- શ્રીકૃષ્ણે વિચાર્યું કે આ તો અંદરોઅંદર લડવામાં પરદેશી ફાવી જશે. યવન લોકો પવિત્ર ભારત ભૂમિમાં પગ પેસારો કરી જશે.ના ભાઇ ના. એ વાત નહીં પાલવે.
ભ ગવાન શ્રીકૃષ્ણનું એક નામ રણછોડ છે. 'રણછોડ રાય કી જે' એવું તમે હંમેશા બોલો છો.
'પણ રણછોડ'નો અર્થ જાણો છો?
રણછોડનો અર્થ તો રણને છોડનાર કહેવાય. રણમેદાનમાંથી ઊભી પૂંછડીએ ભાગે તે રણછોડ.
રણમાં જીતે તેને તો રણજીત કહેવામાં આવે છે.
ત્યારે ખુદ ભગવાન જેવા ભગવાને આવું રણછોડ નામ કેમ પસંદ કર્યું હશે?
એની કથા વિનોબાજીએ કહી છે.
તેમના કહેવા મુજબ જરાસંઘ અને કૃષ્ણનું યુદ્ધ ચાલ્યા જ કરતું હતું. બંને કટ્ટર શત્રુઓ હતા. કૃષ્ણ ગાંઠે તેવા ન હતા, જરાસંઘ પણ ગાંજ્યો જાય તેવો ન હતો.
યુદ્ધ લાંબુ ચાલ્યું. કૃષ્ણના બધા દાવ નકામા ગયા. જરાસંઘને ઘાર્યો હતો તેટલો આસાનીથી જીતી શકાયો નહીં.
જરાસંઘને પણ કૃષ્ણને હાર આપવામાં ફાવટ આવી નહીં.
છેવટે જરાસંઘે યુક્તિ કરી. તેણે કાળયવનની મદદ માગી.
હવે આ કાળયવન વળી કોણ?
એનો અર્થ એવો થઈ શકે કે યવનને અંગ્રેજીમાં આયોનિયન કહે છે.
આયોનિયન એટલે ગ્રીકનોનિવાસ.
તે જમાનામાં ગ્રીકનું રાજ્ય ભારતની સીમાઓ સુધી આવી લાગ્યું હતું. ગ્રીકો ત્યારે દુનિયાભરમાં સર્વોપરી હતા. આ કાળયવન પણ એવો જ કોઈક યવન રાજા હશે!
શ્રીકૃષ્ણે વિચાર્યું કે આ તો અંદરોઅંદર લડવામાં પરદેશી ફાવી જશે. યવન લોકો પવિત્ર ભારત ભૂમિમાં પગ પેસારો કરી જશે.
ના ભાઇ ના. એ વાત નહીં પાલવે. કોઈ વિદેશીને સ્વદેશમાં પેસવા દેવાય નહીં, ભલે હાર તો હાર.
અને કૃષ્ણ રણ છોડીને ભાગ્યા. તેમણે રણ છોડયું એટલે રણછોડ કહેવાયા.
પણ તેમના રણ છોડવામાં મોટી સૂઝ હતી.તેમને એ યુક્તિ કામ આવી. જરાસંઘ પછી યવનલોકની મદદ લીઘી નહીં.
પરદેશની દેશમાં ઘુસવા દીઘો નહીં. પોતે જાતે જ કૃષ્ણને ભગાડયા છે એવો ગર્વ તેને થયો.
તમે જાણો છો કે પછી વર્ષો બાદ કૃષ્ણ એ જ જરાસંઘને સીધો કર્યો હતો, પણ દેશના મામલામાં પરદેશીઓને તો ન જ પડવા દેવાય. એવી ઘડી આવે ત્યારે તો સમાઘાન કરવું જ બહેતર છે.
આ ત્યારથી શ્રીકૃષ્ણ રણછોડીને ઠેઠ દ્ધારિકા સુઘી ભાગ્યા.
અને તેમનું રણ છોડવાનું દેશના હિતમાં હતું. એટલે જ આપણે કહીએ છીએ.
'રણછોડ રાય કી જે.'


