14 નવેમ્બર વિશ્વ બાળદિન : હસતા જવાહર
- નહેરુએ કહ્યું, 'બચ્ચું છું, પણ દૂધ પીતું બચ્ચું નથી!'
- બાળક દેખી બહુ હરખાઉં,દોડી દોડી સામે જાઉં
વૃધ્ધ બાળક પાક્કો બાળક
પંડિત નહેરુને એક વખત પૂછવામાં આવ્યું, તમે જે ધારો તે થઇ શકો એવું તમને વરદાન આપવામાં આવે, તો તમે શું બનો?
શ્રી નહેરુએ જવાબ આપ્યો, 'હું બાળક બની જાઉં.'
અને બસ, ત્યારથી જ નહેરુના જન્મદિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે.
પણ ભારતના વડાપ્રધાન બાળક જેવા એવું ઘણા લોકો પસંદ કરતા નહીં. જયપ્રકાશ નારાયણ એમાંના એક હતા.
એક વાર દેશને આગળ લાવવાની કોઈક યોજના વિષે વાતો ચાલતી હતી, ત્યારે નહેરુની વાત સાંભળી જયપ્રકાશ ગુસ્સે થઇ ગયા. એકદમ જ બોલી ઊઠયા, 'તમે તો પંડિતજી, સાવ બાળક જેવી વાત કરો છો!'
પણ પંડિતજી હસ્યા.
તેઓ કહે, 'અને બાળક જેવી વાતો કરવી સહેલી નથી. દરેક માણસ બાળક જેવી નિખાલસ, સ્પષ્ટ અને ચોખ્ખી વાત કરી શક્તો નથી! બાળકો કેટલાં ભોળાં, ભલાં અને સાચાં હોય છે!'
જયપ્રકાશ નારાયણ નારાજ તો હતા જ વધુ નારાજ થઇ ગયા. બોલી ઊઠયા ઃ 'સાચાં અને કાચાં!'
આ સાંભળીને તો નહેરુ વધુ હસ્યા.
તેઓ કહે, 'અચ્છા જયપ્રકાશજી, એટલો ક્રોધ ન કરો. હું ખાલી બાળક નથી બનતો, વૃદ્ધ-બાળક બનું છું, બસ? હવે બાળક જેટલો સાચો બનીશ અને વૃદ્ધ જેટલો પાક્કો સરસ ને?'
જયપ્રકાશથી બોલી જવાયું. 'વૃદ્ધ-બાળક... પાક્કો બાળક...!'
અને તેઓ ખડખડાટ હસ્યા. નહેરુ પણ હસવા લાગ્યા.
ત્યારે જયપ્રકાશે નહેરુને માટે એવો અભિપ્રાય બાંધ્યો હશે કે આ માણસ પણ કમાલ છે. પોતાને વૃદ્ધ-બાળક... પાક્કો બાળક વગેરે નામે ઓળખાવવાનું પસંદ કરે છે, પણ પોતાના નામમાંથી બચ્ચા શબ્દ કાઢવાનું એને પસંદ નથી!
નહીં જાવ પંડિતજી !
૧૯૬૪. ભુવનેશ્વર અધિવેશન. નહેરુની તબિયત બગડી. નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીને બોલાવ્યા.
શાસ્ત્રીજીએ આવીને પૂછ્યું, 'મારે શું કરવાનું છે પંડિતજી ?'
નહેરુ કહે, 'મારું કામ.'
અને સાચે જ જવાહરનું કામ કરવા માટે લાલ (બહાદુર) વડાપ્રધાન બન્યા.
લાલબહાદુર શાસ્ત્રી વર્ષોથી નહેરુના અનુયાયી, સાથી હતા.
વાત વિંધ્યાચળના પ્રવાસની છે. જવાહર તથા લાલ (બહાદુર) સાથે હતા.
તેઓની નજરે પડયું એક ઉદ્યાન. બાળકો રમતાં હતાં.
એક શ્યામસુંદર નામનો બાળક ઉભો થઇને જોરજોરથી હીંચકા ખાતો હતો. હીંચકા પર જુદી જુદી રીતે ઉછળતો, કૂદતો હતો.
નહેરુ એ દ્રશ્ય જોવામાં તન્મય થઇ ગયા. નીચા લાલ બહાદુરના ખભા પર તેમણે પોતાના શરીરનું વજન ટેકવ્યું હતું.
છોકરાને આનંદથી હીંચતો જોઈ નહેરુ કહે, 'શાસ્ત્રીજી જાવ! તમે પણ થોડાક દાવ બતાવો! સરસ મોકો છે.'
શાસ્ત્રી તો હસી પડયા. ગયા નહીં. પણ ચાચાની ધીરજ રહી નહીં. તેઓ કહે, 'તમે લાલબહાદુર હશો, તો હું બાલબહાદુર છું ! હમણાં જ બતાવું છું...'
