Get The App

ગરબડ ગધેડાએ સાયકલ શીખવી .

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
ગરબડ ગધેડાએ સાયકલ શીખવી                          . 1 - image

- પિમ્પો પોપટ તો પેડલ મારતો મારતો પાંખો પણ ફફડાવવા લાગ્યો ને સાયકલ લઈને જે ઉડયો, જે ઉડયો... ઘડીમાં આ ઝાડ પર તો ઘડીમાં પેલા ઝાડ પર... ને પછી ખૂબ દૂર એક ઝાડ પર સાયકલ ભેરવાઈ ગઈ. 

- જતીન ભટ્ટ 'નિજ'

એક જંગલમાં ઘણાં બધાં પ્રાણીઓ એકસંપથી રહે. બધાં પ્રાણીઓ એકબીજાને મદદ કરે. કોઈ પ્રાણીને કશી વસ્તુ ના આવડે તો બીજું  પ્રાણી એને શીખવાડે. 

એક વખત હક્કા હાથીએ બધા મિત્રોની મિટિંગ બોલાવી. ગરબડ ગધેડો, સીલી શિયાળ, પિમ્પો પોપટ, કલબલ કાબર, કાલી કાગડો વગેરે પ્રાણીઓ ભેગાં થયાં. 

પ્રમુખ તરીકે સમ્રાટ સિંહને પ્લાસ્ટિકની ખુરશી પર બેસાડયા. બેસવા ગયા ત્યાં ખુરશીનો એક પાયો તૂટી ગયો. સમ્રાટ સિંહ નીચે પડી ગયા. બધાંએ એમને ઊભા કર્યા. સમ્રાટ સિંહ તો ગુસ્સે થઈ ગયાં - 'કોણે આ પ્લાસ્ટિકની ખુરશી મૂકી? નક્કી આ ગરબડ ગધેડાનું જ કામ હશે. ખબર નથી પડતી કે મારા માટે લાકડાની મજબૂત ખુરશી જોઈએ? ક્યાં ગયો એ ગરબડિયો?' 

ગરબડ ગધેડો તો હક્કા હાથીની પાછળ સંતાઈ ગયો. એને ખબર કે સમ્રાટ સિંહ જો એક પંજો પણ મારશેને તો આપણા તો રામ રમી જશે! એણે ધૂ્રજતા અવાજે માફી માગી. બીજા પ્રાણીઓએ પણ સમ્રાટ સિંહની માફી માગી. થોડી વારમાં ગરબડ ગધેડો લાકડાની મજબૂત ખૂરશી લઈ આવ્યો. સમ્રાટ સિંહને એની ઉપર બેસાડયા.

હક્કા હાથીએ બોલવાનું શરૂ કર્યું-

'મારા મિત્રો, આપ સૌ જાણો છો કે શિયાળો શરૂ થઈ ગયો છે. આપણે બધાંએ મનુષ્યોની જેમ ફિટનેસ જાળવવી જોઈએ.' 

પછી બાજુના તળાવમાંથી સૂંઢથી પાણી પીને હક્કા હાથી આગળ બોલવા માંડયો- 'આપણે બધાં સારું સારું ખાઈને અલમસ્ત રહીએ છીએ... એમાં ને એમાં બધાંના જ પેટ વધી ગયાં છે. જોકે મારું પેટ વધ્યું છે કે નહીં એ તમને બધાંને ખબર તો નહીં જ પડે, પણ મને લાગે છે કે મારું પણ પેટ વધી ગયું છે. મારા મનમાં એક આઈડિયા એવી આવ્યો કે આપણે રોજ સાયકલિંગ કરીએ.' 

આઈડિયા સાંભળી બધાં પ્રાણીઓ ખુશ ખુશ થઈ ગયાં. સમ્રાટ સિંહે પૂછયું- 'વાત તો હક્કા હાથી, તારી બરાબર છે, પણ દરેકની સાયકલ અલગ અલગ લેવી પડશેને! આપણા જંગલમાં કોઈ પંખી છે, તો કોઈ ચાર પગવાળું પ્રાણી છે.' 

કોઈએ કહ્યું - 'રાજાજી, વેલજી વાંદરો ફેબ્રિકેશનનું કામ કરે છે તેને અલગ અલગડિઝાઈનવાળી સાયકલનો ઓર્ડર આપી જ દીધો છે.' 

'શીખવાડશે કોણ?' 

'ગરબડ ગધેડો.' 

'જોજો પાછો એ ગરબડ ના કરે, ઓકે? તો કરો કંકુના...' 

આમ કહી સમ્રાટ સિંહ ખુરશી પરથી ઊભાં થવા ગયા ને એમના ધોતિયામાં ખીલી ભેરવાઈ ગઈ. ધોતિયું ફાટી ગયું. આ જોઈ ગરબડ ગધેડો તો હોંચી...હોંચી કરતાં કરતાં જે ભાગ્યો જે ભાગ્યો...

બીજા દિવસે બધાં પ્રાણીઓ જંગલની કોઈ ખૂલ્લી જગ્યાએ ભેગાં થયાં. ગરબડ ગધેડાએ એનાઉન્સ કર્યું કે વારાફરતી બધાંને હું સાયકલ ચલાવતાં શીખવાડીશ. પહેલાં શીખશે પિમ્પો પોપટ...

બધાંએ પુષ્કળ અવાજ કરી પિમ્પો પોપટનું અભિવાદન કર્યું. ગરબડ ગધેડાએ એક મોટા બોક્સમાંથી એકદમ નાની સાયકલ કાઢી. બધાં હસી પડયા કેમ કે બોક્સ મોટું ને સાયકલ નાની! પણ સાયકલ નાની જ હોયને, કારણ કે પિમ્પો પોપટ તે ચલાવવાનો હતો... 

