Get The App

10 દિવસમાં જિતાયું 1000 વર્ષનું યુદ્ધ

Updated: May 30th, 2025

GS TEAM

Google News
Google News
10 દિવસમાં જિતાયું 1000 વર્ષનું યુદ્ધ 1 - image

- હરીશ નાયક

- ભારત-પાકિસ્તાન યુદ્ધની રોમાંચક ઐતિહાસિક કથા

-  સાંજના છ વાગ્યામાં ટાઢો અંધકાર છવાઈ રહ્યો. લોકો અંધારપાટમાં પોત-પોતાના રેડિયો લઇ બેસી રહ્યા. આખી રાત સમાચાર સાંભળતા રહ્યા.

- પોતાના ખભેથી પોતાના માન મરતબા તથા પદોના બિલ્લાઓ કાઢી શ્રી અરોરા સામે મૂક્યા. પછી પિસ્તોલમાંથી કારતુસો કાઢી અરોરા સાહેબના હાથમાં મૂકી અને પિસ્તોલ હેઠી મૂકી

- 'પાક. લશ્કરી વડા જનરલ નિયાઝીને માલુમ થાય કે તેઓ શરણાગતિ સ્વીકારશે તો યુદ્ધ બંધ થઇ શકશે. તેમના હજારો સૈનિકોનાં જાનમાલ બચી શકશે, નહિ તો જોરદાર આક્રમણ થશે અને પછી ભારતીય લશ્કર પાછું નહિ પડે.'

૧૬ ડિસેમ્બર ૧૯૭૧ સાંજના ૧.૩૧ નો સમય.

એ સમય ભારત તથા બંગલાદેશ માટે યાદગાર દિવસ બની જશે. બંગલા દેશને ૨૪ વર્ષની પાશવી ગુલામીમાંથી મુક્તિ મળી.

ભારતને એટલા માટે કે તે એક પડોશી દેશને અત્યાચારોની યાતનામાંથી બચાવી શક્યું.

બંને દેશે ભેગા મળીને એ વિજય હાંસલ કર્યો હતો. માટે જ લોકો કહેતા હતા ઃ 'જય બાંગલા દેશ-જય હિંદ! જય ઇન્દિરા ગાંધી-જય મુજીબુર રહેમાન.'

પણ એ તારીખ અને એ સમયની એક કથા છે. સોનેરી કહો તો સોનેરી અને વિકટ કહો તો વિકટ. સોનું પણ આખરે તો ધગધગતી આગમાં ઓગળે છે ત્યારે જ આકાર પામે છે ને! આઝાદીના ઘાટનું પણ એવું જ છે.

એ તારીખ અને સમય સુધી પહોંચતાં મુક્તિ સેનાને ૧૦ દિવસ લાગ્યા. બરાબર દશ દિવસ.

પાકિસ્તાનના પ્રમુખ યાહ્યાખાને કહ્યું હતુંઃ 'દશ દિવસમાં હું યુદ્ધ જીતી લઇશ. દશ દિવસમાં મારા સૈનિકો દિલ્હીની હોટલમાં ખાણું લેતા હશે.'

પાકિસ્તાનના ભાવિ વિદેશ પ્રધાન જનાબ ભુટ્ટોએ લલકાર ગજાવી હતી કે ઃ 'પાકિસ્તાન એક હજાર વર્ષ સુધી યુદ્ધ કરતું રહેશે.'

ભારત કે બંગલાદેશે એવી કોઇ અહંકારવાણી ઉચ્ચારી ન હતી, તેઓ તો પોતાનું કર્તવ્ય બજાવતા હતા.