અને... શ્યામસુંદરની સાથે પંડિત નહેરુએ જોડી જમાવી. બાળકની જેમ બાળક બનીને હીંચકા ચગાવવાની શરૂઆત કરી દીધી.
બધા લોકો ખૂબ હસવા લાગ્યા. શ્યામસુંદરના આનંદનો તો પાર નહીં. થોડીવાર પછી પંડિતજી જવા લાગ્યા ત્યારે શ્યામસુંદર કહે, 'નહીં જાવ પંડિતજી... નહીં જાવ, ચાચા.' ચાચા પંડિત નહેરુ કહે, 'મારે જવું જ જોઇએ બાળમિત્ર, નહીં તો આ મોટા લોકો કહેશે કે છોકરો આખો દિવસ ખેલકૂદમાં જ લાગેલો રહે છે!'
બચ્ચા હૂં મગર દૂધ પીતા નહીં!
એક વાર નહેરુ પ્રવાસે જતા હતા, ત્યારે ગાડી જબલપુર સ્ટેશને ઊભી રહી.
નહેરૂની સાથે પુરુષોત્તમદાસ ટંડન, પંડિત કેશવદેવ માલવીય, શ્રી ફિરોજ ગાંધી વગેરે પણ હતા.
શેઠ ગોવિંદદાસ સ્ટેશને આવ્યા હતા. અને નહેરુ હોય ત્યાં છોકરાઓનું તો પૂછવું જ શું? આખું જબલપુર સ્ટેશન છોકરાઓથી ઉભરાઈ ગયું હતું.
શેઠ ગોવિંદદાસે એક ખાસ ગોઠવણ કરી રાખી હતી. નહેરુને માટે સ્ટેશન પર કેસરિયા દૂધ મંગાવી રાખ્યું હતું. વાતમાં ને વાતમાં તેમણે પંડિતજી સમક્ષ દૂધ ધર્યું.
નહેરુએ પૂછ્યું, 'આ શું છે, ગોવિંદદાસજી ?'
'દૂધ છે, કેસરિયા...'
પંડિત નહેરુએ આશ્ચર્ય પામીને પૂછ્યું, 'અચ્છા?'
શેઠ ગોવિંદદાસ કહે, 'ઘેરથી મંગાવ્યું છે. લો...'
નહેરુએ દૂધ હાથમાં લીધું અને મુરબ્બી જેવા સફેદ દાઢીવાળા ટંડનજી સમક્ષ ધર્યું.
ટંડનજી પોતાની સફેદ દાઢી પર હાથ ફેરવીને કહે, 'નહીં, મારી હવે દૂધ પીવા જેવડી ઉંમર નથી રહી, પંડિતજી !' અને પછી ઉમેર્યું, 'પણ તમે તો હજી બચ્ચું છો. તમે જ પી જાવ !'
નહેરુ હસ્યા. પણ પછી તરત જ કહ્યું, 'બચ્ચું છું, પણ દૂધ પીતું બચ્ચું નથી !'
અને... એટલું કહી તેમણે દૂધ નજીકના બાળકને આપી દીધું.
આખા ડબ્બામાં ત્યારે ફેલાયેલા મુક્ત અને નિર્દોષ હાસ્યને લીધે સહુ કોઈ બાળક બની ગયું હતું. ના, ત્યારે હસવાની એ હરીફાઈમાં મોટું કોઇ જ ન હતું! સબ લોક બચ્ચે થે અને ચાચા તો બચ્ચા હતા જ.
પાડો તાળી!
હૈદરાબાદ ખાતેની એક સભામાં નહેરુ ગંભીર મૂડમાં હતા. તે છતાં તેમના ભાષણ પર વાતવાતમાં તાળીઓ પડતી હતી. નહેરુ નારાજ થઇ ગયા. તેમણે કહ્યુંઃ 'તમે લોકો વાતવાતમાં તાળીઓ શેની પાડો છો, મારી સમજમાં નથી આવતું.'
અને... તાળીઓ બંધ.
છતાં પણ નહેરુ હોય ત્યાં તાળી તો હોય જ, એ એક નિર્વિવાદ વાત હતી. ઘણી વાર નહેરુ ગમે તેટલું કરવા છતાં તાલીબાજોને બંધ કરી શક્તા ન હતા.
વાત દક્ષિણની છે. એક વાર નહેરુને દક્ષિણમાં જવાનું થયું.
નહેરુ જ્યાં ત્યાં એમણે ભાષણ તો કરવું જ પડે. અને... નહેરુ રહ્યા જોશીલા માણસ. ભાષણના જોશમાં આવી જાય તો ખબર પડે નહીં કે કેટલો સમય ગયો છે.
લોકો મુગ્ધ થઇને ભાષણ સાંભળતા હતા. કોઈ ચૂં કે ચાં કરતું ન હતું.