સૌ પ્રથમ તો ગરબડ ગધેડાઅ ેપિમ્પો પોપટને સાયકલ પર બેઠા વગર એક્શન કરી બતાવી કે આવી રીતે સાયકલ ચલાવવાની. નાનકડી સાયકલ પર ગરબડ ગધેડો બેસે તો સાયકલ દબાઈ ન જાય?

પિમ્પો પોપટ તો ગરબડ ગધેડાએ બતાવ્યું એ પ્રમાણે સાયકલ પર બેઠો. હેન્ડલ પકડયું અને પેડલ મારવાનું ચાલું કર્યું... પણ આ શું?  પિમ્પો પોપટ તો પેન્ડલ મારતો મારતો પાંખો પણ ફફડાવવા લાગ્યો ને સાયકલ લઈને જે ઉડયો, જે ઉડયો... ઘડીમાં આ ઝાડ પર તો ઘડીમાં પેલા ઝાડ પર... ને પછી ખૂબ દૂર એક ઝાડ પર સાયકલ ભેરવાઈ ગઈ. 

એ તો સારું થયું કે વેલજી વાંદરો પણ ત્યાં જ હતો. તે ઝાડ પર કૂદતો કૂદતો જઈને સાયકલ પાછી લઈ આવ્યો. બધાંને હાશ થઈ. બધાંએ ભેગા થઈ ગરબડ ગધેડાને ખખડાવ્યો કે તારે કહેવું જોઈને કે સાયકલ ચલાવતી વખતે પાંખો નહીં ફફડાવવાની? 

પછી વારો આવ્યો સીલી શિયાળનો. શિયાળ તો લુચ્ચુ પ્રાણી. એને ગરબડ ગધેડાએ સાયકલ પર બેસાડયો તો એ તો હાથેથી દોરી દોડતો દોડતો લઈને જંગલમાં અંદર નાસી ગયો. એ તો સમ્રાટ સિંહને ખબર પડી એટલે એની એક જ ત્રાડથી સીલી શિયાળ ગભરાઈને જંગલની બહાર આવી ગયો. 

હવે ગરબડ ગધેડાએ સાયકલ શીખવવાનું ચાલું કર્યું. પહેલાં તો એ સાયકલ પરથી પડયા જ કર્યો. પેંડલ મારે તો પગ છટકી જાય... સાયકલ પર બેસવા જાય તો સાયકલ હાલમડોલમ થઈ પડી જાય. જેમ તેમ કરીને આખરે સીલી શિયાળ સાયકલ શીખી ગયો.

હવે કલબલ કાબરનો વારો આવ્યો. કલબલ કાબર શીખે ઓછું ને કલબલ કલબલ વધારે કરે. એને સાયકલ પર બેસાડી તો ભૂલથી એ સાયકલની પાછળ જે સ્ટેન્ડ આવે છે (એને કેરિયર પણ કહેવાય) એની પર બેસી ગઈ. એક તો એને માટે વજનમાં હલકી સાયકલ બનાવી હતી. એમાં એ પાછળ બેસી ગઈ તો સાયકલ આગળથી ઊંચી થઈ ગઈ. કલબલ કલબલ કરતી કાબર તો ધડામ્ દઈને પડી ને એની ઉપર સાયકલ પડી! 'હું તો મરી ગઈ રે...' કહીને કાબર વધારે કલબલ કરવા લાગી. એ તો સારું થયું કે હક્કા હાથીએ સૂંઢથી ફૂંક મારી કલબલ કાબર પરથી સાયકલ હટાવી. આમ કરતાં કરતાં કલબલ કાબર પણ સાયકલ શીખી ગઈ.

છેલ્લે વારો આવ્યો કાલી કાગડાનો. એ તો બહુ મોટો બુદ્ધિશાળી. એ તો કોઈ પણ વસ્તુ બહુ જલ્દી શીખી પણ લે. એ સાયકલ પણ ફટાફટ શીખી ગયો, પણ સાયકલ ચલાવતાં આગળ પથ્થર ના દેખાયો ને પડી ગયો. માથે ઢીમચું થઈ ગયું. એ તો કા-કા-કા-કા કરીને બૂમો પાડવા લાગ્યો. હવે કાગડાઓ તો બહુ સંપીલા. એના મિત્રોનું ટોળું કા-કા-કા-કા-કા કરતું આવી ગયું. કાલી કાગડો કેવી રીતે પડી ગયો એ જાણ્યા વગર એ લોકોને ગરબડ ગધેડાનો વાંક દેખાયો. કાગડાઓનું આખું ટોળું ગરબડ ગધેડાની પાછળ દોડયું. ગરબડ ગધેડો હોંચી હોંચી કરતો આગળ આગળ ભાગે ને ઉપરથી કાગડાઓ એને ચાંચો મારે. એ તો સારું થયું કે કાલી કાગડાએ એના સગાંવહાલા અને મિત્રોને સમજાવ્યાં કે હું જાતે પડી ગયો હતો... ગરબડ ગધેડાએ કોઈ ગરબડ કરી ન હતી. આમ, ગરબડ ગધેડાનો છુટકારો થયો.

સમ્રાટ સિંહ, હક્કા હાથી, ગરબડ ગધેડાને તો સાયકલ આવડતી જ હતી. પછી તો રોજ સવારે આ બધાં પ્રાણીઓઅ ેસાયકલિંગ કરવાનું શરુ કર્યું.

આ રીતે બધાં પ્રાણીઓ સાયકલ શીખી ગયાં અને પોતાના શરીરને ફિટ રાખવાં માંડયાં!