ત્રીજી ડિસેમ્બરે પાકિસ્તાને ભારત પર આક્રમણ જાહેર કર્યું. અને છઠ્ઠીએ ભારતે બંગલાદેશને માન્યતા આપી દીધી. એ માન્યતા આપતાની સાથે જ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતીય સેનાઓને હુકમ આપ્યો ઃ 'હવે તમે બંગલા દેશમાં દાખલ થઇ જાવ. બંગલા દેશને આઝાદ કરાવવા મથતી મુક્તિવાહિની સેના સાથે મળી જાવ અને હળી મળીને, ખભેખભા મિલાવીને બંગલા દેશને આઝાદ કરો.'

એ તારીખ હતી છઠ્ઠી ડિસેમ્બર

ત્યાર બાદ દશ દિવસે એટલે કે ૧૬મી ડિસેમ્બરે ભારત-બંગલા સૈન્ય ઢાકા પહોંચી ચૂક્યું હતું.

આજ સુધી પૂર્વ પાકિસ્તાનની રાજધાની મનાતા ઢાકા પર અત્યારે ભારત-બંગલા સૈન્ય હતું. ચારે બાજુથી એ સૈન્યે ઘેરો ઘાલ્યો હતો. જળ, સ્થળ અને વાયુ ક્ષેત્રે ભારતીય હકુમત સ્થાપિત થઇ ચૂકી હતી.

ત્રણ દિવસ અગાઉ ભારતીય સૈન્યના વડા જનરલ માણેકશાએ એલાન કર્યું હતું ઃ 'ઢાકાના પાકિસ્તાની સૈન્યને જાણ થાય કે તે ચારે બાજુથી ઘેરાઈ ગયું છે. તેમને માટે બચવાનો કોઇ આરો વારો નથી. તે આત્મસમર્પણ કરી દે તેમાં જ તેનું હિત છે. ભારતને નાહકના રક્તપાતમાં રસ નથી. શરણે આવશો તો જીનીવા ઠરાવ મુજબ ઇજ્જત આબરૂ સહિત સૈનિકનું સન્માન કરીશું.' 

બીજે દિવસે ફરીથી એ ચેતવણી અપાઈ. આ વખતે ઢાકાના લશ્કરી વડા નિયાઝીના નામે એ સૂચના આપવામાં આવી ઃ 'પાક લશ્કરી વડા જનરલ નિયાઝીને માલુમ થાય કે તેઓ શરણાગતિ સ્વીકારશે તો યુદ્ધ બંધ થઇ શકશે. તેમના હજારો સૈનિકોનાં જાનમાલ બચી શકશે, નહિ તો જોરદાર આક્રમણ થશે અને પછી ભારતીય લશ્કર પાછું નહિ પડે.'

છેવટે આવી પંદરમી ડિસેમ્બર. શત્રુ જનરલ નિયાઝીને પણ લાગ્યું કે શરણાગતિ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. પાક ગવર્નર જેકબે રાજીનામું આપી દીધું હતું. બીજા અધિકારીઓ પણ પાક શાસનથી છૂટી જઈ જીવ બચાવવા હોટલ કોન્ટીનેન્ટમાં છૂપાઈ બેઠા હતા. નિયાઝીને માટે બીજો કોઇ માર્ગ ન હતો.

તેણે સંદેશો કહેવડાવ્યો ઃ 'અમે શરણાગતિ માટે વિચારણા માગીએ છીએ, અમને સમય આપો.'

ભારતીય લશ્કર ઉદારતામાં માને છે. ઉદારતા એ ભારતીય નેતાઓનો ખાસ ગુણ રહ્યો છે. ભારતીય લશ્કરી વડાએ ઉદારતાથી જાહેરાત કરી ઃ 'આજથી એટલે કે પંદરમી ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યાથી આવતી કાલના એટલે કે ૧૬ મી ડિસેમ્બરના નવ વાગ્યા સુધી અમે યુદ્ધબંધી જાહેર કરીએ છીએ. અમે એ દરમિયાન કોઇ લશ્કરી હિલચાલ કરીશું નહિ. ઢાકા પર કોઇ આક્રમણ જમાવીશું નહિ.'

