બળાત્કારીને વળી માનવઅધિકાર કેવા?
વિચાર વિહાર - યાસીન દલાલ
નિર્ભયાની માએ રડતા રડતા કહ્યું હતું કે અપરાધીને આવી રીતે તારીખ ઉપર તારીખ મળતી રહેશે તો અમારે ક્યાં જવું?
દેશના જુદા જુદા ભાગોમાં બળાત્કારની દરરોજ ઘટનાઓ બનતી રહે છે. સંસદે યુપીએના શાસનકાળમાં બળાત્કારીઓ માટે ફાંસીની સજાની જોગવાઈ કરી પણ છતાં બળાત્કાર અટકવાનું નામ નથી લેતા. નિર્ભયા કેસ બહુ ચર્ચાયો પણ એના આરોપીઓને ફાંસીની સજાનો અમલ હજી થયો નથી. દરમ્યાન હૈદ્રાબાદમાં બળાત્કારના આરોપીઓએ જામીન ઉપર છૂટીને એ યુવતીની ફરીથી પજવણી શરૂ કરી.
પોલીસ સાથેના અથડામણમાં એ લોકો ભાગતા હતા ત્યારે પોલીસે કડક હાથે કામ લઈને એ ચાર નરાધમોને એકસાથે શૂટ કરી દીધા. દેશભરમાં આના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. શ્રીમતી મેનકા ગાંધીએ આ ઘટનાની સખત ટીકા કરી છે અને સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસે પણ આ ઘટનાની ટીકા કરી છે. બીજી બાજુ એ બીજા ન્યાયમૂર્તિએ આ ઘટનાને આવકારી છે અને કહ્યું છે કે ન્યાયતંત્રમાં વિલંબ થતો હોય ત્યારે આવું કર્યા વિના છૂટકો જ નથી. સંસદમાં શ્રીમતી જયાભાદુરીએ કહ્યું હતું કે આવા લોકોને પબ્લિકના હવાલે જ કરી દેવા જોઈએ.
ભારતમાં મુક્ત સેક્સ નથી. પશ્ચિમ કરતા આપણે આ બાબતમાં જુદા છીએ. દક્ષિણ પૂર્વના દેશો કરતા પણ આપણે જુદા પડીએ છીએ. થાઈલેન્ડ કે કોરિયા જેવા દેશોમાં અનેક પ્રકારના મનોરંજનોના સાધનો છે. આપણે ત્યાં એનો અભાવ છે. પરિણામે આવા કિસ્સા બન્યા જ કરે છે. હવે તો નાની બાળકીઓને પણ રેપનો શિકાર બનાવાય છે.
અખબારોમાં સમાચારો આવે છે કે નજીકના સગા પણ એકબીજા સાથે ભાગી જાય છે અને સામુહિક આપઘાત પણ કરે છે. આ બધા મનોવિજ્ઞાાનના કિસ્સા છે. એને સમજવા માટે મનોવિજ્ઞાાનીઓનું કામ છે. સામાન્ય માણસની બુદ્ધિ એમાં ચાલે નહીં પણ બળાત્કારના કિસ્સા જુદા જ પ્રકારના છે.
એ એક જાતની મનોવિકૃતિ છે. નાની બાળકી ઉપર બળાત્કાર થાય એ કદી ચલાવી ન લેવાય. એ જ રીતે નજીકના સગા બળાત્કાર કરે એ પણ ન ચલાવી લેવાય પણ હૈદ્રાબાદ અને યુપીની ઘટના જુદા જ પ્રકારની છે. યુપીમાં ભાજપના ધારાસભ્ય સીગર બળાત્કારમાં પકડાયો હતો. અદાલતે એને કસૂરવાર પણ ઠરાવ્યો હતો. હૈદ્રાબાદની ઘટના બીજા પ્રકારની છે. આ ઘટના તો અતિદુર્લભ છે. રાતના અઢી ત્રણ વાગ્યાની આસપાસ એક લેડી ડોક્ટર પોતાનું વાહન લઈ જતી હતી. રસ્તામાં વાહન ખોટવાઈ ગયું. આ લોકો એ જોઈ ગયા અને એનું અપહરણ કર્યું.
સિંગર કેસમાં અદાલતે પૂછ્યું કે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરવામાં મોડુ કેમ કર્યું અને વારંવાર પિડીતાને પૂછપરછ માટે કેમ બોલાવી? અહીંયા જેની પર બળાત્કાર થયો એ યુવતી ૧૭ વર્ષની સગીર હતી. આ કિસ્સો જૂન ૨૦૧૭નો હતો. મૂળ ચાર્જશીટમાં કુલદીપસિંહનો ઉલ્લેખ થયો નહોતો. પિડીતાએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખીને ન્યાયની માંગણી કરી હતી. આ પછી એપ્રિલમાં એની ધરપકડ થઈ. બીજી બાજુ ખોટા આરોપમાં પિડીતાના પિતાને જેલમાં મોકલી દેવાયો હતો.
