અયોધ્યાનો ચૂકાદો બધાએ સ્વીકારવો જોઈએ
વિચાર વિહાર - યાસીન દલાલ
આખરે આખા દેશમાં ઉત્તેજના જગાવી જનાર રામ જન્મભૂમિ કેસનો ચૂકાદો આવી ગયો. ચૂકાદો બધાને સંતોષે એવો આવ્યો છે. મુખ્ય બે પક્ષકાર હતા. રામ લલ્લા અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એ બંનેને આ ચૂકાદાથી લાભ થશે. જો કે હિંદુ સમિતિને ૨.૭૭ એક્ર જમીન મળી છે તો મુસ્લિમ બોર્ડને ૫ એકર જમીન મળી છે. આમ જમીનના માપની દ્રષ્ટિએ મુસ્લિમોને ફાયદો થયો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વરસોથી કહેતું હતું કે જે કંઈ પણ ચૂકાદો આવશે એ રાજીખુશીથી ચડાવશું.
પણ હૈદ્રાબાદમાં એક જાણીતા મુસ્લિમ આગેવાન ઈતેહાદુલ મુસ્લેમીનના પ્રમુખ મિર સલાહુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે અમે આ ચૂકાદો સ્વીકારતા નથી. પાંચ એકર જમીન મુસ્લિમોને ભીખમાં નથી જોઈતી. ચૂકાદો અદાલતે આપ્યો છે. સુપ્રિમ કોર્ટ સર્વોપરી છે પણ આખો દેશ સુપ્રિમ કોર્ટનો નથી. ઉપરાંત ચૂકાદો સર્વાનુમતે છે તે બરોબર પણ અદાલતે અમારા બધા મુદ્દા ધ્યાનમાં લીધા નથી. ચૂકાદાને સ્વીકારતો નથી.
દરમ્યાન કેસ કરનાર હિંદુ અગ્રણીઓએ ચૂકાદો સ્વીકારી લીધો છે. કેન્દ્ર સરકારે પણ તરત જ ચૂકાદો સ્વીકારી લીધો.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ચૂકાદાનેે આવકારે છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ. આશ્ચર્યજનક રીતે ચૂકાદાની વિરુદ્ધ રીવ્યુ પીટીશન કરવાનો સુન્ની વકફ બોર્ડે નિર્ણય લીધો. એણે એમ પણ નક્કી કર્યું કે મસ્જિદ માટે પાંચ એકરની વૈકલ્પિક જમીન સ્વીકારવી કે નહીં તે અંગે હવે નિર્ણય લેવાશે. બોર્ડે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટમાં અમે સમીક્ષા અરજી નહીં કરીએ.
વકફ બોર્ડના સાતમાંથી છ સભ્યોનો મત હતો કે પુનઃ સમીક્ષાની અરજી ન કરવી જોઈએ. જો કે વકીલ અબ્દુલ રજાક ખાને આ નિર્ણય સામે અસંતોષ દર્શાવ્યો હતો. તેઓ સુપ્રિમ કોર્ટમાં સમીક્ષા અરજી કરવાની તરફેણમાં હતા. બોર્ડના ચેરમેન શ્રી ફારૂકીએ જણાવ્યું હતું કે બોર્ડમાં વૈકલ્પિક જમીન સ્વીકારવી કે નહીં એ અંગે પણ ચર્ચા થઈ હતી. સરીયત મુજબ આ જમીનનું શું કરવું તે વિચારવા માટે વધુ સમયની જરૂર છે. આ અંગે પાછળથી નિર્ણય લેવાશે. સુપ્રિમ કોર્ટે મસ્જિદ માટે પાંચ એકર જમીનની ઓફર કરી હતી.
દરમ્યાન નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી સહિત સો જેટલા મુસ્લિમ અગ્રણીઓએ આ ચૂકાદા સામે પુનઃવિચાર અરજી કરવાના વિચારનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે રામ જન્મભૂમિ વિવાદમાં ચૂકાદાનો વિરોધ કરવાથી આ વિવાદ જીવંત રહેશે અને મુસ્લિમ કોમને નુકશાન પહોંચાડશે. આ અપીલમાં સહી કરનારાઓમાં ઈસ્લામીક વિદ્વાનો, સામાજીક કાર્યકર્તાઓ, વકીલો, પત્રકારો અને વેપારીઓ તથા શાયર કવિઓ અને ફિલ્મકારો અને રંગભૂમિના કલાકારો તથા સંગીતકારો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આમ તો આ ઝઘડો વરસો જૂનો છે. ઈતિહાસ જોઈએ તો મોગલ શહેનશાહ બાબર ભારત આવ્યો ત્યારે તેના શાસનમાં મીર બાકી નામના અધિકારીએ આ મસ્જીદ બનાવેલી એવી માન્યતા છે. એનાથી પણ આગળ જઈએ અને વિચારીએ તો રાણાસંગ નામના રજપૂત રાજાએ બાબરને ભારત આવાવનું આમંત્રણ આપેલું. કારણ એ હતું કે દિલ્હીમાં ઈબ્રાહીમ લોદીનું શાસન હતું અને લોદીના શાસનથી લોકો ખુશ નહોતા.
