આઝાદી પછી કૌભાંડો અને ગુનાખોરીએ વાળેલો દાટ
વિચાર વિહાર - યાસીન દલાલ
સાચું શું અને ખોટું શું એ સમજ પડતી નથી. મોટાભાગના ગુનેગારો તક મળે એટલે લંડન અથવા પાકિસ્તાન જતાં રહે છે
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સત્તા પર આવી કે તરત શરદ પવારના ભત્રીજા અજીત પવાર સામેના એક ભ્રષ્ટાચારના કેસની સમાપ્તિ કરી દીધી. એ જ રીતે હરિયાણામાં ભાજપની સરકાર આવી ત્યારે ટૂંકી બહુમતી હોવાને કારણે કૃત્રિમ બહુમતી મેળવવા માટે એણે એક વિરોધી નેતાના પિતાને જેલમાંથી છોડાવી દીધા. આમ આ બધી ગંદકી આપણને ગમે કે ના ગમે પણ આપણે સ્વીકારવી જ પડે છે. ૧૯૯૧માં આપણે ઉદારમતવાદી નીતિ અપનાવી અને લાયસન્સ રાજ ખતમ કર્યું એ પછી એવી અપેક્ષા હતી કે હવે કૌભાંડો અને ભ્રષ્ટાચાર નહીં થાય પણ જે થાય છે એ ઉંધુ થાય છે.
હમણા શ્રી નરેન્દ્ર મોદી સામેની કોમી તોફાનોની ફરિયાદ હતી એમાં તપાસપંચે એમને ક્લીનચીટ આપી દીધી છે અને કહ્યું છે કે એ વખતે જે થયું એ આકસ્મિક હતું. એમાં કોઈજાતની યોજના નહોતી.
૧૯૯૧માં આપણે ઉદારમતવાદી બન્યા એ પછી પણ ૧૯૯૨માં હર્ષદ મહેતાનું સિક્યોરીટી કૌભાંડ બહાર આવેલું. પાંચ હજાર કરોડનું આ કૌભાંડ પૂરું થાય એ પહેલા તપાસપંચ નીમાયું પણ એનો અહેવાલ આવે એ પહેલા જ હર્ષદ મહેતાનું નિધન થઈ ગયું. એ પછી તરત ખાંડ આયાત કરવાનું કૌભાંડ થયું જેનો અંદાજથી સાડા છસ્સો કરોડનો હતો.
એ પછી મધુકોડાનો કૌભાંડના ૧૭ વરસમાં રાજકારણીઓ દ્વારા અથવા તો એમની મીઠી નજર નીચે આચરાયેલ ભ્રષ્ટાચારની રકમનો આંકડો ૭૩ ઉપર બાર મીંડા ચડે એટલો થઈ ગયો છે. આ સિવાયના બીજા અનેક કૌભાંડો હશે કે જેની આપણને ખબર જ નથી. દિલ્હીની યુનિવર્સિટીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર અરુણકુમારે તેમના પુસ્તકમાં આપેલી માહિતી મુજબ ૯૧થી ૯૬ સુધીના કૌભાંડોની સંખ્યા ૨૬ હતી જેમાં ૧૩ કૌભાંડો એક હજાર કરોડથી વધુના હતા અને આ પછી તો મીંડાની રકમ વધતી જ ગઈ. ટેલિકોમ પ્રધાન એ. રાજાએ આચરેલા સ્પેક્ટ્રમ કૌભાંડનો આંકડો ૬૦ હજાર કરોડનો થયો.
રાજકારણીઓએ કૌભાંડો કે ભ્રષ્ટાચાર આઝાદી પહેલા પણ કર્યા હતા. ૧૯૪૮માં ઈંગ્લેન્ડ ખાતેના ભારતીય એલચી શ્રી વી.કે. કૃષ્ણમેનન ભારતીય સેના માટે જીપીઓની ખરીદીમાં નિયમોને ચાતરીને ૮૦ લાખ રૂપિયાનો ગોટાળો કર્યાનો હોબાળો થયો હતો. સરકારે ત્યારે કૃષ્ણમેનને ક્લીનચીટ આપી હતી.
છતાં સંસદમાં ભારે ધમાલ મચી ગયેલી ત્યાર પછીના છ દાયકામાં પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે કૌભાંડનો આંકડો થોડાક ૧૦૦ કરોડ રૂપિયાનો હોય તો સાંસદો તેને સંસદમાં ઉઠાવતા પણ નથી. આંકડો ગમે તેટલો નાનો હોય પણ નૈતિકતાની દ્રષ્ટિએ કૌભાંડ કે ભ્રષ્ટાચાર સાંખી ન લેવાય એટલી ભાવના પણ સાંસદોમાં રહી નથી. ૧૯૮૫-૮૬માં બહાર આવેલ બોફોર્સ કૌભાંડનો આંકડો ૬૪ કરોડ રૂપિયાનો હતો જે ત્યાર પછીના હજારો કરોડોના કૌભાંડ સામે તુચ્છ કહેવાય. ખૂબીની વાત એ છે કે બોફોર્સની તપાસમાં જ સરકારોએ તેનાથી ચાર ગણી રકમ વેડફી નાખી હતી.
