- 'આપણાં બધાં પાસે પાણીની એક-એક બોટલ છે. એમાં જે પાણી છે એ આપણે આ કૂંડીમાં ઠાલવી દઈએ...'
જી યા નામની એક છોકરી. અંતરા, સારાહ, ત્વરા, રજબ, દધીચિ, હરમનપ્રીત કૌર ને જમશેદ એનાં મિત્રો. એ બધાં સાતમાં ધોરણમાં ભણે. એ બધાંનાં ઘર બહુ દૂર નહીં. ઘરથી નિશાળ પણ નજીક એટલે આ બધાં ચાલીને નિશાળે જાય. ચાલતાં જાય, ગાતાં જાય, અલકમલકની વાતો કરતાં જાય.
આજે પણ એ સૌ નિશાળે જઈ રહ્યાં હતાં. રસ્તામાં પાણીની એક મોટી કૂંડી આવે. ગાય, બકરી, ચકલી.. વગેરે એમાં પાણી પીતાં. એ જોઈ જીયાએ એક ગીત બનાવ્યું હતું, અત્યારે તે આ ગીત ગાવા લાગી-
'પાણીની એક કૂંડી.
કૂંડી થોડી ઊંડી.
પ્રાણીપંખી પાણી પીવે,
કરીને નીચી મૂંડી...'
એનાં મિત્રો પણ એની સાથે આ ગીત ગાવા લાગ્યાં. અચાનક જીયા ચમકી ને બોલી, 'અરે આ કૂંડી તો સાવ ખાલીખમ છે! એમાં પાણી જ નથી.'
એક ગાય ત્યાં આવી. એણે કૂંડીમાં મોઢું નાખ્યું, પણ એમાં પાણી જ નહોતું એટલે એ તો ગાંગરવા લાગી - 'બા..ઉ.. બા..ઉ...'
ત્યાં એક ચકલી ફરરર... કરતી ઊડીને આવી. એ બોલી, 'ચીં ચીં ચીં, અરરર! આમાં તો પાણી જ નથી.' એ તો સરરર... કરીને ત્યાંથી ભાગી.
એક કૂતરું પાણી પીવા આવ્યું, પણ પાણી ન જોઈને એ મોં વકાસીને બેસી ગયું.
ગાય ગાંગરે, 'બા..ઉ.. બા..ઉ', ને કૂતરું ભસે, 'હાઉ હાઉ...'
દધીચિ કહે, 'બિચારાં પ્રાણીઓ ને પંખીઓને તરસ ન લાગી હોય? આમાં પાણી તો હોવું જ જોઈએ.'
રજબ કહે, 'દધીચિ, તારી વાત સાચી, પણ રોજ તો આ કૂંડીમાં પાણી હોય જ છે, તો આજે કેમ નથી પાણી? શું થઈ ગઈ આ કૂંડી કાણી!' કૂંડીની બાજુમાં પાણીની એક ડંકી હતી. જમશેદે એ હલાવી, પણ એનો દાંડો જ તૂટી ગયો હતો. એ બોલ્યો, 'આ ડંકી સીંચીને કોઈ આ કૂંડીમાં પાણી ભરતું હશે, પણ આ ડંકી જ તૂટી ગઈ છે.'
હરમનપ્રીત કૌર કહે, 'આજુબાજુમાં કોઈ રહેતું પણ નથી લાગતું, બાકી કોઈક તો આમાં પાણી ભરે જ.'
અંતરા બોલી, 'આ જોને... ગાય ને કૂતરું તરસ્યાં છે એટલે બૂમો પાડે છે. પેલી ચકલીય પાણી પીધાં વિના ઊડી ગઈ! આપણે આ બધાં માટે કંઈક કરવું જોઈએ.'
ત્વરા કહે, 'પણ આપણે એ ઝડપથી કરીએ, બાકી આપણે નિશાળે મોડાં પડીશું.'
જમશેદ કહે, 'તારું નામ ત્વરા. ત્વરા એટલે ઝડપ, એટલે તું તો ઝડપથી જ કામ કરવાનું કહે ને? ચાલો કરીએ ઝડપ, પણ આપણે કરવું શું?'