એ સોળ કલાક કટોકટીના પસાર થયા. ક્યાં શું થાય છે એની કોઇનેય ખબર પડી નહિ. ડિસેમ્બરનો શિયાળો આમેય આકરો હોય છે. સાંજના છ વાગ્યામાં ટાઢો અંધકાર છવાઈ રહ્યો. લોકો અંધારપાટમાં પોત-પોતાના રેડિયો લઇ બેસી રહ્યા. આખી રાત સમાચાર સાંભળતા રહ્યા. પણ કોઇ જ નવા સમાચાર જાણવા મળતા ન હતા.

રાત પૂરી થઇ. સવારના છના સમાચાર આવી ગયા. સાતના આવી ગયા. આઠના આવી ગયા. નવના આવી ગયા.

જે સમયની સીમા આપી હતી એ પૂરી થઇ.

લોકોના મનની ચિંતાનો પાર ન હતો. અગિયાર વાગે સંસદની બેઠક શરૂ થઇ. ત્યાં લોકસભાના સભ્યોએ વડાપ્રધાનને પૂછ્યું ઃ 'ઢાકામાં શું ચાલી રહ્યું છે ?'

શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જવાબ આપ્યો ઃ 'જરૂર કોઇક ચોક્કસ વાત ચાલી રહી છે પણ તેની તો મને પણ ખબર નથી. હું પૂર્વના સંપર્કમાં છું અને સમાચાર આવતાં તરત જ તમને જણાવીશ।'

સભ્યોએ થોડી ટીકા કરી ઃ 'નકામા આપણએ સોળ કલાક બગાડયા.'

અમેરિકાના પ્રચંડ સાતમા નૌકા કાફલાની આવવાની વાત આવી પહોંચી હતી. લોકોને એ દહેશત હતી કે પાકિસ્તાન એની જ રાહ ન જોતું હોય! અમેરિકાનો એ કાફલો ઢાકાના પાક સૈન્યની મદદે આવી પહોંચશે તો પછી ઉપાધિ ઊભી થશે. પણ એવી ચિંતા ન હતી. ઢાકા પર ભારતીય લશ્કરે બરાબર કિલ્લેબંધી કરી હતી. અજગર જેવો ભરડો હતો. કોઇ આવી શકે નહિ. કોઇ જઇ શકે નહિ.

ત્યાં ફરીથી જનરલ નિયાઝીએ વધુ છ કલાકની મુદત માંગી.

અને ભારતીય યુદ્ધ વડા જનરલ માણેકશાએ તે આપી પણ ખરી.

લોકોનો કચવાટ વધી ગયો. તેમનું કહેવું હતું. 'નાહક પાકિસ્તાની લશ્કરને સમય આપવામાં આવે છે.'

પણ છેવટે સાંજના સાડા પાંચ વાગે ખુશાલીના સમાચાર આવી જ ગયા. આ સમાચારો માટે લોકસભા ચાલુ રહી હતી.

વડાપ્રધાને લોકસભામાં જાહેરાત કરી ઃ 'આપણા લશ્કરે ઢાકાને મુક્ત કર્યું છે. બંગલા દેશ હવે આઝાદ દેશ છે અને ઢાકા તેનું આઝાદ પાટનગર છે. આજે ૪-૩૧ સમયે જ એ બાબતના સહી સિક્કા થઇ ગયા છે અને પાક લશ્કરી જનરલ નિયાઝીએ શરણાગતિ સ્વીકારી લીધી છે.'

લોકસભા એકી અવાજે બોલી ઉઠી ઃ 'જય બંગલા! જય હિંદ.'

સારાય બંગલા દેશમાં તથા ભારતમાં આનંદની લહેર ઊઠી. સર્વત્ર ખુશાલીનો પાર ન હતો. ૧૯૪૭ના ૧૫મી ઓગસ્ટના રોજ ભારત આઝાદ થયું. ત્યારે જેટલી ખુશાલી હતી એટલી જ ખુશાલી ફરીથી આજે ફરી વળી.