જેલમાં જ એનું શંકાસ્પદ મોત થયું. પિતા ઉપર ધારાસભ્યના ગુંડાઓએ હુમલો કર્યો. પિતાને ઉલટુ મારપીટના આરોપસર જેલમાં ધકેલાયા. ધારાસભ્ય વતી પિડીતાના પરિવાર સામે માનહાનિનો કેસ થયો. પિતાના મોત મુદ્દે બે પોલીસની ધરપકડ થઈ. ૧૮ ઓગસ્ટેે એક સાક્ષીનું શંકાસ્પદ મોત થયું.
આ બાજુ પિડીતાએ મુખ્ય ન્યાયાધીશ શ્રી રંજન ગોગોઈને પત્ર લખીને આપવીતી જણાવી. આ બાજુ ૧૬ ડીસેમ્બરે ધારાસભ્યને દોષિત જાહેર કરાયા. દરરોજ સુનવણી શરૂ થઈ. કેસ લખનૌથી દિલ્હી ખસેડાઈ ૨૮ જુલાઈએ પિડીતાની કારને ટ્રકથી ઠોકર મારીને ઘાયલ કરી દેવાઈ. કાકી અને માસીના મોત થયા.
બળાત્કાર કરનારાને હિંદી ફિલ્મોમાં બતાવવામાં આવ્યા છે. ફિલ્મોમાં મોટેભાગે મિડીયા ટ્રાયલ થાય છે. પુરાવાના અભાવે એમની પહોંચને કારણે એમને થવી જોઈએ એ સજા થતી નથી. સજા થાય પછી અદાલત એમને ઉપલી કોર્ટમાં અપીલ કરવાની છૂટ આપે છે. આવી છૂટને કારણે નિર્ભયા કેસમાં આરોપીઓને ફાંસી થઈ શકી નથી.'સિંઘમ' કે 'મર્દાની' જેવી ફિલ્મો જોઈને આપણે તાળીઓ પાડીએ છીએ તો કોઈ પોલીસ ઓફિસર 'સિંઘમ' જેવા બનવાનો પ્રયત્ન કરે ત્યારે માનવ અધિકારના રક્ષકો ઉભા થાય છે એને જવાબ કોણ આપશે? 'ઝખ્મી ઔરત'માં હિરોઈને બળાત્કારીઓને હિજડા બનાવી દેવાની સજા કરે છે.
'ઈન્સાફ કા તરાઝુ'માં ઝીન્નત અમાન બળાત્કારીની હત્યા કરે છે. આપણે ત્યાં બળાત્કારોનું પ્રમાણ વધી રહ્યું છે. આપણી પોલીસ લગભગ નિષ્ક્રિય છે. તંત્ર પણ અસહ્ય છે. સમાજ ધીમે ધીમે સ્વાર્થી અને ભીરુ થવા લાગ્યો છે. આ લફરામાં કોણ પડે એવી માનસિકતા ઉભી થઈ ગઈ છે. જે અવાજ ઉઠાવે એને દબાવી દેવાય છે અને આમ છતાં કોઈ અવાજ જબરદસ્તીથી ઉઠાવે તો એને ચૂપ કરી દેવાય છે. આપણું ન્યાયતંત્ર લગભગ પડી ભાંગવાની સ્થિતિમાં છે.
એન્કાઉન્ટર કોઈ પરિસ્થિતિનો ઉકેલ નથી. બે-ચાર કે દસ-બાર લોકોને ગોળી મારી દેવાથી ઉકલી જશે એમ માનવાની બેવકૂફી કરવા જેવી નથી. મૂળ તો આ દેશની ન્યાય વ્યવસ્થાને જડમૂળથી બદલાવવાની જરૂર છે. આરોપી કોઈ પક્ષનો હોય કે કોઈ લાગવગીયા નેતાનો દિકરો હોય એ જોવું ન જોઈએ. સ્ત્રી અંગેના ચૂકાદા પ્રમાણિકપણે અને હિંમતપૂર્વક આપવા જોઈએ એ જ આવી ઘટનાનો એકમાત્ર ઉકેલ છે.
એન્કાઉન્ટર લગભગ દરેક રાજ્યમાં થાય છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોમાં સૌથી વધુ એન્કાઉન્ટરના કિસ્સા થાય છે.