ચારેબાજુ અસંતોષ હતો અને રજપૂત રાજા ઈચ્છતો હતો કે લોદીનું શાસન જાય અને બાબરનું શાસન આવે. અંતે એમ જ થયું અને બાબર જીતીને દિલ્હી પહોંચ્યો, ત્યારથી ભારતમાં મોગલ યુગ શરૂ થયો પણ બાબરને ખ્યાલ નહોતો કે મીર બાકી જેવા અધિકારીઓ બધું ઊંધુ કરશે. મસ્જિદ બની આ પછી દેશની નદીઓમાં ઘણા પાણી વહી ગયા. વિવાદ શરૂ થયો. આઝાદી આવી રાજીવ ગાંધીએ મસ્જિદના દરવાજા ખોલાવી નાખ્યા. ભાજપે આ મુદ્દાનો પૂરેપૂરો રાજકીય લાભ લીધો અને અડવાણીએ ૧૯૯૫માં દેશભરમાં રથયાત્રા કાઢી, સોમનાથથી એનો પ્રારંભ થયો.
બિહારમાં ત્યારે લાલુપ્રસાદ યાદવનું શાસન હતું. એમણે અડવાણીની ધરપકડ કરી અને ગોળીબાર કરાવ્યો. કલ્યાણ સિંઘ મુખ્યપ્રધાન હતા. એમણે કેન્દ્રને ખાત્રી આપી કે હું તોફાન થવા નહીં દઉં પણ એ ખાત્રી પાળી નહીં, પરિણામે દેશભરમાં તોફાનો થયા. વડાપ્રધાન નરસિંહ રાવે આખો તમાશો નજરે જોયો અને કોઈ પ્રકારના રોકવાનો પ્રયત્ન ન કર્યો. કલ્યાણ સિંઘે તરત રાજીનામું આપ્યું. ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું.
આમ આ વાતને વરસોના વહાણા વાયા અને દેશનું વાતાવરણ કલુષિત થતું ગયું. એક ધાર્મિક સ્થળ સાથે લોકોની આસ્થા જોડાયેલી હતી. અદાલતે નક્કી કરવાનું હતું કે આસ્થાને ધ્યાનમાં લેવી કે ઐતિહાસિક તથ્યોને ધ્યાનમાં લેવા. અદાલતે બંને મુદ્દા ધ્યાનમાં લીધા અને ચૂકાદો આપ્યો જેમાં જણાવ્યું કે મુસ્લિમ પક્ષ પોતાનો દાવો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે અને હિંદુઓએ ૧૯૯૫માં મસ્જિદ તોડી એ બધી રીતે ખોટું અને અયોગ્ય હતું પણ સાથે સાથે ચૂકાદામાં એમ પણ કહેવાયું કે બે પક્ષકારો છે.
એમની વચ્ચે જમીન વહેંચી દેવી. ૨.૭૭ એકર જમીનમાં રામ જન્મભૂમિનું બાંધકામ કરવું અને પાંચ એકર જમીન મુસ્લિમોને આપવી. આ જમીન ફાળવવાની જવાબદારી યુપી સરકારની છે. એ કમીટી બનાવે અને નક્કી કરે કે આ જમીન ક્યા આપવી બોર્ડ સાથે ચર્ચા કરે અને નક્કી કરે. દરમ્યાન ચૂકાદો આવ્યો અને સમગ્ર યુપીમાં પોલીસ અને લશ્કર ખડકી દેવાયું. જો કે ક્યાંય અશાંતિની થોડીક પણ ઘટનાઓ બની નહીં અને બધુ શાંતિથી પાર ઉતરી ગયું.
દેશમાં દરેકને સુપ્રિમ કોર્ટના ચૂકાદાનો ઈન્તઝાર હતો. સાંપ્રદાયિક સદભાવને ધ્યાનમાં રાખીને રામમંદિર માટે પત્થરો તોડવાનું અને કોતરણીને લગતું કામ વિહિપે બંધ કરી દીધું હતું. ૧૯૯૦ પછી પહેલીવાર વિહિપે આ કામ રોક્યું હતું. કામ રામમંદિર આંદોલન વખતે શરૂ થયેલ હતું. વિહિપના પ્રવક્તા શરદ શર્માએ કહ્યું હતું કે બધા કારીગરોને ઘરે પાછા મોકલી દેવાયા છે.
વિહિપના કહેવા પ્રમાણે અત્યાર સુધી સવા લાખ મિટર પત્થરો તરાસવામાં આવ્યા છે. મંદિરના પહેલા માળ માટે આ પૂરતું છે. બીજા માળ માટે પોણા બે લાખ ક્યુબીક ફુટ પત્થર જોઈશે. વિહિપે કહ્યું હતું ચૂકાદો કોઈની પણ તરફેણમાં આવે એની ઉજવણી કે ટીકા ન કરવી જોઈએ.
