પાણીમાં તરતાં માળા બાંધતું પક્ષી: હોર્ન્ડકૂટ
પક્ષીઓમાં માળા બાંધવાની વૈવિધ્યસભર અદ્ભુત કળા જોવા મળે છે. પક્ષીઓની જેમ તેના માળા પણ સંશોધનનો રસપ્રદ વિષય છે. તેમાં ચીલી, આર્જેન્ટિના અને બોલિવિયમાં જોવા મળતા માથે શિંગડા જેવી કલગીવાળા હોર્ન્ડકૂટ પક્ષી તો ગજબના છે. તે તળાવમાં પાણીમાં તરતા માળા બાંધે છે.
દોઢથી બે ફૂટ લંબાઈના આ પક્ષીની પીળી લાંબી ચાંચ નીચે સફેદ પીંછાની દાઢી પણ હોય છે. તળાવના કિનારે વસતા આ પક્ષીઓ તળાવના પાણીમાં કિનારાથી દૂર માળા બાંધે છે. આસપાસમાંથી પથ્થરો એકઠા કરી તળાવમાં ઢગલી કરે છે. આ ઢગલો પાણીની સપાટી જેટલો ઊંચો થાય તેની ઉપર માળો બાંધે છે. માળો બાંધવા આ પક્ષીઓ ટનબંધ પથ્થરો ભેગા કરે છે. સમય જતા ઢગલા પર બાંધેલા માળા તરવા લાગે છે. માર્શ ટર્ન માપના પંખીઓ તો હોડીના આકારના તરતા માળા બાંધવા જાણીતા છે.