૧૯૯૫માં પ્રેફરેન્સીયલ એલોટમેન્ટનું કૌભાંડ થયું જેની રકમ પાંચ હજાર કરોડ હતી. એ જ વરસે યુગોસ્લાવ દીનાર કૌભાંડ થયું જેની રકમ ૪૦૦ કરોડ હતી. એ જ વરસે મેઘાલય ફોરેસ્ટ કૌભાંડ થયું જેની રકમ ૩૦૦ કરોડ હતી.
એ પછી ૧૯૯૬માં ૧૩૦૦ કરોડનું ખાતર આયાત કૌભાંડ થયું, એ જ વરસે ૧૩૩ કરોડની કિંમતનું યુરીયા કૌભાંડ થયું. એ જ વરસે બિહાર ઘાસચારા કૌભાંડ થયું. જેની કિંમત ૯૫૦ કરોડ હતી. એ પછી ૧૯૯૭માં સુખરામ ટેલીકોમ કૌભાંડ થયું. જેની કિંમત ૧૫૦૦ કરોડની હતી. એ જ વરસે બિહારનું જમીન કૌભાંડ થયું જે ૪૦૦ કરોડનું હતું.
એ જ વરસે સી.આર. ભણશાળીનું સ્ટોક કૌભાંડ થયું જે ૧૨૦૦ કરોડનું હતું. ૧૯૯૮માં ટીક પ્લાન્ટેશન કૌભાંડ થયું જે ૮૦૦૦ કરોડનું હતું. ૨૦૦૧માં યુટીઆઈ કૌભાંડ થયું જે ૪૮૦૦ કરોડનું હતું, એ જ વરસે દિનેશ દાલમીયાનું શેર કૌભાંડ થયું જે ૫૯૫ કરોડનું હતું. એ જ વરસે કેતન પારેખનું શેર કૌભાંડ થયું જે ૧૨૫૦ કરોડનું હતું.
૨૦૦૨માં સંજય અગ્રવાલ હોમ ટ્રેડ કૌભાંડ થયું જે ૬૦૦ કરોડનું હતું. ૨૦૦૩માં તેલગી નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ થયું જે ૧૭૨ કરોડનું હતું. ૨૦૦૫માં આઈપીઓ ડીમેટ કૌભાંડ થયું જે ૧૪૬ કરોડનું હતું. એ જ વરસે બિહાર પૂર રાહત કૌભાંડમાં ૧૭ કરોડ ચવાઈ ગયા.
એ જ વરસે સ્કોરપીન સબમરીન કૌભાંડમાં ૧૮૯૭૮ કરોડ ચવાઈ ગયા. એ જ વરસે પંજાબ સીટી સેન્ટર પ્રોજેક્ટ સ્કેમ થયું જે ૧૫૦૦ કરોડનું હતું. એ જ વરસે તાજ કોરીડોર સ્કેમમાં ૧૭૫ કરોડ ખવાઈ ગયા. ૨૦૦૮માં પૂનાના અબજોપતિ હસનઅલી દ્વારા ૫૦ હજાર કરોડની જંગી કરચોરી થઈ. એ જ વરસે સત્યમ સ્કેમમાં ૧૦ હજાર કરોડ ખવાઈ ગયા.
આર્મી અનાજ ચોરી સ્કેમમાં ૫૦૦૦ કરોડ ખવાઈ ગયા. ૨જી સ્પેક્ટ્રમમાં ૬૦ હજાર કરોડ ખવાયા. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં ૯૫ કરોડ ખવાઈ ગયા. ૨૦૦૮માં સ્વીસ બેંકોમાં ભારતનું જે કાળુ નાણું પડેલું હતું એની કિંમત ૭૧ લાખ કરોડ હતી. ૨૦૦૯માં ઝારખંડમાં તબીબી સાધનોના ગોટાળામાં ૧૩૦ કરોડ ખવાયા. એ જ વરસે ચોખા નિકાસ કૌભાંડમાં ૨૫૦૦ કરોડ ખવાયા. એ જ વરસે ઓરિસ્સા ખાસ કૌભાંડમાં ૭૦૦૦ કરોડ ખવાયા. એ જ વરસે મધુકોડા માઈનીંગ કૌભાંડમાં ૪૦૦૦ કરોડ ખવાયા.
આ પછી અબજો રૂપિયાના કૌભાંડ કરીને ભાગી ગયેલા નિરવ મોદીની વાત જુદી છે. વિજય માલ્યા તથા લલીત મોદી પણ અબજો રૂપિયાના કૌભાંડ કરીને ભાગી ગયા છે. શ્રી માલ્યા દુનિયાના ઘણા દેશોમાં પોતાનું સામ્રાજ્ય ધરાવે છે અને દારૂનું કારખાનું પણ એમનું જ છે. દુનિયાના ઘણા દેશોમાં ટાપુઓ એમણે ખરીદેલા છે. અલીબાબા ચાલીસ ચોર જેટલી સંપત્તિ એમની પાસે છે ઉપરથી અવારનવાર કેન્દ્ર સરકારને કહેવડાવે છે કે મારી અમુક શરતો માનો તો હું શરણે થાઉં.