૧૮૮૫માં પહેલી વખત આ મુદ્દે કોર્ટમાં કેઈસ થયો હતો. ફૈઝાબાદની જીલ્લા અદાલતમાં મહંત રઘુવીર દાસે ચબુતરા પર છત્રી લગાવવાની અરજી કરી હતી. આ કેઈસમાં ૧૯૮૯માં રામ લલ્લાએ પ્રવેશ કર્યો હતો. આ સમયે વિવાદીત જમીનની માલિકી ભગવાન રામની હોવાનો દાવો કરાયો. ૧૯૮૯ની લોકસભાની ચૂંટણી પહેલા વિશ્વ હિંદુ પરિષદના એક નેતા અને નિવૃત જજ દેવકીનંદન અગ્રવાલે ૧લી જુલાઈએ ફૈઝાબાદની અદાલતમાં પાંચમાં પક્ષકાર તરીકે દાવો કર્યો હતો.
વડાપ્રધાને કહ્યું છે તેમ આ ચૂકાદો કોઈની હાર કે જીત નથી. રામ ભક્તિ હોય કે રહિમ ભક્તિ આપણે તો રાષ્ટ્રભક્તિમાં લાગવાનું છે.
આમ રામ જન્મભૂમિ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જો કે મસ્જિદ ક્યા બનશે એ હજી નક્કી નથી થયું. મસ્જિદ ક્યાં બનાવી એ ચૂકાદામાં કહેવાયું છે તેમ યુપીની સરકાર સાથે ચર્ચા કરીને નક્કી થશે હજી સુધી એમ નથી થયું.
ઓવૈસી જેવા વિઘ્ન સંતોષીઓ વાંધા કાઢે એનો કોઈ અર્થ જ નથી પણ શ્રી ઓવૈસી બહુ બોલકા છે. ઓવૈસીનું આમ તો કોઈ વજન નથી. પર્સનલ લો બોર્ડે પણ કોઈ ચોક્કસ નિર્ણય લીધો નથી. એના નિર્ણયમાં પણ સર્વાનુમત નહીં હોય પરિણામે એ લોકોએ પણ દેશના હિતમાં ઉદાર દ્રષ્ટિ રાખી એને સમજવું જોઈએ અને વરસોથી દેશભરમાં તંગદીલી ફેલાવનાર આ કેઈસના ચૂકાદાને દિલથી આવકાર આપવો જોઈએ. મંદિરનો નકશો બનાવવાનું કામ વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક સીંઘલે આર્કીટેક શ્રી ચંદ્રકાંત સોમપુરાને સોપ્યું હતું. એમના પિતા પ્રભાશંકર સોમપુરાએ સોમનાથ મંદિરનો નકશો બનાવ્યો હતો.
જો ૨૦૦૦ કારીગરો રોજના આઠ-દસ કલાક કામ કરે તો અઢી વરસમાં મંદિરનું બાંધકામ પૂરું થઈ જાય. મંદિર નિર્માણની સામગ્રી અડધી તૈયાર છે એટલે તેને બનાવવામાં લાંબો સમય નહીં લાગે પરંતુ તિરૂપતિની જેમ રામ મંદિરની આસપાસ આખું નગર વસાવવું હોય તો ઓછામાં ઓછા ચાર વરસ લાગી જાય. આ મંદિરની ડીઝાઈન અષ્ટકોણીય છે.
તેનું શિખર પણ અષ્ટકોણીય હશે. દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો બને છે. બે માળના રામ મંદિરની ડીઝાઈન અને એના ગુંબજ સાથે એની ઉંચાઈ ૧૪૧ ફુટ, લંબાઈ ૨૭૦ ફુટ અને પહોળાઈ ૧૫૦ ફુટ હશે. શ્રી સોમપુરાનું કહેવું છે કે ૩૦ વરસથી પત્થરોનું કોતરણી કામ ચાલુ છે. પત્થરો રાજસ્થાનથી મંગાવાયા છે. ગુજરાતના કારીગરો એના પર કામ કરે છે.
આમ આખરે વરસો પછી દેશભરની જનતાને રાહત થઈ છે અને રાજકીય રીતે તથા સામાજિક રીતે ઉભી થયેલી તંગદીલી શમી ગઈ છે. સારી વાત એ છે કે આ કટોકટીની પળે આખો દેશ ચૂકાદાને સ્વીકારે અને મંદિર નિર્માણમાં સાચા દિલથી સહકાર આપે. મુસ્લિમોને નિવેદનમાં સારી જ વાત કરી છે પણ ઓવૈસી જેવા કેટલાક બની બેઠેલા નેતાઓ ખોટી રીતે આનો વિરોધ કરે છે. આવો વિરોધ ચલાવવો નહીં જોઈએ. વકફ બોર્ડ સાચી રીતે જ જુદું પડયું છે. પર્સનલ લો બોર્ડે પણ આવું વલણ લેવું જોઈએ.