જીયાએ ઉપાય બતાવ્યો, 'અરે એમાં તમે સૌ મૂંઝાઈ શું ગયાં? આપણાં બધાં પાસે પાણીની એક-એક બોટલ છે. એમાં જે પાણી છે એ આપણે આ કૂંડીમાં ઠાલવી દઈએ એટલે કૂંડીમાં આવશે પાણી... ને પછી પાણી પી શકશે પંખી ને પ્રાણી!'
રજબ બોલ્યો, 'વાહ જીયા! આ તો કેવી મજાની વાત! પણ આ ડંકી તો એમ કાંઈ તરત સરખી ન પણ થાય. એટલે આપણે રોજ આપણા શીશાનું પાણી આ કૂંડીમાં નાખીશું. પ્રાણી ને પંખીને તરસ્યાં ન રહેવા દેવાય, બરાબરને ત્વરા?'
'બરાબર, રજબ. વળી, આપણને તરસ લાગે તો નિશાળમાં તો પૂરતું ને ચોખ્ખું પાણી છે જ. આપણે એ પાણી પીશું ને બોટલ પાછા ભરીય લઈશું.'
સારાહ બોલી, 'ને નિશાળથી આપણે ઘરે પાછાં જઈએ ત્યારે જો આ કૂંડીમાં પાણી ન હોય કે ઓછું હોય તો ફરી એમાં આપણા શીશાનું પાણી રેડી દેશું.'
બધાંએ પોતપોતાના શીશામાં રહેલું પાણી કૂંડીમાં નાખ્યું ને કૂંડી પાણીથી ભરાઈ ગઈ. ત્યાં તો ગાય ને કૂતરું ભમભમ કરતાં દોડયાં, પેલી ચકલી પણ આવી.
'બાઉ... બાઉ, હાઉ... હાઉ, ચીં...ચીં...' કરી એ ત્રણેયે આ દયાળુ મિત્રોનો આભાર માન્યો ને ધરાઈને પાણી પીધું. હરમનપ્રીત કૌર કહે, 'વાહ જીયા વાહ, તેં સરસ ઉપાય બતાવ્યો હો બાકી!' જીયા ને એનાં બધાં મિત્રો રાજી થતાંથતાં નિશાળે ગયાં.
નિશાળ છૂટી. ઘરે જતા રસ્તામાં પેલી પાણીની કૂંડી આવી એટલે અંતરાએ કહ્યું, 'આપણે નિશાળે જઈએ ત્યારે તો કૂંડીમાં રોજ પાણી ભરીશું, પણ રવિવારે તો નિશાળમાં રજા હોય! તે દિવસે જો આ કૂંડી ખાલી હોય તો? રવિવારે આપણે સૌ આપણા ઘરેથી આ કૂંડીમાં પાણી ભરવા આવીશું હો! આપણી ટોળી ઝિંદાબાદ...'
સારાહે અંતરાની પીઠ થાબડી એને શાબાશી આપી, 'વાહ અંતરા વાહ! આ તેં બહુ સારી વાત કરી હો! બોલો બધાં તૈયાર છો ને?'
બધાંએ રાજી થઈને એકીઅવાજે હા પાડી. જીયા બોલી, 'હું ઘરે જઈને મારાં મમ્મી-પપ્પાને બધી વાત કરીશ. તમે પણ ઘરે વાત કરજો એટલે થોડાક દિવસમાં આ ડંકી પણ રિપેર થઈ જશે.'
દધીચિ કહે, 'ડંકીમાંથી કે બોટલમાંથી, પણ આપણે આ કૂંડી તો પાણીથી ભરી જ દઈશું. પાકું ને?'
બધાંએ હા પાડી, તાળીઓ પાડી ને પછી એ બધાં ખુશ થતાં થતાં પોતપોતાને ઘેર ગયાં. પછી તો એ બધાંએ ઘરે ને નિશાળમાં સૌને કૂંડીની આખી વાત કરી. સૌએ રાજી થઈ સારું કામ કરવા બદલ આ સૌ બાળકોને શાબાશી આપી.