૧૬મી તારીખે બરાબર ૧૬ કલાક બાદ લોકોના હૃદય પરથી ચિંતાનો બોજ હળવો થઇ ગયો હતો. શરણાગતિની આખીય વિધિ એક ઐતિહાસિક કથાનક જેવી છે.

ભારતના પૂર્વના લશ્કરી વડા જગજીતસિંહ અરોરા રેસકોર્સના મેદાન પર હાજર હતા.

તેમને પાક લશ્કરી જનરલ નિયાઝી મળ્યા.

સહુ પ્રથમ નિયાઝીએ પોતાની સહી કરી, અધિકૃત શરણાગત સ્વીકારી.

પછી પોતાના ખભેથી પોતાના માન મરતબા તથા પદોના બિલ્લાઓ કાઢી શ્રી અરોરા સામે મૂક્યા.

પછી પિસ્તોલમાંથી કારતુસો કાઢી અરોરા સાહેબના હાથમાં મૂકી અને પિસ્તોલ હેઠી મૂકી.

અંતમાં પોતાનું કપાળ શ્રી અરોરાના કપાળ સાથે ટેકવી પ્રત્યક્ષ શરણાગતિ માંગી.

પણ શ્રી અરોરા જાતે લશ્કરી વડા છે. સામા લશ્કરી વડાનું સન્માન પિછાને છે. તેમણે બે હાથને બદલે એક હાથ લઇ નિયાઝી સાથે હાથ મિલાવ્યા. દોસ્તીના હાથ.

વાસ્તવમાં અરોરા નિયાઝીના દોસ્ત છે. બંનેએ ભૂતકાળમાં લશ્કરી શાળામાં લશ્કરી શિક્ષણ સાથે જ લીધું છે. એ સંજોગ કહો કે બંને મિત્રોને આ રીતે સામસામાં હાજર થવું પડયું.

આ વિધિ બાદ ઢાકામાંના પાકિસ્તાનમાં લશ્કરે હથિયાર હેઠાં મૂકી દીધાં.

ભારતીય લશ્કરે ઢાકા  નગરનો કબજો લઇ લીધો.

સર્વત્ર નાદ ગુંજ્યોઃ 'જય બાંગલા દેશ ! જય હિંદ.'

દશ દિવસ બાદ સોળ કલાકની સનસનાટી બાદ સોળમી ડિસેમ્બર ૧૯૭૧માં ૪.૩૧ વાગ્યાની સોનેરી ઘડીએ એક નવું સ્વતંત્ર રાષ્ટ્ર અમલમાં આવ્યું.

જોગાનુજોગ જુઓ કે ૧૯૪૮માં આ જ રેસકોર્સના મેદાનમાં શેખ મુજીબે સહુ પ્રથમ 'જય બંગલા'નો નારો ઉચ્ચાર્યો હતો. પાકિસ્તાનના સર્જક મહંમદઅલી જીનાએ ત્યારે કહ્યું હતું ઃ 'પાકિસ્તાનની ભાષા ઉર્દૂ જ રહેશે.'

શેખ મુજીબે ગર્જના કરી હતી ઃ 'અમે બંગાળી છીએ. અમારી રાષ્ટ્રભાષા બંગાળી જ રહેશે. જય બંગલા.'

ગોળીબારના રણકા ત્યારથી શરૂ થયા હતા. ૨૪ વર્ષ એ રણકા ગરજતા અને ગુંજતા રહ્યા. ભાષામાંથી ભડકેલા એ ભડકાઓ લાખ્ખો બંગલાવાસીઓની શહીદી બાદ શાંત થયા.

ખરેખર, મુક્તિની કિંમત શહાદતથી ઘણી મોટી છે. એટલે જ લોકો પૂર જોશથી ઉચ્ચારે છે.  ય