મેહુલ ચોક્સી પણ દેશવિદેશમાં ફર્યા કરે છે. એમણે દાવો કર્યો છે કે મેં એક બીજા દેશનું નાગરિક્તવ મેળવી લીધું છે. જો કે એ દેશે આનો ઈન્કાર કર્યો છે. બંને ભાઈઓ સુરતના છે અને વરસોથી હીરાના કેન્દ્ર ગણાતા બેલ્જિયમમાં વસે છે. પંજાબ નેશનલ બેંકમાં એમણે એટલા જબરા ગોટાળા કર્યા કે નાનકડી બેંક દેવાળામાં ફસાઈ ગઈ. બેંકના અધિકારીઓએ કશું જોયા વિના લોન અને ઓવરડ્રાફ્ટ મંજુર કર્યે રાખ્યા. આમ બેંકના અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હશે જ એ સિવાય આટલું જબરદસ્ત કૌભાંડ શક્ય જ ન બને.
દરમ્યાન બધા કૌભાંડોનો માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છૂપાઈને બેઠો છે એણે મુંબઈમાં અબજો રૂપિયાના ગોટાળા કર્યા હતા.દાઉદનું ઠેકાણું અખબારોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. પણ પાકિસ્તાન સરકાર એનો ઈન્કાર કરે છે. દાઉદના એક સંતાનના લગ્ન ક્રિકેટરના સંતાન સાથે દુબઈમાં વાજતેગાજતે યોજાઈ ગયા.
દુનિયાભરમાં એની નોંધ પણ લેવાઈ પણ એવું લાગે છે કે દાઉદસાહેબ સરનામા બદલતા રહે છે. વચ્ચે એવા સમાચાર આવેલા કે દાઉદ બિમાર પડી ગયો છે પણ એને સત્તાવાર સમર્થન ન મળ્યું. દાઉદ જેવા જ અંડરવર્લ્ડના અનેક બીજા સભ્યો પણ છે. જેમાંના એકનું નામ છોટા રાજન અને બીજાનું નામ છોટા શકીલ છે. અવારનવાર આ લોકો વિશે વિરોધાભાસી અહેવાલો આવતાં જ રહે છે. એવા સમાચાર છે કે પોલીસ સાથેની અથડામણમાં છોટા રાજન માર્યો ગયો. છોટા શકીલ વિશે પણ આવા જ વિરોધાભાસી અહેવાલો આવતા રહે છે.
આ બધા કમઠાણમાં સાચું શું અને ખોટું શું એ સમજ પડતી નથી. મોટાભાગના ુગુનેગારો તક મળે એટલે લંડન અથવા પાકિસ્તાન જતાં રહે છે. બીજી આશ્રયસ્થાન અમેરિકા પણ છે જ્યાં સુધી બે દેશો વચ્ચે પ્રત્યાર્પણની સંધિ ન હોય ત્યાં સુધી ગુનેગારોને સોંપવાનું કામ સરળ નથી હોતું. તાજેતરમાં જ અબુ સાલેમને આપણી સરકારે પ્રત્યાર્પણની સંધિ હેઠળ ઝડપી લીધો પણ શરત એ છે કે એને ફાંસીની સજા કરવામાં ના આવે. અત્યારે એ આપણી જેલમાં સબડે છે એની સાથે એની પ્રેમિકા પણ છે જે એક અભિનેત્રી હતી જેનું નામ મોનિકા બેદી હતું.
આજના યુવાનો કોનામાંથી પ્રેરણા લે એ પ્રશ્ન છે. એક જમાનો હતો જ્યારે યુવાનો પાસે નહેરુ, સરદાર, મૌલાના અને ભગતસિંહ જેવા તથા સુભાષ બોઝ જેવા આદર્શ હતા. આજે આવા આદર્શો છે પણ ઉંધા છે. ફલાણાભાઈએ રાજકારણમા આવીને આટલા પૈસા બનાવ્યા આટલી જમીન પોતાના નામે કરી લીધી. આટલા કૌભાંડમાં એમનું નામ બોલે છે અને છતાં ખૂબીની વાત એ કે એ ભાઈનું નામ જાણીતું હોય છતાંય એમને કાંઈ શરમ કે હયાત હોય જ નહીં.
હવે ચૂંટણી લડતાપહેલા ફોર્મ ભરવું પડે છે. એમાં બધી વિગત આપવી પડે છે પણ એ પણ કોઈ માઈનો લાલ સાચી વિગતો બતાવે છે. વચ્ચે ટી.એન. શેષાન નામના કડક ચૂંટણી અધિકારી આવી ગયા. એમણે ભલભલાના છોતરા કાઢી નાખ્યા અને સત્તાનો બરોબર ઉપયોગ કર્યો પણ એ સિવાય ચારેબાજુ પોપાબાઈનું રાજ જોવા મળે છે.