પંડિતજીને લાગતું હતું કે ભાષણની અસર સરસ પડે છે. કલાક ઉપર સમય ુપસાર થઈ ગયો. એમણે ભાષણ કરે રાખ્યું.
આખરે ભાષણ પૂરું થયું. લોકો તાળી પાડી ઊઠયાં.
મોડે સુધી તાળીઓ ગૂંજતી જ રહી.
નહેરુને થયું કે હજી સાંભળનારા લોકો છે ખરા !
મજાક ખાતર તેમણે દ્રાવિડ નેતાને પૂછ્યું ઃ 'કેમ, કેવુંક રહ્યું ભાષણ ?'
'અરે વાહ ! કેટલું સુંદર...' નેતાશ્રીએ કહ્યું, 'પણ...'
'પણ શું?' નહેરુએ પૂછ્યું.
'પણ...' એકદમ જ દ્રવિડ નેતાએ કહ્યું. 'તમે અંગ્રેજીમાં બોલ્યા હોત તો સારું. કેમ કે અહીંના લોકો હિંદી બિલકુલ સમજતા જ નથી !'
નહેરુએ આખું ભાષણ હિન્દીમાં જ કર્યું હતું.
વાત સાંભળીને ચાચા તો સજ્જડ જ થઇ ગયા. પછી ગંભીર થઇને પૂછ્યું, 'લોકો બિલકુલ સમજ્યા જ નહીં? ત્યારે પેલી તાળીઓ...?'
અને.. પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં તેઓ જાતે જ ખડખડાટ હસી પડયા. તાળી પાડી ઉઠયા.
ત્યાર બાદ ઘણીવાર નહેરુ સભાને પૂછી લેતા કે 'ભાષણ હિંદીમાં કરું કે અંગ્રેજીમાં? કોઈ બીજી ભાષામાં કરું, અને પાછળથી તમે તાળી પાડી ના દેશો...'
થોડા સમયના નિષ્ણાત
દક્ષિણ તરફના લોકોને હિન્દી આવડતું નથી. કેટલાકને તો વળી હિન્દી, અંગ્રેજી બંને ભાષા આવડતી નથી.
ત્યાના કોંગ્રેસ પ્રમુખ કામરાજ પણ તેમાંના એક.
એ ભાષાનો સવાલ હોય કે બીજાં ગમે તે કારણ હોય! પણ કામરાજ ઓછાબોલા માનવી. મોટામાં મોટી સભાઓમાં પણ તેઓ નહીં જેવું બોલે. અરે! મુંબઇ ખાતે ભરાયેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં પણ તેમણે બે લીટીનું ટૂકું પ્રવચન કર્યું હતું. છાપાંઓએ તેને 'ટૂંકામાં ટૂકું પ્રવચન' તરીકે ઓળખાવ્યું હતું.
એવા ઓછાબોલા કામરાજ અને નહેરુ બેઠા હતા, ત્યાં એક પ્રજાજને ાવીને વિનંતી કરી, 'ચાચા ! અમારે ત્યાં આવી જાવ. લોકો રાજી થઇ જશે. બિલકુલ થોડા સમય માટે...'
નહેરુ કહે, 'થોડા સમય માટે જોઇએ તો આ કામરાજજીને લઇ જાવ ! અરે કંઇ બોલશે જ નહીં! થોડા સમયના નિષ્ણાત છે તેઓ તો. અરે થોડો શું, બિલકુલ સમય લેશે નહીં!'
અને હાસ્ય...
શું તમે મને કાઢી મૂકવા માગો છો ?
૧૯૬૨ની વાત. વડાપ્રધાને રાષ્ટ્રીય નાટય મહોત્સવનું ઉદ્ધાટન કર્યું.
પછી 'શકુન્તલા' નાટક શરૂ થયું.
પૂરતો સમય નહીં હોવાને નહેરુએ કહ્યું હતું કે, 'હું આખો સમય બેસી શકીશ નહીં !'
પહેલો અંક પૂરો થયો.
પડદો પડયો.
સંચાલકે જાહેરાત કરી, 'શ્રી નહેરુજીને જલદી જવું છે એટલે કલાકારોને પુરસ્કાર પહેલાં અપાશે. શેષ નાટક પછી આગળ ચાલશે...'
શ્રી નહેરુને નાટક ખૂબ જ ગમી ગયું હતું. એટલે તરત તેઓ માઇક પાસે આવ્યા અને એમણે કહ્યું, 'મહાશય! મારે તો પૂરી રચના માણવી હતી. જે નાટકમાં હું જાઉ છું એ નાટક કદી અધૂરો નથી છોડતો... શું તમે મને અડધેથી કાઢી મુકવા માંગો છો?'
પ્રેક્ષકવર્ગ ખુશીની સાથે હાસ્યની કિકિયારીઓ પાડવા ગ્યો અને... તાળીઓનો તો પાર નહિ !
ચાચા નહેરુ ઝિંદાબાદ.