથે ના ફાવે. એ બસ, પોતાની દુનિયામાં એકલો એકલો જીવે. એને કશામાં રસ જ નહીં!
એક દિવસ સીસી બિલ્લી એને રસ્તામાં મળી. સીસી બિલ્લી કહે : 'ગુડ મોર્નિંગ ગેંડાજી! હાઉ આર યુ?'
ફુફુ ગેંડો આંખો કાઢીને કહે : 'ગુંડ નાઇટ! આઈ એમ મારી મોજમાં!'
સીસી બિલ્લી હસતાં હસતાં કહે : 'અરે ગેંડાજી! તમે હંમેશાં ઊંધું જ કેમ બોલો છો? ગુસ્સામાં કેમ રહો છો? સ્માઇલ કરો, ડિયર!'
ફુફુ ગેંડો કહે : 'હું ઊંધો છું એટલે ઊંધુ જ બોલીશ! સ્માઇલ કરવાનું અપુન કો ના ફાવે! ગુસ્સે મેં રહને કા અપુન કા સ્ટાઇલ હૈ રે...!'
સીસી બિલ્લી કહે : 'અરે ગેંડાજી! તુમ હૈ ના શાદી બના ડાલો! તુમ્હારી શાદી હો જાયેગી તો તુમ બહોત હેપ્પી હેપ્પી રહેગા!'
ફુફુ ગેંડો કહે : 'ઓકે, સીસી બિલ્લી! અપુન તેરે સે અભી શાદી બનાને કો તૈયાર હે!'
સીસી બિલ્લીને આ સાંભળીને ચક્કર આવી ગયા. એ ત્યાંથી ભાગી ગઈ!
ફુફુ ગેંડો આગળ ચાલતાં ચાલતાં મનમાં વિચારવા લાગ્યો : 'બધા મારા વિશે નેગેટિવ જ બોલે છે. પણ હું શું કરું? મારો સ્વભાવ અને વર્તન હવે બદલાય એ શક્ય નથી લાગતું. હું તો આમ જ જીવીશ!'
ફુફુ ગેંડાને આગળ હાથીભાઈ મળ્યા.
હાથી કહે : 'અરે ફુફુ ગેંડાજી! તમે રોજ એક કલાક મ્યુઝિક સાંભળો. ખુશ રહેશો... મોજ પડશે!'
બાજુના ઝાડ પર લટકતો હુપ બંદર કહે : 'અરે ફુફુજી! તમે છેને આટલા ગુસ્સામાં અને એકલા એકલા ના રહો. દોસ્તો બનાવો. એમની સાથે ફરવા જાઓ. મોજ કરો. જલસા કરો!'
બાજુમાં ઊભેલી ભગરી ભેંસ કહે : 'કોઇ નવો શોખ રાખો. કાંઈક નવું શીખો. અંગ્રેજી શીખો. કમ્પ્યુટર શીખો. ડાન્સ શીખો. ક્રિકેટ રમો તો લાઇફમાં મોજ અને જલસાની એન્ટ્રી થાય અને તમને બધા શિખામણો ના આપે.'
ફુફુ ગેંડાએ બધાની સામે ડોળા કાઢીને કહ્યું : 'તમે બધા એક સાથે મને શિખામણો કેમ આપી રહ્યા છો? શું સીસી બિલ્લીએ તમને બધાને મારા વિશે નકામી વાતો કરી છે? મારા વિશે ખરાબ બોલી છે?'
હાથીભાઇ, ભગરી ભેંસ અને હુપ બંદર એ કહ્યું : હા, ફુફુ ગેંડાજી! અમને સીસી બિલ્લીએ જ તમારા વિશે પ્રેમપૂર્વક કહ્યું છે કે આપણે બધાએ ભેગા થઇને ફુફુ ને બદલવો પડશે! એ આપણો ફ્રેન્ડ છે. એ તમારા વિશે કશું જ ખરાબ નથી બોલી. એ તમારું ભલું ઇચ્છે છે...
ફુફુ ગેંડાને આ સાંભળીને આંખોમાં પાણી આવી ગયું. તે બોલ્યો : 'ઓહ! તમને બધાને મારા માટે લાગણી છે. પ્રેમ છે. દોસ્તી છે. હું જ ખોટો હતો. સોરી! આજ પછી હું મારી લાઇફ ચેન્જ કરી દઇશ. તમારી બધાની સાથે મોજથી વાતો કરીશ. દોસ્તી કરીશ. પાર્ટી કરીશ. મોજ કરીશ. જલસા કરીશ. અને હા...! મોં ચડાવીને એકલો એકલો ઉદાસ ગુસ્સામાં નહીં જ રહું. તમે મને જે કહ્યું એ બધું જ કરીશ. મુજે માફ કર દો જી!'
ફુફુ ગેંડાની વાત સાંભળીને બધાએ તાળીઓ પાડી : શાબાશ, ફુફુ ગેંડાજી!
એક ઝાડ નીચે સંતાઈને આ બધું સાંભળી રહેલી સીસી બિલ્લી પ્રગટ થઇ અને કહે : 'યહ હુઇ ન બાત! ફુફુ ગેંડાજી! ચલો પાર્ટી કરતે હૈ... ડાન્સ કરતે હૈં!'
ફુફુ ગેંડો હસતાં હસતાં કહે : 'હા, હા... ચલો પાર્ટી કરતે હૈ! આજ મેં પાર્ટી દુંગા!'
...ને પછી બધાએ ભેગા થઇને આઈસ્ક્રીમ પાર્ટી કરી,બાપલા...!