મહારાષ્ટ્રમાં તો વરસો પહેલા એન્કાઉન્ટર કરનાર પોલિસ અધિકારીઓ હિરો બની ગયા હતા. પ્રદિપ શર્માના નામે ૩૧૨ એન્કાઉન્ટર બોલાય છે. દયા નાયકના નામે ૮૩ ઉપરાંત પ્રફુલ્લ ભોંસલેના નામે ૭૭, રવિન્દ્રનાથ આંગરેના નામે ૫૪, સચિન વાંઝેના નામે ૬૩ અને વિજય સાલેસકરના નામે ૬૧ એન્કાઉન્ટર બોલે છે ત્યારે મુંબઈમાં દાઉદ ઈબ્રાહીમ, છોટા રાજન, અમર નાયક અને અરુણ ગવલીનો ત્રાસ ચરમસીમાએ હતો. પોલિસને કહેવામાં આવેલું કે તમે ગમે તેમ કરીને આ ત્રાસ ખતમ કરો. એન્કાઉન્ટર કર્યા પછી ટીવીના કેમેરામેન સામે ગુંડાઓની લાશ સાથે પોલિસો બિન્દાસ રીતે ફોટા પડાવતા. એ વખતે માનવઅધિકારવાદીઓ પણ ઝાઝી ટીકા કરતા નહોતા.
યુનોની માનવ અધિકાર સમિતિના સિદ્ધાંતો મુજબ લાઠીચાર્જ નથી થયો. એન્કાઉન્ટર પણ નિયમ મુજબ નથી થયા. મહિલાઓની છેડતી અને બળાત્કાર વિરુદ્ધ છેલ્લા આઠ વરસમાં બે વખત ફેરફાર કરીને કાયદાને કડક બનાવવામાં આવ્યા. આમ છતાં બળાત્કારની ઘટનાઓ ઘટવાને બદલે ઉલટાની વધી, માત્ર કાયદો કડક બનાવી દેવાથી ઉકેલ ન આવે એમ સાબિત થયું. ખરી જરૂર તો સિસ્ટમને સુધારવાની છે.
આવા કિસ્સાઓમાં પોલિસ અને ન્યાયતંત્ર ક્યાં નિષ્ફળ જાય છે એ સમજવું પડે. એ મુજબ તંત્રમાં ફેરફાર કરવા જોઈએ. સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર બળાત્કારના કિસ્સાઓમાં તાત્કાલિક એફઆઈઆર નોંધવી જરૂરી છે. પીડિત પરિવારને ગ્રામ્ય વિસ્તારોમાં નેતાઓ અને અફસરોના ચક્કર કાપવા પડે છે.
છ વરસ પહેલા સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ એફઆઈઆર લેવામાં ન આવે તો જે તે પોલિસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. હૈદ્રાબાદમાં જે બન્યું એને આપણા બધાનું સમર્થન મળવું જોઈએ. પોલિસ ગમે તેટલા એન્કાઉન્ટર કરે પણ અદાલત ચુકાદામાં મોડુ કરે તો કંઈ વળે નહીં. નિર્ભયા કેસમાં છેલ્લે ચુકાદો આવ્યો અને ફાંસીની સજાની સુનાવણી મોકુફ રહી ત્યારે નિર્ભયાની માએ રડતા રડતા કહ્યું હતું કે અપરાધીને આવી રીતે તારીખ ઉપર તારીખ મળતી રહેશે તો અમારે ક્યાં જવું?
સિનેમામાં વિલન હિરોઈન ઉપર બળાત્કારની કોશિષ કરે છે ત્યારે ક્યાંકથી હિરો આવીને ઢીસૂમ ઢીસૂમ કરે અને હિરોઈન બચી જાય. પ્રજાની લાગણી એવી છે કે આપણું ન્યાયતંત્ર જે રીતે ઢીલુ છે એ જોતા શૂટઆઉટ એ જ સાચો રસ્તો છે. દરમ્યાન આંધ્રની સરકારે આવા કિસ્સાઓમાં ખાસ અદાલતો બેસાડીને ૧૫ દિવસથી માંડીને ત્રણ મહિના સુધીમાં ચૂકાદો આપવાની વાત થઈ છે. ૧૯૭૨માં મહારાષ્ટ્રના વિદર્ભમાં ચંદ્રપુર જીલ્લામાં ૧૬ વરસની મથુરા નામની કિશોરી ઉપર પોલીસ કસ્ટડીમાં જ બે અધિકારીઓએ બળાત્કાર કર્યો. આ કિસ્સો ખૂબ ગાજ્યો. બંને પોલિસ કર્મચારીઓને બરી કરવામાં આવ્યો.
ટૂંકમાં આ વિષય કાયદો અને વ્યવસ્થાનો ઓછો અને મનોવિજ્ઞાાન વિશ્લેષણનો વધારે છે. એનું સરલીકરણ શક્ય નથી. બે ને બે ચાર જેવી આ વાત નથી. કેટલાક રાજ્યોએ કાયદા કડક બનાવ્યા છે. એમ તો આપણી સંસદે પણ કાયદો કડક બનાવ્યો છે પણ માત્ર કાયદો કડક બનાવવાથી કાંઈ વળવાનું નથી એ વાત અનેકવાર સાબિત થઈ ચૂકી છે. આ સંજોગોમાં વરિષ્ઠ પોલિસ અધિકારીઓ તથા વરિષ્ઠ બૌદ્ધિકને સાથે બેસાડીને એમના અભિપ્રાય મેળવીને આગળ વધવું પડશે.